ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, રાજ્યના ચમોલી, અલમોડા જિલ્લામાં પૂર, તંત્રએ એલર્ટ જાહેર કર્યું

વાદળ ફાટવાના કારણે અનેક વિસ્તારોમાં અફરા-તફરી મચી ગઈ હતી, પૂરના ધસમસતા પાણીથી બચવા લોકોએ દોડીને જીવ બચાવ્યો હતો
 

ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, રાજ્યના ચમોલી, અલમોડા જિલ્લામાં પૂર, તંત્રએ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હીઃ દેશમાં એક તરફ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે અને સમગ્ર ઉત્તર ભારત ભીષણ ગરમીની ઝપટમાં છે. અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પણ પાર કરી ગયું છે ત્યારે ઉત્તરાખંડના અલમોડામાં કંઈક જુદું જ દૃશ્ય જોવા મળી રહ્યું છે. રાજ્યના અલમોડાના ચેખુટિયા વિસ્તારના ખીડા પાસે રવિવારે મોડી સાંજે વાદળ ફાટી જવાને કારણે મોટા પાયે જાન-માલનું નુકસાન થયું છે. 

દ્વારાહાટ વિધાનસભાના ખીડા વિસ્તારમાં અચાનક વરસાદ શરૂ થયા પછી વાદળ ફાટ્યું હતું, જેમાં એક વ્યક્તિ લાપતા છે. 8થી વધુ મકાનોમાં કીચડ અને પાણી ઘુસી ગયું છે. એક મકાન સંપૂર્ણપણે તુટી ગયું છે, જ્યારે 4 મકાનને આંશિક નુકસાન પહોંચ્યું છે. 

વાદળ ફાટતાં મચી અફરા-તફરી
વાદળ ફાટ્યા પછી ખીડા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. વિસ્તારની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પાણીની સાથે કીચડ પણ ધસી આવતાં લોકોને પોતો જીવ બચાવવા સલામત સ્થળે ખસી જવું પડ્યું હતું. પરિસ્થિતિને જોતાં સરકારે ઘટનાસ્થળે NDRFની ટીમ મોકલી છે અને રાહત-બચાવ અભિયાન હાથ ધરાયું છે. 

— ANI (@ANI) June 3, 2019

આ વિસ્તારની રામગંગા નદીમાં અત્યારે ધસમસતા પાણી વહી રહ્યાં છે, જેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. જો આ જ રીતે પાણી વહેતું રહ્યું તો આગામી સમયમાં જમીન ધસી પડવાની પણ સંભાવના છે. 

સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી
દેશનું કોઈ રાજ્ય બાકી નથી જ્યાં ગરમીનો પ્રકોપ જોવા મળતો ન હોય. મોટાભાગના રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનના ચુરૂમાં તો ગરમીએ 50 ડીગ્રીનો આંકડો વટાવી દીધો છે, એટલે કે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી 45 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ રાહત મળવાની સંભાવના નથી. હવામાન ખાતાએ જણાવ્યું કે, લોકોએ જરૂર ન હોય તો બપોરના સમયે ઘરની બહાર નિકળવું નહીં. દેશના અનેક શહેરોમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news