ટ્રિપલ તલાકઃ રાષ્ટ્રપતિએ કહ્યું, 'સમગ્ર દેશ માટે સંતોષની ક્ષણ છે'
મંગળવારે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. અહીં બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને જણાવ્યું કે, આ બિલ મહિલા-પુરુષ સમાનતા માટે ઐતિહાસિક ઉપલબ્ધી છે. રાજ્યભામાં આ બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, "રાજ્યસભામાં મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બિલ પસાર થવાથી 'ત્રણ તલાક'ની અન્યાયપૂર્ણ પરંપરાના પ્રતિબંધ પર સંસદની મંજૂરીની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. આ બિલ મહિલા-પુરુષ સમાનતા માટે ઐતિહાસિક ઉપલબ્ધ છે. સમગ્ર દેશ માટે સંતોષની ક્ષણ છે."
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતિ ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાયો છે. સંસદે ટ્રિપલ તલાક દેશમાંથી નાબૂદ કરી દીધા છે. મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ છે. આ જાતિય ન્યાયનો વિજય છે, જે ભવિષ્યમાં સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત માટે ખુશીનો દિવસ છે."
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સાંસદોનો આભાર માનું છું. ત્રણ તલાક બિલ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે."
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. અહીં સૌથી પહેલા બિલને પસંદગી સમિતિને મોકલવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેની તરફેણમાં 84 જ્યારે વિરોધમાં 100 વોટ પડ્યા હતા. ત્યાર પછી ટ્રિપલ તલાક બિલને પસાર કરવા માટે મતદાન યોજાયું હતું. જેમાં બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. આમ, બહુમત સાથે આ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે