દુર્ગાપુરમાં બજેટ વિશે બોલ્યા PM મોદી, 'આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે'

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.

દુર્ગાપુરમાં બજેટ વિશે બોલ્યા PM મોદી, 'આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. ત્યારબાદ હવે તેઓ દુર્ગાપુરમાં રેલીને સંબોધન કર્યું. અહીં પણ તેમણે તૃણમૂલ કોંગ્રેસ અને સીએમ મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કોઈ પણ કામ કરાવવા માટે ટ્રિપલ ટી એટલે કે તૃણમૂલ તોલાબાજી ટેક્સ આપવો પડે છે. પીએમએ પોતાના ભાષણમાં બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ બજેટ તો માત્ર ટ્રેલર છે, અસલી પિક્ચર તો ચૂંટણી બાદ સામે આવશે. પીએમએ આ દરમિયાન સરકારની યોજનાઓ દ્વારા લોકોને જે લાભ મળી રહ્યાં છે તેની જાણકારી પણ આપી. 

દીવો બુઝાતા પહેલા જોર લગાવી રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે ધૈર્ય એટલા માટે જરૂરી છે કારણ કે જે રીતેનું વર્તન ટીએમસી ભાજપના કાર્યકર્તાઓ સાથે કરી રહ્યી છે તેનાથી તમને તકલીફ થાય તે સ્વાભાવિક છે. ગઈ કાલે રાતે જે પણ થયું તેની મને જાણકારી છે. અહીં એવા કાર્યકર્તાઓ પણ છે જેમના ચહેરા પર પટ્ટીઓ  લાગી છે. બંગાળના કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું કે તમારું બલિદાન બેકાર જશે નહીં. સમય લાગી શકે છે. દીવો જ્યારે બુઝાતો હોય છે ત્યારે જોર  લગાવે છે. 

— ANI (@ANI) February 2, 2019

દીદીનું જવું નક્કી છે
પીએમ મોદીએ મમતા બેનરજીનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું દિલ્હીમાં વિચારી રહ્યો હતો કે દીદી પોતે સામ્યવાદીઓના શાસનમાં આટલા હેરાન હતાં, એટલે તેઓ તે રસ્તે જશે નહીં. પંરતુ તમારા ઉત્સાહે તેમની ઊંઘ ઉડાવી દીધી. તેમને લાગે છે કે લોકતંત્રનું ગળું દબાવીને સામ્યવાદીઓની જેમ તે વર્તન કરી લેશે. જે સરકારને લોકતંત્રની મર્યાદા ન હોય, જે સરકારના મુલાઝીમો પણ આવો વ્યવહાર કરે તે સરકારનું જવું નક્કી છે. બંગાળ પરિવર્તન કરીને રહેશે. બંગાળની ધરત બહુ દિવસ સુધી આવું વર્તન સહન કરશે નહીં. 

બંગાળ સાથે ભાજપનો જૂનો નાતો
મોદીએ કહ્યું કે અહીંની ધરતીમાં એટલુ સામર્થ્ય છે કે ત્યાં માં માટી માનુષના નામે સરકાર બનાવ્યાં બાદ હવે મમતાને પણ સત્તાથી હટાવીને રહેશે. બંગાળનો ભાજપના વિચારોમાં મહત્વનો ફાળો છે. વિવેકાનંદજીના વિચારો અમારી પાર્ટીમાં છે. ડોક્ટર મુખરજીના વિચારે ભાજપની વિચારધારાને પ્રેરિત કર્યા છે. 

તેમણે કહ્યું કે અમે અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિક્સીત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. કરોડો  રૂપિયાના રેલ્વે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા થશે. 

બજેટ પર બોલ્યા પીએમ
વડાપ્રધાને કહ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષમાં બંગાળના વિકાસ માટે બજેટમાં મોટી વૃદ્ધિ કરાઈ છે. પરંતુ અહીની સરકાર વિકાસને લઈને ગંભીર નથી. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ એવી છે કે 90 હજાર કરોડના પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકતુ નથી. આ  પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારનો સહયોગ મળતો નથી. 

રાજ્ય સરકાર પર હુમલો
પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના સપના કચડી રહી છે. ગઈ કાલે સંસદમાં બજેટ રજુ કરાયું. હું દુર્ગાપુરથી બજેટ માટે અભિનંદન પાઠવું છું. બધાનો સાથ બધાનો વિકાસ શું હોય છે, તે આ બજેટમાં જોવા મળે છે. તેમાં દરેક માટે ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. પાંચ લાખની આવકને ટેક્સમાં છૂટ મળે તે માગણી અમે પૂરી કરી. હું ફરી કહુ છું કે આ તો ફક્ત ટ્રેલર છે, ચૂંટણી બાદ અસલ પિક્ચર સામે આવશે. 

— ANI (@ANI) February 2, 2019

ખેડૂતો માટે સૌથી મોટી યોજના
પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્ર ભારતમાં હજુ સુધી ખેડૂતો માટે આટલી મોટી યોજના નથી બનાવી. પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા આવશે. તેમણે કહ્યું કે અમારી કોશિશ છે કે ખેડૂતોને પહેલો હપ્તો જલદી મળે. આ પૈસાથી અમે કર્જમાફીની જાહેરાત પણ કરી શકતા હતાં જેવી કોંગ્રેસે ડ્રામેબાજી કરી હતી. કોંગ્રેસની યોજનાથી કોઈ પણ ખેડૂતને ફાયદો થયો નથી. અમારી યોજના વનટાઈમ નથી. પરંતુ તેનો ફાયદો થશે. કોંગ્રેસ દર દસ વર્ષમાં કર્જમાફીની યોજના લઈને આવે છે. અમારી યોજનાથી ખેડૂતોને 10 વર્ષમાં 7 લાખ 50 હજાર કરોડ રૂપિયા મલશે. 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 19 જાન્યુઆરીના રોજ વિપક્ષે પોતાની એકજૂથતા બતાવવા માટે મહાગઠબંધનની રેલી કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ યોજેલી આ રેલીમાં 24 પાર્ટીઓના નેતાઓ સામેલ થયા હતાં. આ રેલીમાં સામેલ થવા માટે બિહારથી આરજેડીના નેતા તેજસ્વી યાદવ, ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા, અરવિંદ  કેજરીવાલ અને શરદ યાદવ કોલકાતા પહોંચ્યા હતાં. બધાએ ભેગા મળીને ભાજપ પર પ્રહારો કર્યા હતાં. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news