PM મોદીની 'મન કી બાત': એક્તાની વાત કરીને વડાપ્રધાને રામ જન્મભૂમિના ચુકાદાનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ પોતાના સંદેશમાં સૌથી પહેલા દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ નમસ્કાર. આજે દીપાવલીનું પર્વ છે. તમને બધાને દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ.
Trending Photos
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે દિવાળી (Diwali)ના દિવસે દેશવાસીઓ સાથે મન કી બાત (Mann ki Baat) કરી રહ્યાં છે. પીએમ મોદીએ પોતાના સંદેશમાં સૌથી પહેલા દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ નમસ્કાર. આજે દીપાવલીનું પર્વ છે. તમને બધાને દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ.
રામ મંદિર પર અલાહાબાદ HCના ચુકાદાને યાદ કરીએ
પીએમ મોદીએ કહ્યું કે સપ્ટેમ્બર 2010માં જ્યારે રામ જન્મભૂમિ પર અલાહાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. જરા તે દિવસોને યાદ કરો. જાત જાતના કેટલા લોકો મેદાનમાં આવી ગયા હતાં. કેવી કેવી રીતે ઈન્ટ્રસ્ટ ગ્રુપ તે પરિસ્થિતિઓનો પોત પોતાની રીતે ફાયદો ઉઠાવવા માટે રમી રહ્યાં હતાં. કેટલાક નિવેદનબાજોએ, ભડભડ બોલનારાઓએ ફક્ત અને ફક્ત પોતાને ચમકાવવાના ઈરાદે ન જાણે શું શું બોલી નાખ્યું હતું. આપણને બધુ યાદ છે. પરંતુ આ બધુ, પાંચ દિવસ, સાત દિવસ, દસ દિવસ, ચાલતુ રહ્યું પરંતુ જેવો ચુકાદો આવ્યો કે એક આનંદદાયક, આશ્ચર્યજનક બદલાવ દેશે મહેસૂસ કર્યો હતો.
સપ્ટેમ્બર 2010માં જ્યારે રામ જન્મભૂમિ પર ચુકાદો આવ્યો ત્યારે સરકારે, રાજકીય પક્ષોએ, સામાજિક સંગઠનોએ, સિવિલ સોસાઈટીઓએ બધા સંપ્રદાયોના પ્રતિનિધિઓએ, સાધુ સંતોએ ખુબ જ સંતુલિત અને સંયમિત નિવેદનો આપ્યાં. મને તે દિવસ બરાબર યાદ છે. જ્યારે પણ તે દિવસ યાદ કરું છું ત્યારે મનમાં આનંદ થાય છે. ન્યાયપાલિકાની ગરિમાને ખુબ જ ગૌરવપૂર્ણ રીતે સન્માન આપ્યું અને ક્યાય પણ ગર્માહટ કે તણાવનો માહોલ બનવા દીધો નહીં. એક્તાનો સ્વર, દેશને કેટલી મોટી તાકાત આપે છે તેનું તે ઉદાહરણ છે.
લોહ પુરુષ સરદાર પટેલને કર્યા યાદ
પીએમ મોદીએ કહ્યું કે 31 ઓક્ટોબર ભારતના લોહ પુરુષ સરદાર પટેલનો જન્મદિવસ છે. તેઓ દેશને એક્તાના સૂત્રમાં પરોવનારા મહાનાયક હતાં. સરદાર સાહેબની કાર્યશૈલી વિસે જ્યારે વાંચીએ છીએ, સાંભળીએ છીએ ત્યારે જાણવા મળે છે કે તેમનું પ્લાનિંગ કેટલુ જબરદસ્ત હતું. ભારતના પ્રથમ ગૃહ મંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને એક કરવાનું ઐતિહાસિક કામ કર્યું. એક બાજુ તેમની નજર હૈદરાબાદ, જૂનાગઢ અને અન્ય રાજ્યો પર કેન્દ્રિત હતી જ્યારે બીજી બાજુ તેમનુ ધ્યાન દૂર દૂર દક્ષિણમાં લક્ષદ્વીપ ઉપર પણ હતી.
