મધ્યપ્રદેશ ચૂંટણીઃ ભાજપે 32 ઉમેદવારોનું ત્રીજું લીસ્ટ જાહેર કર્યું, વિજયવર્ગીયના પુત્રને મળી ટિકિટ
ભાજપે 9 નવેમ્બરના રોજ નામાંકન પત્ર ભરવાના એક દિવસ પહેલા ત્રીજી યાદી જાહેર કરી છે, આ યાદીમાં કેટલીક બેઠક પર વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે
Trending Photos
ઈન્દોરઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારે ખેંચતાણ બાદ ગુરૂવારે ભાજપે 32 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. ચૂંટણી માટે નામાંકન ભરવાની અંતિમ તારીખ એટલે કે 9 નવેમ્બરના માત્ર એક દિવસ પહેલા આ યાદી બહાર પાડવામાં આવી છે.
ભાજપે મોટો ફેરફાર કરતાં પોતાના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર જિલ્લામાંથી આ વખતે ટિકિટ આપી નથી, પરંતુ તેમના પુત્ર આકાશને રાજકીય મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.
વિજયવર્ગીયના નામે ઈન્દોર જિલ્લાની જુદી-જુદી સીટ પર 1990થી સતત 6 વખત વિધાનસભા ચૂંટણી જીતવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેઓ વર્ષ 2008 અને 2013ની છેલ્લી બે ચૂંટણી દરમિયાન જિલ્લાના ડો. આંબેડકર નગર (મહૂ) વિધાનસભા બેઠક પરથી ચૂંટાય હતા.
મહૂથી ઉષા ઠાકુરને અપાઈ ટિકિટ
ભાજપે મહૂ સીટ કૈલાશ વિજયવર્ગીયના સ્થાને પક્ષના પ્રદેશ એકમના ઉપાધ્યક્ષ ઉષા ઠાકુરને ટિકિટ આપી છે. તેઓ 2013માં ઈન્દોર શહેરના 3 નંબરના વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટાયા હતા. આ વખતે તેમને આ સીટ છોડવી પડી છે, કેમ કે ઈન્દોર-3 નંબરની સીટ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશને આપવામાં આવી છે. આકાશ પોતાના જીવનની પ્રથમ ચૂંટણી લડવાનો છે.
List of BJP candidates for ensuing General Election to the Legislative Assembly 2018 of Madhya Pradesh finalised by BJP CEC on 08 Nov 2018. pic.twitter.com/Q2irpWn7Zn
— BJP (@BJP4India) November 8, 2018
ઉલ્લેખનીય છે કે, વિજયવર્ગીયની પરંપરાગત સીટ ઈન્દોર-2 રહી છે. આ ક્ષેત્રમાં તેમનું પૈતૃક નિવાસસ્થાન પણ આવેલું છે. જોકે, 2008માં તેમને આ સીટ છોડીને મહૂમાંથી ચૂંટણી લડવી પડી હતી, જે એ સમયે કોંગ્રેસનો મજબૂત ગઢ હતો.
ઈન્દોર-2 સીટ પર રમેશ મંદોલાને ટિકિટ
2008માં વિજયવર્ગીયએ જ્યારે ઈન્દોર-2 નંબરની સીટ છોડી તો ભાજપે આ સીટ તેમના જુના મિત્ર રમેશ મંદોલાને આપી રતી. મંદોલા ઈન્દોર-2 સીટ પરથી 2008 અને 2013ની છેલ્લી બે વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપે આ વખતે પણ તેમને આ સીટ આપી છે.
જિલ્લાની રાઉ સીટ પર આ વખતે ભાજપના વરિષ્ઠ નેતા મધુ વર્માને ઉમેદવારીની તક અપાઈ છે. આ સીટ પરથી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીતી પટવારીએ છેલ્લી વિધાનસભા ચૂંટણી જીતી હતી.
2013ની છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈન્દોર જિલ્લાની કુલ 9 સીટમાંથી કોંગ્રેસ માત્ર રાઉ સીટ જીતી શકી હતી, જ્યારે અન્ય 8 સીટ ભાજપે જીતી હતી.
6 સીટ પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ
ભાજપે આ વખતે જિલ્લાની કુલ 6 સીટ પર પોતાના વર્તમાન ધારાસભ્યોને રિપીટ કર્યા છે. જેમાં ઈન્દોર-2થી રમેશ મંદોલા, દેપાલપુરથી મનોજ પટેલ, ઈન્દોર-1થી સુદર્શન ગુપ્તા, ઈન્દોર-4થી માલિની ગૌડ, ઈન્દોર-5થી મહેનદ્ર હાર્ડિયા અને સાંવેરથી રાજેશ સોનકરને રિપીટ કરાયા છે.
ભાજપની તાજેતરની યાદીમાં યુવાન નેતા અજીત પ્રેમચંદ બૌરાસીને પડોશી ઉજ્જૈન જિલ્લાની ઘટ્ટિયા બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. બૌરાસી પૂર્વ લોકસભા સાંસદ પ્રેમચંદ ગુડ્ડુના પુત્ર છે. ગુડ્ડુ પોતાના પુત્ર અજીત સાથે 2 નવેમ્બરના રોજ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
મધ્યપ્રદેશ ચૂંટણી ક્રાર્યક્રમ
- જાહેરનામું: 2/11/2018
- નામાંકન ભરવાની અંતિમ તારીખઃ 9/11/2018
- નામાંકનની તપાસઃ 12/11/2018
- નામાંકન પાછું ખેંચવાની અંતિમ તારીખઃ 14/11/2018
- મતદાન તારીખઃ 28/11/2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે