J&Kમાં રાજ્યપાલ શાસન લગાવવાની ગતિવિધિ શરૂ, કેન્દ્રીય ગૃહ સચિવને મળ્યા NSA ડોભાલ
જમ્મુ કાશ્મીરમાં ભાજપ પીડીપી ગઠબંધન સરકાર તૂટતાં મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ મુખ્યપ્રધાન પદ્દથી આપ્યું રાજીનામું.
Trending Photos
નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવા માટે દિલ્હીમાં ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દાને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા વચ્ચે મુલાકાત થઈ રહી છે. આ મુલાકાતમાં રાજ્યપાલ એનએન વોહરાના બે સલાહકારોના નામ પર પણ ચર્ચા થઈ છે. ડોભાલ અને ગૌબાની મુલાકાતમાં રાજ્યના પ્રશાસનિક સલાહકાર અને પોલીસ સલાહકારના નામો પર પણ ચર્ચા થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બંન્નેને પણ હટાવી શકાય છે. ગૃહ સચિવ એનએસએ બંન્ને પદ્દો માટે નામ જણાવશે. ત્યારબાદ એનએસએ અજિત ડોભાલ આ નવા નામો પર પીએમઓ સાથે ચર્ચા કરશે.
મહત્વનું છે કે, મંગળવારે જમ્મૂ-કાશ્મીરનો રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલી રહ્યો છે. સવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને એનએસએ અજિત ડોભાલની પણ મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં શું વાતચીત થઈ તો જાણ પણ ન થઈ પરંતુ ત્યારબાદ બપોરે જમ્મૂ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપ વચ્ચે ગઠબંધન તૂટી ગયું. આ મુલાકાત પર એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભાજપ જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ઈચ્છે છે અને ત્યાં કલમ 370 હટાવવા ઈચ્છે છે.
જમ્મૂ અને કાશ્મીરમાં પીડીપી-ભાજપ ગઠબંધન સરકારમાંથી ભાજપ દ્વારા સમર્થન પરત લીધા બાદ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ પોતાના પદ્દથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલ એનએન વોહરાને મોકલી આપ્યું છે. મુફ્તીની રાજીનામાં બાદ પાર્ટીની આગામી રણનીતિ શું હશે તે માટે પીડીપીએ બેઠલ બોલાવી છે. બીજીતરફ કોંગ્રેસે કહ્યું કે, તે રાજ્યમાં પીડીપીની નવી સરકાર માટે પોતાનું સમર્થન આપશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે