સંસદમાં ધક્કામુક્કી: જાણો કઈ કલમો હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થઈ FIR, શું છે સજાની જોગવાઈ?
સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કી મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ગુરુવારે એફઆઈઆર દાખલ કરાવી. અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સહિત ભાજપના નેતાઓએ ઘટના બાદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી. જાણો આ એફઆઈઆરમાં કઈ કઈ કલમો લગાવવામાં આવી છે અને તેમાં શું છે સજાની જોગવાઈ.
Trending Photos
સંસદ ભવનના મકર દ્વાર નજીક ગુરુવારે સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો એક બીજાની સામ સામે આવી ગયા હતા અને જોરદાર નારેબાજી જોવા મળી. આ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા. ત્યારબાદ સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કી મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ગુરુવારે એફઆઈઆર દાખલ કરાવી. જાણો આ એફઆઈઆરમાં કઈ કઈ કલમો લગાવવામાં આવી છે અને તેમાં શું છે સજાની જોગવાઈ.
ભાજપે ફરિયાદ નોંધાવી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સહિત ભાજપના નેતાઓએ ઘટના બાદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી અને એનડીએના નેતાઓ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ બાદ ફરિયાદ દાખલ કરી. બી આર આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદના પ્રવેશ દ્વાર પર વિપક્ષ અને એનડીએ સાંસદો વચ્ચે ઘર્ષણ થયું. જેમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા.
વિવિધ કલમો હેથળ તપાસ અને એફઆઈઆરની માંગણી
ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે મામલાની ઊંડી તપાસ અને બીએનએસની કલમ 109 (હત્યાનો પ્રયત્ન), 115 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 117 (સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી), 125 (બીજાના જીવન કે વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં નાખવાનું કૃત્ય), 131 (અપરાધિક બળનો પ્રયોગ), 351 (અપરાધિક ધમકી), અને 3(5) (સામાન્ય ઈરાદો) હેઠળ એફઆઈઆર નોંધવાની માંગણી કરી.
પોલીસે એફઆઈઆરમાંથી કલમ 109 હટાવી
ત્યારબાદ દિલ્હી પોલીસે એફઆઈઆરમાં ભાજપની ફરિયાદમાં આ તમામ કલમો સામેલ કરી જેમાં કલમ 115 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 117, 125, 131 અને 351 સામેલ છે. જો કે અધિકારીઓના જણાવ્યાં મુજબ એફઆઈઆરમાં બીએનએસની કલમ 109 (હત્યાનો પ્રયત્ન) સામેલ નથી.
શું છે આ કલમો હેઠળ સજાની જોગવાઈ?
કલમ 115માં આરોપીને જામીન મળી શકે છે. ઓછામાં ઓછી એક વર્ષની સજા થઈ શકે છે. કલમ 117માં ત્રણ વર્ષની સજા થઈ શકે છે. કલમ 125માં સાત વર્ષની સજા થઈ શકે. કલમ 131ની ખતરનાક કલમ રાહુલ ગાંધી પર લાગી છે. જે બિનજામીનપાત્ર છે. તેમાં આજીવન કારાવાસ છે. દસ વર્ષની કેદ અને દંડ બંને થઈ શકે છે. બીએનએસ કલમ 351માં ચાર પેટા કલમો છે જેમાં અલગ અલગ સજાની જોગવાઈ છે. જ્યારે BNS Section 3 (5) નો અર્થ છે કે એક સમૂહ (ગ્રુપ)માં કરાયેલા અપરાધ બદલ દરેક સભ્યને સમાન રીતે દોષિત ગણવામાં આવશે. પછી ભલે તેણે સીધી રીતે અપરાધ કર્યો હોય કે નહીં. સામૂહિક અપરાધિક કૃત્ય: જો અનેક લોકો મળીને એક અપરાધને અંજામ આપે તો તમામ લોકો તે ગુના માટે દોષિત ગણાશે. રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરશે. ક્રાઈમ બ્રાન્ચ રાહુલ વિરુદ્ધ એફઆઈઆર પર આગળ તપાસ કરશે. તેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
કોંગ્રેસે ભાજપના દાવાને ફગાવ્યો, ફરિયાદ નોંધાવી
રાહુલ ગાંધી પર લાગેલા આરોપોને કોંગ્રેસે ફગાવ્યા છે અને આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને ધક્કો માર્યો અને રાહુલ ગાંધી સાથે શારીરિક રીતે મારપીટ કરી. આ ઉપરાંત કોંગ્રેસે આ મામલે ભાજપ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.
કોંગ્રેસે કહ્યું કે ભાજપ ધ્યાન ભટકાવવામાં લાગ્યું છે
કોંગ્રેસ દ્વારા ફરિયાદ દાખલ કરાયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી એઆઈસીસી હેડક્વાર્ટર પહોંચ્યા અને એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં ભાજપ પર બી આર આંબેડકર વિશે નિંદનીય નિવેદન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બચાવવાનો આરોપ લગાવ્યો અને તેમના રાજીનામાની માંગણી કરી. શાહની ટિપ્પણી (જે તેમણે 17 ડિસેમ્બરે પોતાના રાજ્યસભા સંબોધન દરમિયાન કરી હતી) ની ટીકા કરતા ખડગે અને ગાંધીએ કહ્યું કે તેઓ તેમનો રાષ્ટ્રવ્યાપી વિરોધ ચાલુ રાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે