આજે સાંજે 4 વાગે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, આ મહત્વના મુદ્દાઓ પર કરી શકે છે વાત
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સાંજે 4 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કોરોના વાયરસ મહામારી, ભારત-ચીન સરહદે તણાવ અને 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધના નિર્ણય વચ્ચે પીએમ મોદી સંબોધન કરવા જઈ રહ્યાં છે. આ સાથે જ પહેલી જુલાઈથી અનલોક 2.0ની ગાઈડલાઈન પણ લાગુ થઈ રહી છે. આવામાં પીએમ મોદી પોતાના સંબોધનમાં અનેક પહેલુઓ પર વાત કરી શકે છે. તેમણે છેલ્લીવાર 12મી મેના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ત્યારે તેમણે લોકડાઉનથી અર્થવ્યવસ્થાને જ માઠી અસર પડી હતી તેને ઉગારવા માટે 20 લાખ કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની જાહેરાત કરી હતી. રવિવારે મન કી બાતમાં પીએમ મોદીએ લદાખમાં તણાવથી લઈને કોવિડ 19 સુધીનો ઉલ્લેખ કર્યો હતો. આજે સાંજે પોતાના સંબોધનમાં પીએમ મોદી અનેક જાહેરાતો કરી શકે છે.
અનલોક 2.0ની ગાઈડલાઈન સમજાવશે પીએમ
અનલોક 2.0ની ગાઈડલાઈન્સ એક જુલાઈથી લાગુ થઈ રહી છે. ગૃહ મંત્રાલયે પોઈન્ટ વાઈઝ માર્ગદર્શિકા બહાર પાડી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદી કેટલીક ગતિવિધિઓને છૂટ ન આપવાના કારણ જણાવી શકે છે. આ ઉપરાંત કઈ વાતોને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી છે તેનો હેતુ શું છે તે અંગે પણ વાત કરી શકે છે.
કોરોના પર નાગરિકોને આપશે સલાહ
કોરોના વાયરસના દોરમાં પીએમ મોદી જ્યારે જ્યારે દેશવાસીઓ સામે હાજર થયા છે ત્યારે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું મહત્વ સમજાવ્યું છે. દેશમાં જે પ્રકારે કોરોના વાયરસના સંક્રમણના કેસ વધ્યા છે તેને જોતા પીએમ મોદી ફરી એકવાર જનતાને સમજાવી શકે છે કે વેક્સિન ન મળે ત્યાં સુધી કોરોનાથી બચવાના આ જ શ્રેષ્ઠ ઉપાય છે.
ચીની એપ્સ પર બોલશે પીએમ મોદી?
કેન્દ્ર સરકારે 59 ચીની એપ્સને બેન કરવાનો જે નિર્ણય લીધો છે તેના પર પીએમ મોદી બોલી શકે છે. રવિવારે મન કી બાતમાં પીએમ મોદીએ સરહદ પર રહેલા તણાવનો ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે ભારતમાતા પર નજર નાખનારાઓને જવાબ આપી દેવાયો છે. ચીની એપ્સને બેન કર્યા બાદ શું રસ્તો છે પીએમ મોદી પોતાના વિચારો રજૂ કરી શકે છે.
બાળકો માટે ખાસ કરશે વાત!
લોકડાઉનના કારણે ઘરોમાં જ કેદ બાળકો અંગે પીએમ મોદી વાત કરી શકે છે. જુલાઈ એ મહિનો હોય છે જેમાં મોટાભાગે ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ખુલતા ભણવાનું ચાલુ થતું હોય છે. હાલ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આવામાં પીએમ મોદી બાળકોને ઘરેથી જ અભ્યાસ કરવા માટે પ્રેરિત કરી શકે છે. ઓનલાઈન ક્લાસિઝનું મહત્વ સમજાવી શકે છે. આ દિશામાં લેવાયેલા પગલાંની જાણકારી આપી શકે છે.
એર ટ્રાવેલ, રેલવે સેવાઓની બહાલી પર બોલશે પીએમ?
સરકારે ઘરેલુ ઉડાણોને પરમિશન આપેલી છે પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ હજુ પણ વંદે ભારત મિશન હેઠળ જ ઓપરેટ થશે. આ ઉપરાંત ટ્રેનોને પણ બંધ રાખવાના નિર્દેશ છે. પીએમ મોદી પોતાના સંબોધનમાં અનલોક 2.0 દરમિયાન મુસાફરીના મહત્વના સાધનોને સિમિત રાખવા અંગે બોલી શકે છે. તમામ સેવાઓ ક્યાં સુધીમાં ખોલાશે તે અંગેની જાણકારી આપી શકે છે.
ચીન માટે આવી શકે છે સ્પષ્ટ સંદેશ
રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ મોદી ચીન સાથે ચાલુ તણાવ પર વાત કરી શકે છે. તેઓ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ભારત કોઈ પણ ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપશે. આ માટે સેનાને ખુલ્લી છૂટ અપાઈ છે. હાલના હાલાત ઉપર પણ દેશને અપડેટ આપી શકે છે. આ ઉપરાંત સરકારે ચીની પ્રભુત્વને ઓછું કરવા માટે શું શું પગલાં લીધા છે તેની પણ જાણકારી મળી શકે છે.
આત્મનિર્ભર બનવાની શીખામણ આપી શકે છે પીએમ મોદી
ચીન સાથે ચાલુ તણાવને ધ્યાનમાં રાખતા ચીની ઉત્પાદનોના બાયકોટની માગણી વધી રહી છે. પીએમ મોદી પ્રત્યક્ષ રીતે તો વાત નહીં કરે પણ તેઓ સંકેતમાં જનતાને આત્મનિર્ભર થવાની અપીલ કરી શકે છે. આ અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે આપણે બીજા દેશો પર નિર્ભરતા ઓછી કરવી જોઈએ. તેઓ દેશમાં મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવાના પક્ષમાં છે. અને આ દિશામાં કોઈ યોજનાની પણ જાહેરાત કરી શકે છે.
જુઓ LIVE TV
યુવાઓને ખાસ અપીલ કરશે પીએમ
ચીની એપ્સ બંધ થવાથી સૌથી મોટી અસર ભારતીય યુવાઓ પર પડશે જે તેમનો ખુબ ઉપયોગ કરતા હતાં. પીએમ મોદી સીધા આ યુવાને સંબોધન કરીને નિર્ણય પાછળનું કારણ જણાવી શકે છે. આ ઉપરાંત તેઓ યુવા ટેક્નોક્રેટ્સને પણ અપીલ કરી શકે છે કે ભારતીય એપ્સ ડેવલપ કરો જેથી કરીને બીજા દેશોથી જાસૂસીનો ખતરો ન રહે. તેઓ પહેલા પણ યુવાઓને આત્મનિર્ભર બનવાની અપીલ કરી ચૂક્યા છે.
આરોગ્ય સેતુ એપને કરી શકે છે પ્રમોટ
કોરોના દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બનાવવામાં આવેલી એપ આરોગ્ય સેતુના યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી છે. આ એપ યૂઝર્સને કોવિડ 19ના જોખમો અંગે જાણકારી આપે છે. સરકાર માટે આ એપનો ડેટા કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ખુબ કામ આવે છે. હાલ અનેક ભારતીયોના સ્માર્ટફોનમાં આ એપ નથી. આવામાં પીએમ મોદી એકવાર ફરીથી લોકોને આ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે