હમાસના હુમલામાં 10 નેપાળી વિદ્યાર્થીઓના મોત, ઇઝરાયલમાં દૂતાવાસના અધિકારીએ કરી પુષ્ટિ

હમાસના આતંકીઓ પેરાશૂટની મદદથી ઉડીને ઈઝરાયલમાં પ્રવેશી રહ્યા છે. ઈઝરાયલમાં પ્રવેશતાં જ તેઓ સામાન્ય નાગરિકોને નિશાન બનાવ રહ્યા છે. 

હમાસના હુમલામાં 10 નેપાળી વિદ્યાર્થીઓના મોત, ઇઝરાયલમાં દૂતાવાસના અધિકારીએ કરી પુષ્ટિ

તેલ અવીવઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં સતત ભડકો થઈ રહ્યો છે. બીજા દિવસે બંને તરફે યુદ્ધનો મૃત્યુઆંક એક હજાર સુધી પહોંચ્યો છે. હમાસે યુદ્ધ તો છેડી દીધું છે, પણ તે હવે ઈઝરાયલના આક્રમક વળતા પ્રહારનો સામનો કરી રહ્યું છે. ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં ગાઝા પટ્ટીના મોટાભાગનાં વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. જો કે હમાસે આ વખતે યુદ્ધની મોટા પાયા પર તૈયારીઓ કરી છે. આતંકીઓ ઈઝરાયલના નાગરિકોનું અપહરણ કરી રહ્યા છે. હમાસના હુમલામાં નેપાળના 10 વિદ્યાર્થીઓના પણ મોત થયા છે. 

ઈઝરાયલ અને ગાઝા વચ્ચેનો જંગ એક દિવસમાં જ કેટલી હદે ભીષણ બની ગયો, તેના સાક્ષી છે આ દ્રશ્યો... હમાસે ઈઝરાયલ પર કરેલા રોકેટમારા સામે ઈઝરાયલે પણ ગાઝા પર હુમલો બોલી દીધો, જેનું પરિણામ એ આવ્યું કે બંને તરફ કાટમાળનાં ઢલગાં પથરાઈ ગયાં. ઈઝરાયલે ગાઝામાં હમાસ સંગઠનના અનેક ઠેકાણાને નિશાન બનાવીને તેમને નેસ્તોનાબૂદ કર્યા છે. જેમાં બહુમાળી ઈમારતમાં આવેલા હમાસના હેડક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે. ભૂમધ્ય સમુદ્રમાં ઈઝરાયલના યુદ્ધજહાજોએ હમાસની અનેક સ્પીડબોટને ફૂંકી મારી છે.

ઈઝરાયલની સરહદમાં ઘૂસવા હમાસના આંકીઓએ મોટર આધારિત હેંગ ગ્લાઈર્સનો ઉપયોગ કર્યો છે. ત્રણ પૈડાં, મોટર અને પ્રોપેલર સાથેનાં આ ગ્લાઈડર્સમાં બેસીને આતંકીઓ હવામાં ઉડે છે અને ઈઝરાયલની સરહદમાં ઉતરાણ કરે છે. આ રીતે અમુક જ સેકન્ડોમાં આતંકીઓ ઈઝરાયલ પહોંચી જાય છે અને સેના સામે મોરચો સંભાળી લે છે. એટલે કે આ વખતે હમાસ ઈઝરાલય સામે લડવા પહેલાં કરતા વધુ સજ્જ થયું છે.

હમાસના આતંકીઓએ ઈઝરાયલના ઘણા પરિવારોને બંધક બનાવ્યા છે. ઈઝરાયલ સરકારનો દાવો છે કે હમાસે તેના 100થી વધુ લોકો અને સૈનિકોને બંધક બનાવ્યા છે. આતંકીઓ નાગરિકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે. લોકો જીવ બચાવવા આતંકીઓને કરગરી રહ્યા છે. એક તરફ આતંકીઓ છે અને બીજી તરફ ફાયરિંગ અને રોકેટમારો, એવામાં લોકો માટે જીવ બચાવવા સૌથી મોટો પડકાર છે. હમાસના આતંકીઓ ચોરેલા વાહનોમાં ઈઝરાયલના શહેરોમાં ફરી રહ્યા છે. 