લક્ષદ્વિપ કેટલાક ટાપુઓનો સમૂહ છે. 1947માં ભારતના વિભાજન બાદ તરત આપણા પાડોશીની નજર લક્ષદ્વીપ પર હતી તે સમયે તેમણે પોતાના ઝંડા સાથે જહાજ મોકલ્યું હતું. સરદાર પટેલે જરાય સમય બગાડ્યા વગર તરત કડક કાર્યવાહી શરૂ કરી દીધી. સરદાર સાહેબની યાદમાં બનેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાને સમર્પિત કરાયું. તે દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે. અમેરિકામાં આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ઊંચાઈમાં બમણી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેક્ટસ, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રીશીયન પાર્ક, એક્તા નર્સરી જેવા અનેક આકર્ષણ કેન્દ્ર સતત વિક્સી રહ્યાં છે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળી રહ્યું છે તથા લોકોને રોજગારીની નવી તકો મળી રહી છે. ટુરિઝમ ઉદ્યોગ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અભ્યાસનો વિષય હોઈ શકે છે. આપણે બધા તેના સાક્ષી છીએ કે કેવી રીતે એક વર્ષની અંદર એક સ્થાન, વિશ્વ પ્રસિદ્ધ પર્યટક સ્થળ તરીકે વિક્સિત થાય છે. ખુબ મોટો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. સરકાર પણ પોતાની ભૂમિકા ભજવી રહી છે.
ગુરુ નાનક દેવજીને કર્યા નમન
પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ, 12 નવેમ્બર 2019નો આ એ જ દિવસ છે જે દિવસે દુનિયાભરમાં શ્રીગુરુનાનક દેવજીનો 550મો પ્રકાશપર્વ ઉજવાશે. ગુરુનાનક દેવજીનો પ્રભાવ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. શ્રી ગુરુનાનક દેવજીએ સેવાને હંમેશા સર્વોપરી રાખી. ગુરુનાનક દેવજી માનતા હતાં કે નિસ્વાર્થ ભાવથી કરાયેલી સેવાની કોઈ કિંમત હોતી નથી. છૂત અછૂત જેવી સામાજિક બુરાઈ વિરુદ્ધ મજબુતાઈથી ઊભા રહ્યાં.
ગુરુનાનક દેવજી તિબ્બત પણ ગયાં, જ્યાંના લોકોએ તેમને ગુરુ માન્યાં. તેઓ ઉઝ્બેકિસ્તાનમાં પણ પૂજનીય છે. પોતાની એક ઉદાસી દરમિયાન તેમણે મોટા પાયે ઈસ્લામિક દેશોનો પણ પ્રવાસ ખેડ્યો જેમાં સાઉદી અરબ, ઈરાક અને અફઘાનિસ્તાન સામેલ છે.
હજુ થોડા દિવસ પહેલા જ લગભગ 85 દેશોના રાજદૂત દિલ્હીથી અમૃતસર ગયા હતાં. ત્યાં રાજદૂતોએ ગોલ્ડન ટેમ્પલમાં દર્શન તો કર્યાં જ સાથે સાથે તેમણે શીખ પરંપરા અને સંસ્કૃતિ અંગે પણ જાણ્યું. ત્યારબાદ અનેક રાજદૂતોએ સોશિયલ મીડિયા પર ત્યાંની તસવીરો શેર કરી. મારી કામના છે કે ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ પર આપણે તેમના વિચારો, અને આદર્શોને પોતાના જીવનમાં ઉતારવાની વધુમાં વધુ પ્રેરણા આપે. એકવાર ફરીથી હું માથું નમાવીને ગુરુ નાનક દેવજીને નમન કરું છું.
નારી શક્તિને સમર્પિત દિવાળી
પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ ગત વખતે મન કી બાતમાં અમે નક્કી કર્યું હતું કે આ દિવાળી પર કઈંક અલગ કરીશું. મેં કહ્યું હતું કે આવો આપણે બધા આ દિવાળી પર ભારતની નારી શક્તિ અને તેમની ઉપલબ્ધિઓને મનાવીએ. એટલે કે ભારતની લક્ષ્મીનું સન્માન કરીએ. સોશિયલ મીડિયા પર અગણિત પ્રેરણા આપતી કહાનીઓની લાઈન લાગી ગઈ. ટ્વીટર પર એક્ટિવ રહેતા ગીતિકા સ્વામીનું કહેવું છે કે તેમના માટે મેજર ખુશ્બુ કંવર ભારતની લક્ષ્મી છે જે બસ કન્ડક્ટરની પુત્રી છે. તેમણે આસામ રાઈફલ્સની ઓલ વુમન ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. પીએમ મોદીએ દીપાવલીની શુભકામનાઓ આપતા એક શ્લોક પઢ્યો.
