International Yoga Day: શુક્રવારે દેશભરમાં ઉજવાશે યોગ દિવસ, પીએમ મોદી આપશે રાંચીમાં હાજરી

21 જુનનો દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારતના પ્રયાસો થકી જ વિશ્વમાં યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આજના દિવસે સમગ્ર દેશમાં સરકારી આયોજનોથી માંટીને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, પોલીસ, ભારતીય સેનાની ત્રણેય પાંખ સહિત સમગ્ર દેશ યોગમય બની જાય છે. 
 

International Yoga Day: શુક્રવારે દેશભરમાં ઉજવાશે યોગ દિવસ, પીએમ મોદી આપશે રાંચીમાં હાજરી

નવી દિલ્હીઃ 21 જુનનો દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારતના પ્રયાસો થકી જ વિશ્વમાં યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આજના દિવસે સમગ્ર દેશમાં સરકારી આયોજનોથી માંટીને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, પોલીસ, ભારતીય સેનાની ત્રણેય પાંખ સહિત સમગ્ર દેશ યોગમય બની જાય છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી માંડીને મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ આયોજનનો ભાગ બનતી હોય છે. દેશના ઐતિહાસિક સ્થળોએ પણ સામુહિક યોગનું વિશેષ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાંચીમાં તો ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના રોહતકમાં યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તમામ કેન્દ્રીય મંત્રીઓ પણ વિવિધ સ્થળે આયોજિત યોગ કાર્યક્રમોમાં ભાગ લેશે. 

આ વર્ષની યોગની થીમ પર્યાવરણને ધ્યાનમાં રાખીને 'ક્લાઈમેટ એક્શન' રાખવામાં આવી છે. ભારતમાં યોગ દિવસ 'યોગા ફોર હાર્ટ'ના સ્લોગન સાથે ઉજવવામાં આવનારો છે. 

સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ભારત સરકારના 'આયુષ' મંત્રાલય દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, દેશભરમાં હજારો સ્થળે લાખોની સંખ્યામાં લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. યોગને લોકો ફેશનનું સ્વરૂપ ન આપી દે તેના માટે કેટલાક યોગ ગુરૂ દ્વારા 'કોમન યોગા પ્રોટોકોલ' તૈયાર કરવામાં આવ્યો છે. આયુષ મંત્રાલયની વેબસાઈટ પર કોમન યોગા પ્રોટોકોલ અંગેની ફ્રી ઈ-બૂક અને ફ્રી વીડિયો મુકવામાં આવ્યા છે. આ સાથે જ મંત્રાલય દ્વારા વિવિધ સંસ્થાઓને પણ આ સાહિત્ય આપવામાં આવી રહ્યું છે. 

કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારો અને તેમના વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્પોરેટ ગૃહો, ઔદ્યોગિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓથી માંડીને નાગરિક મંડળો દ્વારા વિવિધ સ્થળોએ સામુહિક યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક લોકો સામુહિક યોગ દ્વારા વિવિધ રેકોર્ડ પણ સર્જતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે યોગના કાર્યક્રમો સંબંધિત એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. 

International Yoga Day to be celebrated on Friday, PM Modi to attend event in Ranchi

પીએમ મોદી રાંચીમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્રમાં પ્રયાસો થકી જ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. વર્ષ 2015થી વડાપ્રધાન મોદી યોગ દિવસ નિમિત્તે દર વર્ષે જુદા-જુદા શહેરોમાં હાજરી આપે છે. આ વર્ષે વડાપ્રધાન મોદી ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 40,000થી વધુ લોકો હાજરી આપે તેવી સંભાવના છે. પીએમ મોદી આ અગાઉ આંતરરાષ્ટ્રી યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગના કાર્યક્રમોમાં રાજધાની દિલ્હી, દહેરાદૂન, ચંડીગઢ અને લખનઉમાં ભાગ લઈ ચૂક્યા છે. 

વડાપ્રધાનની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમને કવર કરવા માટે 100 સીસીટીવી ફીટ કરાયા છે અને જીવંત પ્રસારણ માટે 28 વિશાળ ડિસ્પ્લે સ્ક્રીન મુકવામાં આવ્યા છે. વડાપ્રધાનની સાથે સાથે ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસ, ગવર્નર દ્રોપદી મુરમુ, આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રીપદ યેસ્સો નાઈક અને ઝારખંડના આરોગ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

— Ministry of AYUSH (@moayush) June 18, 2019

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત 
21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા. તેમની સાથે જ જુદા-જુદા 84 દેશના પ્રતિનિધિ સહિત કુલ મળીને 35,985 લોકોએ 32 મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. 

21 જુન, 2015ના રોજ સમગ્ર વિશ્વમાં અંદાજે 200 મિલિયન લોકોએ જુદા-જુદા સ્થળોએ યોગાસનો કર્યો હતા. અમેરિકામાં જ 20 મિલિયન લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સાથે જ સમગ્ર વિસ્વના લોકોમાં યોગ પ્રત્યે એક નવો ઉત્સાહ જાગ્યો હતો અને તેઓ યોગાસનની મદદથી શરીરને તંદુરસ્ત રાખવા આગળ આવ્યા હતા. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news