ઈઝરાયલની સેના અને હમાસના આતંકીઓ વચ્ચે સીધી અથડામણ પણ થઈ રહી છે, જેમાં ઈઝરાયલના સૈનિકો હમાસ પર ભારે પડી રહ્યા છે. એક તરફ જ્યાં ઈઝરાયલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ ઈઝરાયલની ટેન્કોનો કાફલો ગાઝા સરહદે પણ ગોઠવાઈ ગયો છે. જે એ વાતનો સંકેત છે કે જંગ હવે લાંબી ચાલશે.  હમાસના હુમલામાં ઈઝરાયલની હોસ્પિટલ્સને પણ ભારે નુકસાન થયું છે. હોસ્પિટલ્સને ખાલી કરાવી દેવાઈ છે. કાટમાળમાં તબ્દીલ થઈ ચૂકેલી આ ઈમારત અલ અમીન મસ્જિદ છે, જે પેલેસ્ટાઈનના લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતિક છે. જો કે ઈઝરાયલની સેનાની એરસ્ટ્રાઈકમાં મસ્જિદ નેસ્તોનાબૂદ થઈ ગઈ. જેની સામે લોકોમાં ભારે રોષ છે. 

હમાસ અને ઈઝરાયલ વચ્ચેના તાજેતરના સંઘર્ષનું મુખ્ય કારણ ઈઝરાયલની એક મસ્જિદમાં ઘટેલી એક ઘટના જ છે. હમાસનો આરોપ છે કે ઈઝરાયલે જેરુસલેમની અલ અક્સા મસ્જિદમાં આવતા પેલેસ્ટાઈનના લોકો વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું. ઇઝરાયલની પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર હુમલો કર્યો હોવાનો પણ હમાસનો આરોપ છે. જેને જોતાં હમાસે ઈઝરાયલ પર હુમલો બોલી દીધો..

આ સંઘર્ષ હવે ગાઝા અને ઈઝરાયલ પૂરતો મર્યાદિત ન રહેતાં તેમાં અન્ય દેશોની પણ એન્ટ્રી થઈ રહી છે. હમાસે દાવો કર્યો છે કે તે વેસ્ટ બેન્ક અને લેબેનોનને પણ યુદ્ધમાં સામેલ કરશે. લેબેનોનના આતંકી સંગઠન હિઝબુલ્લા અને ઈઝરાયલની સેના વચ્ચે ઉત્તર ઈઝરાયલમાં લડાઈ શરૂ થઈ હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાની પણ હમાસની જેમ ઈઝરાયલ સાથે દુશ્મનાવટ છે. હિઝબુલ્લાએ ઈઝરાયલના પાટનગર તેલ અવીવ પર હવાઈ હુમલા કર્યા છે. જેનાથી આ યુદ્ધ હવે વધુ જોખમી વળાંક લઈ રહ્યું છે.

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને હમાસના હુમલાને વખોડીને ઈઝરાયલનું સમર્થન કર્યું છે. આ યુદ્ધમાં ઈઝરાયલના 350 લોકો માર્યા ગયા હોવાનો દાવો કરાય છે, જેમાં 26 જેટલાં સૈનિકો છે. તો સામે ઈઝરાસલે હમાસના 400 આતંકીઓનો ખાત્મો કર્યો હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયલે તેના ત્રણ ઉચ્ચ લશ્કરી અધિકારી પણ ગુમાવ્યા છે. પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે, ત્યારે ઈઝરાયલમાં ભારતના દૂતાવાસે પોતાના નાગરિકોને સતર્ક રહેવાની અને જરૂરી પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. 

ઈઝરાયલમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચેલી બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા સલામત મુંબઈ પહોંચી હતી. નુસરત યુદ્ધ વચ્ચે ફસાઈ હતી, જો કે ભારતીય દૂતાવાસની મદદથી તે મુંબઈ પરત ફરી હતી. એર ઈન્ડિયાએ 14મી ઓક્ટોબર સુધી તેલ અવીવ જતી ફ્લાઈટ સ્થગિત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news