પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર
30 હાઈટેક કેમેરા હજારોની ભીડમાં આંખના પલકારામાં જ ઓળખી લેશે આતંકી અને અપરાધીને, કેમેરાના આ કન્ટ્રોલ રૂમ પર સ્પેશિયલ સેલ અને આઈબીની રહેશે નજર
Trending Photos
પ્રમોદ શર્મા/ દિલ્હીઃ ગણતંત્ર દિવસને અનુલક્ષીને આ વખતે આંતકવાદનો સામનો કરવા માટે પોલીસે નવી ટેક્નોલોજીની મદદ લીધી છે. પોલીસે પોતાના બેડામાં 30 એવી આંખો સામેલ કરી છે જે હજારોની ભીડમાં છુપાયેલા આતંકવાદી અને અપરાધીઓને શોધી કાઢશે. આ 30 આંખો બીજું કંઈ નહીં પરંતુ વિશેષ પ્રકારના કેમેરા છે, જેના અંદર એક સોફ્ટવેરની મદધથી આંતકવાદીઓ અને અપરાધીઓની તસવીરોનો ડાટા ફીડ કરવામાં આવ્યો છે. આ 30 કેમેરાને ગણતંત્ર દિવસ પરેડને જોવા આવતા લોકોના પ્રવેશ માટેના 30 ગેટ પર ફીટ કરાયા છે.
આ કેમેરાની નજરમાં પરેડ જોવા આવનારો દરેક વ્યક્તિ આવી જશે. જે કોઈ આ ગેટમાંથી પસાર થશે તેનો ચહેરો ડાટામાં મુકવામાં આવેલા ફોટા સાથે જો 70 ટકા મળતો આવશે તો નજીકમાં રહેલા કન્ટ્રોલ રૂમમાં એલાર્મ વાગવા લાગશે. સુરક્ષા કર્મચારીઓ તરતત જ એ વ્યક્તિને પકડી લેશે. કન્ટ્રોલ રૂમનું મોનિટરિંગ પણ કોઈ સામાન્ય પોલિસ નહીં કરે, પરંતુ સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ અને ઈન્ટેલિજન્સ બ્યૂરોના લોકો કરશે. આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ દિલ્હી પોલીસ પ્રથમ વખત કરી રહી છે.
નવી દિલ્હી ડિસ્ટ્રિક્ટના ડીસીપી મધુર વર્માએ ઝી ન્યૂઝને જણાવ્યું કે, "દિલ્હી પોલીસ પ્રથમ વખત ફેસિયલ રિકગ્નિશન કેમેરાનો ઉપયોગ કરી રહી છે. કુલ 30 કેમેરા ફીટ કરવામાં આવશે. તેના અંદર એક સોફ્ટવેર ફીડ કરેલું હશે, જેના અંદર આતંકવાદી, હાર્ડકોર ક્રિમિનલનો ફોટો હશે. જે દરેક આવનારી વ્યક્તિના ચહેરા સાથે મિલાવશે. જો કોઈ એવો વ્યક્તિ કેમેરાની નજરમાં આવે છે જેનો ચહેરો 70 ટકા કરતાં વધુ ફીડ કરવામાં આવેલા ફોટા સાથે મળે છે તો કન્ટ્રોલ રૂમમાં એક એલાર્મ વાગી જશે. ત્યાર બાદ પોલિસ તેને પકડી લેશે."
પોલિસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સોફ્ટવેરની ટ્રાયલ ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. સાથે જ દિલ્હી એરપોર્ટ પર પણ તેનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. હવે પ્રથમ વખત તેનો ઉપયોગ પ્રજાસત્તાક દિવસની પરેડમાં કરવામાં આવી રહ્યો છે.
સાથે જ પરેડની સુરક્ષા નિયમ પ્રમાણે કડક રાખવામાં આવી છે. પરેડની સુરક્ષાને 5 લેયરમાં વહેંચવામાં આવી છે અને આ લેયર્સમાં ગુપ્તચર વિભાગથી માંડીને NSG, SPG, પેરામિલેટરી ફોર્સ અને દિલ્હી પોલિસના જવાન પણ સુરક્ષામાં તૈનાત રહેશે.
પરેડના રૂટ પર લગભગ 250 સીસીટીવી કેમેરા પણ ફીટ કરવામાં આવ્યા છે. જેની મદદથી પરેડના સમગ્ર વિસ્તાર પર પોલિસની બાજ નજર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે