લાંબી પૂછપરછ બાદ પણ રાહુલ ગાંધીને રાહત નહીં, ઈડીએ ફરી બોલાવ્યા

ચોથા દિવસની પૂછપરછ બાદ પણ રાહુલ ગાંધીને રાહત મળી નથી. ઈડીએ મંગળવારે પૂછપરછ માટે ફરી કાર્યાલય બોલાવ્યા છે. આજે સવારે કોંગ્રેસ નેતા 11.30 કલાકે ઈડી કાર્યાલય પહોંચ્યા હતા. 

લાંબી પૂછપરછ બાદ પણ રાહુલ ગાંધીને રાહત નહીં, ઈડીએ ફરી બોલાવ્યા

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં પાછલા સપ્તાહે સતત ત્રણ દિવસની પૂછપરછ બાદ સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઈડીએ ફરી પૂછપરછ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે મંગળવારે ફરી તેમને પૂછપરછમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું છે. 

રાહુલ ગાંધી સીઆરપીએફ જવાનોની ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષાની સાથે સવારે 11 કલાક આસપાસ દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઈડી ઓફિસ પહોંચ્યા હતા. એક દિવસ પહેલા રાહુલ ગાંધીનો 52મો જન્મદિવસ હતો. તો સોનિયા ગાંધીને પણ આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

કેન્દ્રીય તપાસ એજન્સીના કાર્યાલય આસપાસ પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે અને કલમ 144 લાગૂ છે. રાહુલ ગાંધી બપોરે 3.30 મિનિટ પર લંચ માટે ઈડી ઓફિસમાંથી બહાર આવ્યા અને લગભગ એક કલાક બાદ ફરી કાર્યાલય પહોંચ્યા હતા. 

પાછલા સપ્તાહે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ સુધી ઈડીના અધિકારીઓએ 52 વર્ષીય રાહુલ ગાંધીની 30 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, જે દરમિયાન મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. 

માતા સોનિયા ગાંધીની તબીયત ખરાબ હોવાને કારણે મળી હતી છૂટ
તેને પાછલા શુક્રવારે ફરી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે પોતાના માતા સોનિયા ગાંધી બીમાર હોવાને કારણે ઈડીના તપાસ અધિકારીને પત્ર લખી તેને શુક્રવાર માટે પૂછપરછમાંથી છૂટ આપવાની વિનંતી કરી હતી. ઈડીએ તેમની વિનંતીનો સ્વીકાર કરી 20 જૂને રજૂ થવા માટે કહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news