Health : જાણકારીને અભાવે દેશમાં વધી રહ્યા છે AIDSના કેસ - વિશેષજ્ઞ

સમગ્ર દેશમાં અત્યારે લગભગ 12 લાખ AIDSના દર્દીઓ ઈલાજ કરાવી રહ્યા છે, જ્યારે 13 લાખ લોકો હજુ પણ AIDSના ઈલાજથી જોજનો દૂર છે 

Health : જાણકારીને અભાવે દેશમાં વધી રહ્યા છે AIDSના કેસ - વિશેષજ્ઞ

નવી દિલ્હીઃ ભારતમાં AIDS આજે પણ ખતરનાક બિમારી તરીકે ફેલાઈ રહી છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા અસંખ્ય કાર્યક્રમ, એનજીઓ દ્વારા HIV/AIDS અંગે જાગૃતિ લાવવા માટે ચલાવાયેલી કાર્યક્રમો બાદ પણ હજુ લોકોમાં AIDS અંગે જોઈએ એવી જાગૃતિ આવી નથી. સાથે જ HIV પીડિત દર્દીઓને યોગ્ય ઈલાજ મળવામાં અંતર રહી જાય છે. તેનું મુખ્ય કારણે તેની સાથે જોડાયેલા સામાજિક કલંક અને જાણકારીનો અભાવ છે. એઈડ્સના વિશેષજ્ઞોએ જણાવ્યું કે, સરકાર ઉપરાંત HIV પીડિત વ્યક્તિની પણ એ જવાબદારી બને છે કે તે આગળ આવે અને પોતાની તકલીફ જણાવે. 

અધિકારીએ જણાવ્યું કે, આવું ત્યારે જ શક્ય બનશે, જ્યારે AIDS સાથે જોડાયેલા સામાજિક કલંકની માન્યતા દૂર થશે. ઈન્ડિયા HIV/AIDS એલાયન્સ સાથે જોડાયેલી HIV કાર્યકર્તા મોના બલાનીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષમાં આ અંગે જાગૃતિમાં વધારો થયો છે, પરંતુ હજુ પણ એવા અસંખ્ય HIV પીડીત છે, જે યોગ્ય તબીબી સહાય અને સારસંભાળથી વંચિત છે. 

મોનાએ જણાવ્યું કે, 'સમગ્ર દેશમાં લગભગ 25 લાખ લોકો AIDSથી પ્રભાવિત છે, પરંતુ માત્ર 12 લાખ લોકોને જ ઈલાજ મળી રહ્યો છે. બાકીના 13 લાખ લોકો સુધી પહોંચી શકાયું નથી અને તેમને એ જણાવવું જરૂરી છે કે આ રોગનો ઈલાજ કેટલો જરૂરી છે.'

સમાચાર એજન્સી પીટીઆઈએ તેણે જણાવ્યું કે, "આપણો પ્રથમ પ્રયાસ એ હોવો જોઈએ કે આપણે લોકોને આગળ લાવવા માટે સક્ષમ બનાવીએ. આ જ કારણ છે કે, હું આજે આ મુદ્દા પર બોલી શકું છું. મારા ઘણા પ્રયાસ કરવા પડ્યા છે અને મને મારી કહાની જણાવવા માટે તાલીમ અને એક મંચ અપાયો છે, પરંતુ હજારો એવા છે જેમના અંદર આ સાહસ નથી."

દિલ્હી ખાતેની એનજીઓ 'નેશનલ કોએલિશન ઓફ પીપલ્સ લિવિંગ વિથ HIV ઇન ઈન્ડિયા'ની સાથે કામ કરતા HIV કાર્યકર્તા ફિરોજ ખાને જણાવ્યું કે, સરકાર નાગરિક સમાજની જે મદદ કરી રહી છે તે પ્રશંસનિય છે, પરંતુ જ્યાં સુધી કોઈ HIV પીડીત બોલશે નહીં ત્યાં સુધી આ પ્રયાસ 'અધુરો' જ ગણાશે. ફિરોજને 17 વર્ષની ઉંમરે ખબર પડી હતી કે તેને HIV છે. ત્યાર બાદથી તે HIV/AIDS અંગે જાગૃતિ ચલાવતા એનજીઓ સાથે કામ કરી રહ્યો છે. આ સાથે જ તે કાયદાનો અભ્યાસ પણ કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news