Uttar Pradesh: કોંગ્રેસે બહાર પાડ્યો ત્રીજો ચૂંટણી ઢંઢેરો, દરેક વર્ગ માટે ચૂંટણી વચનોનો વરસાદ
ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસ પાર્ટીએ પોતાનું ત્રીજુ ઘોષણાપત્ર બહાર પાડ્યું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઘોષણાપત્ર ઉન્નતિ વિધાન બહાર પાડ્યું જેમાં દરેક વર્ગ માટે ચૂંટણી વાયદા કરવામાં આવ્યા.
Trending Photos
લખનૌ: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસ પાર્ટીએ પોતાનું ત્રીજુ ઘોષણાપત્ર બહાર પાડ્યું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઘોષણાપત્ર ઉન્નતિ વિધાન બહાર પાડ્યું જેમાં દરેક વર્ગ માટે ચૂંટણી વાયદા કરવામાં આવ્યા. આ ચૂંટણી ઢંઢેરાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ અને પીએલ પુનિયાએ જનતા વચ્ચે જઈને તૈયાર કર્યું છે.
ત્રીજો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો
પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનો ત્રીજો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જેને ઉન્નતિ વિધાન નામ આપવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ 21 જાન્યુઆરીએ ભરતી વિધાન અને તે પહેલા 8 ડિસેમ્બરે શક્તિ વિધાન બહાર પાડવામાં આવ્યું હતું. 8 ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલા શક્તિ વિધાનમાં મહિલાઓ માટે જાહેરાત કરાઈ હતી. જ્યારે 21 જાન્યુઆરીએ યુવાઓ માટે ચાલુ ભરતી વિધાનમાં 20 લાખ નોકરીનું વચન અપાયું હતું.
10 દિવસમાં માફ થશે ખેડૂતોના દેવા
પ્રિયંકા ગાંધીએ ઉન્નતિ વિધાન બહાર પાડતા કહ્યું કે અમારી સરકાર બનશે તો 10 દિવસની અંદર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરાશે. આ ઉપરાંત 2500 રૂપિયામાં ઘઉ-ધાન અને 400 રૂપિયામાં શેરડીની ખરીદી થશે. ગૌધન યોજના હેઠળ ગોબરને 2 રૂપિયે કિલોના ભાવે ખરીદાશે.
વીજ બિલ અડધુ કરાશે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો વીજળીનું બિલ અડધુ કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના કાળમાં બાકી વીજ બિલ માફ કરાશે.
કોવિડ યોદ્ધાઓને 50 લાખનું વળતર
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારી દરમિયાન જીવ ગુમાવનારા કોવિડ યોદ્ધાઓને 50 લાખ સહાય મળશે. આ ઉપરાંત કોરોનાનો આર્થિક માર ઝેલનારા પરિવારોને 25 હજાર રૂપિયાની મદદ કરાશે.
20 લાખ લોકોને સરકારી નોકરી
કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં 20 લાખ યુવાઓને સરકારી નોકરીનું વચન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 12 લાખ સરકારી પદો પર ભરતી માટે રૂપરેખા તૈયાર છે. આ સાથે જ વચન આપ્યું કે 40 ટકા રોજગારી મહિલાઓને આરક્ષણ હેઠળ અપાશે.
UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે