અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી, રામ મંદિર ટ્રસ્ટની બેઠક, લેવાયા મહત્વના નિર્ણયો
મંદિરનું નિર્માણકાર્ય એવી રીતે થઈ રહ્યું છે, કે આગામી એક હજાર વર્ષ સુધી અડીખમ રહે. મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પથ્થરોને જોડવા માટે લોખંડની જગ્યાએ તાંબાનો ઉપયોગ કરાયો છે.
Trending Photos
અયોધ્યાઃ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન મંદિર ટ્રસ્ટે નિર્માણ કાર્ય પૂર્ણ કરવાના આયોજન અને તેની પાછળ થયેલા ખર્ચની વિગતો જાહેર કરી છે. શું છે સમગ્ર આયોજન, જોઈએ આ અહેવાલમાં...
હવે એ સમય દૂર નથી, જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સર્જન પૂર્ણ થશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી બની રહ્યું છે.
22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેવી પ્રબળ શક્યતા છે, આ માટે 15થી 24 જાન્યુઆરી સુધી મંદિર પરિસરમાં વિશેષ અનુષ્ઠાન યોજાશે.
આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક મળી હતી. જેમાં મંદિર નિર્માણને લગતા 18 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ટ્રસ્ટીઓએ મંદિર નિર્માણમાં વપરાયેલા નાણાંનો હિસાબ પણ આપ્યો છે. મંદિર પરિસરના નિર્માણ પાછળ અંદાજે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી અત્યાર સુધી 900 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. મંદિર ટ્રસ્ટ પાસે ત્રણ હજાર કરોડ રૂપિયાનું ફંડ છે.
રામ મંદિર નિર્માણ માટે જ્યાં દેશભરમાંથી દાનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં વિદેશમાંથી પણ ફંડ આવી રહ્યું છે. વિદેશમાંથી ફંડ મેળવવા માટે ટ્રસ્ટે જરૂરી કાયદાકીય ઔપચારિક પ્રક્રિયાઓ પણ પૂરી કરી છે.
મંદિરના ટ્રસ્ટીઓનું માનીએ તો રામ મંદિરનું નિર્માણ કાર્ય ત્રણ તબક્કામાં સંપન્ન કરાશે. પહેલા ચરણમાં જાન્યુઆરી 2024માં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. બીજું ચરણ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે મંદિર પર વિજય પતાકા ફરકાવવામાં આવશે. ડિસેમ્બર 2025 સુધીમાં મંદિરનું કામ પૂર્ણ થઈ જશે. એટલે કે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થતાં હજુ બે વર્ષનો સમય લાગશે. તેનું કારણ છે મંદિર પરિસરનો વ્યાપ.
રામલલાને મંદિરમાં વિરાજમાન કર્યા બાદ આવનાર દરેક દર્શનાર્થીને રામલલાની તસવીર યાદગીરીરૂપે આપવામાં આવશે. આ ઉપરાંત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પાંચ લાખ ગામ સુધી રામલલાનાં પૂજિત અક્ષતને પહોંચાડવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રામલલાના અક્ષતનું પૂજન કરવામાં આવશે. તેમનાં વિતરણ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટ અને વીએચપીના 50થી વધુ કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવશે.
રામ મંદિર ટ્રસ્ટને યુપી સરકાર તરફથી એક જરૂરી મંજૂરી પણ મળી ગઈ છે. આ મંજૂરી આંતરરાષ્ટ્રીય રામ કથા સંગ્રહાલયને ટ્રસ્ટને સોંપવાની માગ સામે છે. રામ મંદિરના 500 વર્ષના ઇતિહાસ અને 50 વર્ષના આંદોલનના કાયદાકીય દસ્તાવેજોને મ્યુઝિયમમાં મૂકવા ટ્રસ્ટે આયોજન કર્યું છે. જેથી આ દસ્તાવેજોને લોકો મ્યુઝિયમમાં જોઈ શકે.
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આડે હવે ત્રણેક મહિના બાકી રહ્યા છે, ત્યારે મંદિરનું નિર્માણકાર્ય પૂરજોરથી ચાલી રહ્યુ છે. મંદિરના ભૂતળનું કામ આયોજન પ્રમાણે ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. મંદિરનું નિર્માણકાર્ય એવી રીતે થઈ રહ્યું છે, કે આગામી એક હજાર વર્ષ સુધી અડીખમ રહે. મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પથ્થરોને જોડવા માટે લોખંડની જગ્યાએ તાંબાનો ઉપયોગ કરાયો છે.
મંદિરના મુખ્ય ભાગ પર નજર કરીએ તો મંદિરના ગર્ભગૃહમાં તૈયાર થનારા ચબૂરતા પર રામલલાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે. રામલલાની મૂર્તિ 51 ઈંચ ઉંચી હશે. એક સાથે 3 પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આમ તો રામ મંદિરનું નિર્માણ અઢી એકરમાં થઈ રહ્યું છે, જો કે પરિક્રમા પથની સાથે સમગ્ર મંદિર પરિસર આઠ એકરમાં ફેલાયેલું છે. ત્રણ માળના મંદિરની ઉંચાઈ 162 ફૂટ હશે. મંદિરમાં કુલ 393 પિલ્લર અને 12 દ્વાર હશે. મંદિર પરિસરમાં રામ મંદિર ઉપરાંત અન્ય છ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
રામ મંદિર ટ્રસ્ટ મંદિરમાં એક એવી વ્યવસ્થા પણ કરી રહ્યું છે, જે અન્ય કોઈ મંદિરમાં નથી. દર વર્ષે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો શ્રીરામની મૂર્તિ પર પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે એક કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. એક નાનું ઉપકરણ મંદિરના શિખર પર લગાવવામાં આવશે. સૂર્યના કિરણો આ ઉપકરણના માધ્યમથી રિફલેક્ટ થઈને ભગવાન રામની મૂર્તિના લલાટ સુધી પહોંચશે. આ ઉપકરણ નિષ્ણાતોના નિરીક્ષણમાં બેંગલુરુમાં તૈયાર થઈ રહ્યું છે. તેની ડિઝાઈન રુડકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને પૂણેની એસ્ટ્રોનોમિકલ સંસ્થાએ મળીને તૈયાર કરી છે. આ વ્યવસ્થા રામ મંદિરને વધુ અનોખું બનાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે