164 રનમાં અડધી ભારતીય ટીમ પેવેલિયન ભેગી થઈ, બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં
ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસનો ખેલ આજે પૂરો થઈ ગયો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો બીજો દિવસ આમ તો રોમાંચક રહ્યો. ભારતે શરૂઆતમાં સારી ફાઈટ આપી પરંતુ પછી લથડિયા ખાવા લાગ્યું.
Trending Photos
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ રમાઈ રહી છે. જેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસનો ખેલ આજે પૂરો થઈ ગયો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો બીજો દિવસ આમ તો રોમાંચક રહ્યો. ભારતે શરૂઆતમાં સારી ફાઈટ આપી પરંતુ પછી લથડિયા ખાવા લાગ્યું. ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથે ટેસ્ટ કરિયરની 34મી સદી ફટકારી. ઓસ્ટ્રેલિયાએ 474 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો. જ્યારે રોહિત શર્મા પહેલીવાર આ પ્રવાસમાં ઓપનર તરીકે ઉતર્યા પરંતુ નિષ્ફળતા મળી. તેઓ અત્યાર સુધી નંબર 6 પર રમતા હતા અને ત્યાં પણ રન કરી શક્યા નહીં. યશસ્વી જયસ્વાલે દમદાર અડધી સદી પૂરી કરી પરંતુ તે રન આઉટ થઈ ગયો. વિરાટ કોહલી રિધમ મેળવતો જોવા મળ્યો પરંતુ યશસ્વી આઉટ થતા ફોક્સ તૂટ્યું અને પછી તે પણ પેવેલિયન ભેગો થયો.
ફોલોઓનનો સંકટ
ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 5 વિકેટ ગુમાવીને 164 રન કર્યા છે. અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે અને ભારત હજુ પણ પહેલી ઈનિંગના આધારે 310 રન પાછળ છે. જ્યારે ફોલોઓનથી બચવા માટે ભારતે હજુ 111 રન કરવા પડશે.
ઓસ્ટ્રેલિયાએ વિશાળ સ્કોર કર્યો
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ આજે 6 વિકેટે 311 રનના સ્કોરને આગળ વધારતા બીજા 140 રન જોડ્યા. ઓલઆઉટ થતા પહેલા સ્કોરબોર્ડ પર 474 રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો. જેમાં સ્ટીવ સ્મિથે 140 રન, સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેનની અડધી સદીઓ પણ સામેલ છે. કેપ્ટન પેટ કમિન્સે 49 રન કર્યા. જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી.
ભારતની ખરાબ શરૂઆત
ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા માટે ઉતરી તો રોહિત શર્મા ઓપનર તરીકે જોવા મળ્યા. જો કે માત્ર 3 રન કરીને આઉટ થઈ ગયા. ત્યારબાદ કેએલ રાહુલ અને ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે આવ્યા. બંને વચ્ચે સારી ભાગીદારી જોવા મળી. પરંતુ ટી બ્રેક પહેલા જ છેલ્લા બોલ પર રાહુલ ક્લિન બોલ્ડ થયો. ત્યારબાદ ત્રીજા સેશનમાં વિરાટ કોહલી ક્રીઝ પર યશસ્વીનો સાથ આપવા માટે આવ્યો. બંને વચ્ચે 100 રનની ભાગીદારી થઈ. પરંતુ યશસ્વી 82 રન કરીને રનઆઉટ થયો. વિરાટ કોહલી પણ 36 રન કરીને કેચ આઉટ થયો. આકાશ દીપ સ્વરૂપે ભારતે દિવસની અંતિમ વિકેટ ગુમાવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે