બંધ પણ નહીં થાય કે, રોકાણ પણ નહીં કરાય, BSNL અને MTNL અંગે મોદી સરકારનો મોટો નિર્ણય

કેબિનેટ બેઠકમાં આ બંને કંપનીઓના વિલયને મંજુરી આપવામાં આવી છે. લાંબા સમયથી નુકસાનમાં ચાલી રહેલી આ બંને સરકારી કંપનીઓ માટે રાહતના સમાચાર છે.

બંધ પણ નહીં થાય કે, રોકાણ પણ નહીં કરાય, BSNL અને MTNL અંગે મોદી સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ મોદી મંત્રીમંડળની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલ અંગે મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટ બેઠકમાં આ બંને કંપનીઓના વિલયને મંજુરી આપવામાં આવી છે. લાંબા સમયથી નુકસાનમાં ચાલી રહેલી આ બંને સરકારી કંપનીઓ માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવતા હતા કે, સરકાર આ બંને કંપનીઓને બંધ કરવા જઈ રહી છે. જોકે, સરકારે એ સમાચારને અફવા જણાવ્યા છે. 

કેબિનેટના નિર્ણયોની જાહેરાત કરતા ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ભૂતકાળમાં બીએસએનએલ સાથે અન્યાય થયો છે. હવે સરકાર બીએસએનએલ અને એમટીએનએલના વિલયની યોજના પર કામ કરી રહી છે. બીએસએનએલ માટે આકર્ષક વીઆરએસ પેકેજ લાવવામાં આવશે. તેની સાથે જ 4જી સ્પેક્ટ્રમ માટે લગભગ રૂ.4000 કરોડનું બજેટીય જોગવાઈ કરવામાં આવશે. 

— ANI (@ANI) October 23, 2019

તેમણે કહ્યું કે, આગામી 4 વર્ષમાં રૂ.38,000 કરોડ મોનેટાઈઝ કરવામાં આવશે અને સરકાર રૂ.15000 કરોડના બોન્ડ પણ બહાર પાડશે. નુકસાનમાં ચાલી રહેલી બીએસએનએલ કંપનીએ 4જી સ્પેક્ટ્રમ માટે સરકારને 2015માં અરજી કરી હતી અને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિની યોજના પેકેજ અંગે મંજુરી માગી હતી, જે 2009થી પડતર હતી. 

બીએસએનએલ અને એમટીએનએલ નુકસાનમાં ચાલવાના કારણે કર્મચારીઓની મુશ્કેલીઓ સતત વધતી રહી છે, કેમ કે તેમને સમયસર પગાર મળતો નથી. બીએસએનએલને માસિક પગાર તરીકે રૂ.850 કરોડ ચૂકવવાના હોય છે. અત્યારે બીએસએનએલમાં 1.80 લાખ કર્મચારી છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા નાણાકિય વર્ષ 2017-18માં બીએસએનએલે રૂ.7,992 કરોડનું નુકસાન કર્યું હતું અને 2016-17માં કંપનીનું નુકસાન રૂ.4,786 કરોડ હતું. આ રીતે, કંપનીને માત્ર એક વર્ષમાં જ રૂ.3,206 કરોડનું નુકસાન થયું છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news