ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત અને અનરાધાર પેટર્ન શું સૂચવે છે?

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત અને અનરાધાર પેટર્ન શું સૂચવે છે?

ઉત્તર ભારતના મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવે 3નો એક હિસ્સો પાણીમાં ધોવાઈ ગયો છે. જ્યારે દિલ્હીમાં રેકોર્ડ વરસાદે હાલત બગાડી નાખ્યા છે અને પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. બગડતી સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ પાસેથી ફોન પર જાણકારી લીધી છે. આ સાથે જ દરેક શક્ય મદદનો ભરોસો આપ્યો છે. આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાત માટે શું આગાહી કરી છે તે પણ ખાસ જાણો. 

દિલ્હી પર પૂરનું જોખમ
દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં બે દિવસથી પડી રહેલા વરસાદ બાદ યમુના નદીનું જળસ્તર વધવા લાગ્યું છે. દિલ્હીમાં રેકોર્ડ વરસાદે સ્થિતિ બગાડી છે અને દિલ્હીમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. મંગળવારે તે ખતરાના નિશાનથી ઉપર વહી શકે છે. જ્યારે હરિયાણાના હાથિણી બેરેજથી પાણી છોડાયા બાદ દિલ્હી સરકારે પણ પૂરની ચેતવણી આપી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 9, 2023

દિલ્હીમાં વરસાદનું યલ્લો એલર્ટ
હવામાન ખાતાએ દિલ્હીમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. 1982 બાદ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં સનિવારે ફક્ત 12 કલાકમાં 126 મિમી અને 24 કલાકમાં 150 મિમીથી વધુ વરસાદ પડ્યો. આઅગાઉ 1982માં 169.9 મિમી વરસાદ પડ્યો હતો. સતત વરસાદના પગલે દિલ્હી, ગુરુગ્રામ, અને ફરીદાબાદમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. 

આજે આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી
હવામાન ખાતાએ આજે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આંદમાન નિકોબાર ટાપુઓ, મેઘાલય, સિકિક્મ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, કર્ણાટક, કેરળ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે. 

ગુજરાત માટે અંબાલાલ પટેલની આગાહી
 ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદની અનિયમિત અને અનરાધાર પેટર્ન શું સૂચવે છે? શું હજુ પણ ગુજરાતમાં વધારે વરસાદ પડવાનો છે. આ અંગે ઝી 24 કલાકે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સાથે વાત કરી હતી. તેમનું શું કહેવું છે તે પણ જાણો. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતનું ચોમાસું વિશિષ્ટ પ્રકારનું ચોમાસું છે. આવતા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડશે. 

અંબાલાલે પટેલે કહ્યું કે, બનાસકાંઠામાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા સહીત મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણાના કડી, બેચરાજી, સમી હારીજ, ઊંઝા, વડનગર, વિસનગરમાં હળવા, ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આવામાં બનાસકાંઠામાં 5 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાઓ તથા અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.  

અંબાલાલ પટેલે જણાવ્યું કે, પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થશે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે, જેમાં ખૂબ વરસાદ થશે. વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ 15 જુલાઈ બાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે. 

ચોમાસાની આ પેટર્ન વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, બંગાળ ઉપસાગરમાં 20 જુલાઈએ બનતી સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે દેશ સહિત રાજ્યમાં ભારે વરસાદ લાવશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે. ઓગસ્ટમાં પણ લો પ્રેશર બનવાને કારણે રાજ્યભરમાં વરસાદ રહેશે. જે સિસ્ટમ પાકિસ્તાન અને રાજસ્થાન તરફ બનતી હતી, તે સિસ્ટમ હાલ ગુજરાતના ભાગમાં બની રહ્યા છે, જેના કારણે સતત વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં 10 જુલાઈ સુધી ધોધમાર વરસાદ રહેશે. 

આજે ક્યાં ક્યાં આગાહી 
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ માહિતી આપી કે, આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ખાસ કીરને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે 10 મી તારીખે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ તૂટી પડશે. પરંતું 11 મી પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. બાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 

સોમવાર
બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી કચ્છમાં અતિભારે વરસાદ આવશે. તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, ભરૂચ, સુરત, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી.

મંગળવાર
આણંદ, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.

બુધવાર
ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news