Karnataka Election 2023: કોણ બનશે કર્ણાટકનો કિંગ? ભાજપ-કોંગ્રેસનો આક્રમક પ્રચાર, ગાળો, ગેરન્ટી અને અનામતના મુદ્દે વાર-પલટવાર

Karnataka Election 2023:  કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે નવ દિવસ બાકી છે. પ્રચારનો જંગ અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે, રોડ શો કરી રહ્યા છે..

Karnataka Election 2023: કોણ બનશે કર્ણાટકનો કિંગ? ભાજપ-કોંગ્રેસનો આક્રમક પ્રચાર, ગાળો, ગેરન્ટી અને અનામતના મુદ્દે વાર-પલટવાર

બેંગલુરૂઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો જંગ જામ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીએ સતત બીજા દિવસે અહીં સભાઓ ગજવી અને રોડ શો કર્યો. તો સામે કોંગ્રેસે પણ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. પ્રધાનમંત્રીએ કોંગ્રસ અને જેડીએસને આડે હાથ લીધી, તો કોંગ્રેસે પોતાની ગેરન્ટીઓ ગણાવી.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે નવ દિવસ બાકી છે. પ્રચારનો જંગ અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે, રોડ શો કરી રહ્યા છે..

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા દિવસે કર્ણાટકમાં પ્રચાર કર્યો. રોડ શો યોજ્યો. ચૂંટણી સભામાં મતદારોને રિઝવવા તેમણે કોંગ્રેસ પર અનામતથી લઈને ભ્રષ્ટાચાર અને પોતાને ગાળો ભાંડવાના મુદ્દે પ્રહાર કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે મન કી બાતના એપિસોડની સદી પૂરી કરી છે, જ્યારે કોંગ્રેસ તેમને ગાળો આપવાની સદી પૂરી કરવા તરફ વધી રહી છે. તો સામે પ્રિયંકા ગાંધીએ આ જ મુદ્દે પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું.

પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર તુષ્ટીકરણનું રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો છે. તો સામે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્ણાટકના પછાત સમુદાયને અનામત ન આપવાનો આક્ષેપ કર્યો. 

પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અને જેડીએસ પર ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક રૂપિયામાંથી 85 પૈસાની લૂંટ કરે છે. જેમાં જેડીએસ પણ ભાગીદાર બને છે. 

પ્રિયંકા ગાંધીએ કર્ણાટકની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો આક્ષેપ કર્યો. તેમણે ભાજપ પર કર્ણાટકમાં અમૂલની એન્ટ્રી કરાવીને સ્થાનિક બ્રાન્ડ નંદિનીને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો.

કર્ણાટકમાં મતદાન પહેલા કેટલા સર્વે અને પોલના આંકડા સામે આવી રહ્યા છે, જેમાં ભાજપને ઝટકો લાગે તેવી સ્થિતિ હોવાનું જણાવાય છે. સર્વેનું માનીએ તો કર્ણાટકમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. કોંગ્રેસ બહુમતને સ્પર્શી શકે છે. જ્યારે સર્વેનું માનીએ તો ભાજપ બીજા અને જેડીએસ ત્રીજા ક્રમે રહેશે. સર્વે અને પરિણામો વચ્ચે મેળ ખાય છે કે કેમ તે બે સપ્તાહમાં જ સામે આવી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news