રાજસ્થાન ચૂંટણી: વસુંધરા સરકારના 4 મંત્રીએ બળવો પોકાર્યો, BJPને હરાવવા આ તરકીબ અજમાવી

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 પહેલા જ વસુંધરા રાજે સરકારના 4 મંત્રીઓ બળવાખોર  બની ગયા છે.

રાજસ્થાન ચૂંટણી: વસુંધરા સરકારના 4 મંત્રીએ બળવો પોકાર્યો, BJPને હરાવવા આ તરકીબ અજમાવી

નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 પહેલા જ વસુંધરા રાજે સરકારના 4 મંત્રીઓ બળવાખોર  બની ગયા છે. બળવાખોર બનેલા ચારેય મંત્રીઓ હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં પોતાનુ નસીબ અજમાવવા માટે કૂદી પડ્યા છે. ચારેય મંત્રીઓના આ પગલાથી ભાજપની ચિંતા વધી છે. પાર્ટી હવે આ કારણથી જે નુકસાન થવાની ભીતી છે તેને રોકવાની કોશિશમાં લાગી છે. હકીકતમાં વસુંધરારાજે સરકારના આ ચારેય મંત્રીઓ પોતાની ટિકિટ કપાવવાથી નારાજ છે. ભાજપને એ ડર સતાવી રહ્યો છે કે સત્તા વિરોધી લહેર અને લોકોની નારાજગીના પગલે ચારેય મંત્રીઓ ચૂંટણી હારી શકે છે. ભાજપ હાઈકમાન્ડે ચારેય મંત્રીઓની ટિકિટ કાપીને બીજા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 

ભાજપે  પોતાના જે ચાર મંત્રીઓની ટિકિટ કાપી છે તેમાં કાયદા મંત્રી સુરેન્દ્ર ગોયલ, ખાદ્ય અને નાગરિક પૂરવઠા મંત્રી હેમસિંહ ભડાના, દેવસ્થાન રાજ્ય મંત્રી રાજકુમાર રિણવા અને પંચાયતી રાજ્ય મંત્રી ધનસિંહ રાવત સામેલ છે. સુરેન્દ્ર ગોયલ રાજસ્થાનની જૈતારણ, થાનાકાઝીથી હેમસિંહ ભડાના, રતનગઢથી રાજકુમાર રિણવા અને બાંસવાડથી ધનસિંહ રાવત વિધાનસભ્ય હતાં. 

આ મંત્રીઓની જગ્યા કોને મળી ટિકિટ
સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ હાઈકમાન્ડે પોતાના ચારેય મંત્રીઓ પર ભરોસો કરવાની જગ્યાએ ચારેય બેઠકો પરથી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે જે ઉમેદવારોને ટિકિટ આપી છે તેમાં જૈતારણથી અવિનાશ ગહલોત, થાનાકાઝીથી ડો. રોહિતાશ્વ શર્મા, બાંસવાડાથી અખડૂ મહિરા અને રતનગઢથી અભિનેષ મહર્ષિ સામેલ છે. 

ઉલ્લેખનીય છે કે થાનાકાઝીથી ભાજપના ઉમેદવાર ડો.રોહિતાશ્વ શર્મા વિધાનસભા ચૂંટણી 2008માં પોતાનું નસીબ ભાજપની ટિકિટ પરથી અજમાવી ચૂક્યા છે અને ચૂંટણીમાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. 

પુત્રો માટે ટિકિટ મેળવવામાં સફળ રહ્યાં આ મંત્રીઓ
રાજસ્થાનની વસુંધરા રાજે સરકારના બે મંત્રીઓ એવા પણ છે જેઓ પોતની જગ્યાએ પુત્રોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા માંગતા હતાં. ભાજપ હાઈકમાન્ડે આ બંને મંત્રીઓની વાત સ્વીકારતા પુત્રોને ટિકિટ આપી. જેમાં જનજાતિ મંત્રી નંદલાલ મીણા અને શ્રમમંત્રી જસવંત યાદવ સામેલ છે. ભાજપ હાઈકમાન્ડે નંદલાલ મીણાના પુત્ર હેમંત મીણાને પ્રતાપગઢ અને જસવંત યાદવના પુત્ર મોહિત યાદવને બહરોડથી ટિકિટ આપી છે. 

આ મંત્રીઓની બેઠક બદલાઈ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહેલા મુકાબલાને જોતા વસુંધરા રાજે સરકારના બે મંત્રીઓની બેઠકો બદલવાનો નિર્ણય લેવાયો છે. આ મંત્રીઓમાં પરિવહન રાજ્ય મંત્રી બાબુલાલ વર્મા અને પીડબલ્યુડી મંત્રી યુનુસ ખાન સામેલ છે. બાબુલાલ વર્મા હવે કેશોરાયપાટનની જગ્યાએ બારા-અટરુંથી ચૂંટણી લડશે. 

જ્યારે ડીડવાણા વિધાનસભાથી વિધાયક યુનુસખાનને ટોંકથી ટિકિટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ આ વખતે ટોંકથી ચૂંટણી લડી રહ્યાં છે. સચિન પાઈલટને પડકાર ફેંકવા માટે ભાજપે પોતાના અલ્પસંખ્યક ચહેરાને આ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news