इस श्लोक में कहा है – प्रकाश जीवन में सुख, स्वास्थ्य और समृद्धि लेकर के आता है, जो, विपरीत बुद्धि का नाश करके, सदबुद्धि दिखाता है। ऐसी दिव्यज्योति को मेरा नमन। इस #दीपावली को याद रखने के लिए इससे बेहतर विचार और क्या हो सकता है: PM @narendramodi #MannKiBaat #PMonAIR pic.twitter.com/F80xQK5yxU
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) October 27, 2019
#BharatKiLaxmiનીએવી અનેક કહાનીઓ લોકોએ શેર કરી છે. તમે જરૂર વાંચો, પ્રેરણા લો, અને પોતે પણ આવું કઈંક તમારી આસપાસથી શેર કરો અને મારા ભારતની આ તમામ લક્ષ્મીઓને આદરપૂર્વક નમન છે. સુપ્રસિદ્ધ કવયિત્રી સાંચી હોનમ્માએ 17મી શતાબ્દીમાં કન્નડ ભાષામાં એક કવિતા લખી હતી. તે ભાવ, તે શબ્દો ભારતની દરેક લક્ષ્મીની વાત કરી રહ્યાં છે. આપણી દીકરીઓ આપણું ગૌરવ છે અને આ બેટીઓના મહાત્મયથી જ આપણા સમાજની એક મજબુત ઓળખ છે અને તેનું ઉજ્વળ ભવિષ્ય છે.
તેમણે કહ્યું કે સાથીઓ દુનિયામાં ફેસ્ટીવલ ટુરિઝમનું એક અલગ આકર્ષણ છે. આપણું ભારત, જે કન્ટ્રી ઓફ ફેસ્ટીવલ છે તેમાં #FestivalTourism ની અપાર સંભાવનાઓ છે. આપણા પ્રયત્નો હોવા જોઈએ કે આપણે તહેવારોનો પ્રસાર કરીએ. આપણા ત્યાં દરેક રાજ્ય, ક્ષેત્રના પોત પોતાના વિભિન્ન ઉત્સવો હોય છે. બીજા દેશોના લોકોને તો તેમા ખુબ રસ હોય છે. આથી ભારતમાં #FestivalTourism વધારવા માટે દેશની બહાર રહેતા ભારતીયોની ભૂમિકા મહત્વની છે.
થોડા દિવસો પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી અને લોકો પાસે સૂચનો માંગ્યા હતાં. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આ વખતે મન કી બાત 27 ઓક્ટોબરના રોજ થશે. દિવાળીના દિવસે. પીએમ મોદીએ કહ્યું હતું કે આ કાર્યક્રમ માટે લોકોને સૂચનો આપવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકો 1800-11-7800 પર ફોન કરીને અથવા તો NaMo App કે પછી MyGov Open Forum પર લખીને પોતાના સૂચનો આપી શકે છે.
This month’s #MannKiBaat will take place on 27th October, which is also the day of Diwali.
Share your inputs for the programme. Dial 1800-11-7800, write on the NaMo App or on the MyGov Open Forum! https://t.co/iQUpDOtGCf pic.twitter.com/B4pwYJlQQd
— Narendra Modi (@narendramodi) October 15, 2019
અગાઉ આ કાર્યક્રમ 29 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થયો હતો. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં એક અનોખી ગતિવિધિ પ્લોગિંગનો ઉલ્લેખ કર્યો હતો. જોગિંગ કરતી વખતે કચરો ઉઠાવીને ભેગો કરવાની રીત પ્લોગિંગ કહેવાય છે. વડાપ્રધાન આ વિચારથી ઘણા પ્રભાવિત જોવા મળ્યા હતાં અને તેમણે આહ્વાન કર્યું કે બધા દેશવાસીઓ બે ઓક્ટોબરના રોજ બે કિલોમીટર વોક કરે અને કચરો ભેગો કરે તથા પ્લોગિંગની આ પ્રક્રિયામાં ભાગ લે. તેમણે ખેલ મંત્રાલયને આ જવાબદારી સોંપી હતી.
જુઓ LIVE TV
વડાપ્રધાને સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિરુદ્ધ પોતાનું મજબુત સ્ટેન્ડ દોહરાવ્યું અને ગાંધી જયંતી પર ભારતીયોને તેના વિરુદ્ધ આંદોલન છેડવાનો અને તેનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે