દેશના અન્નદાતાની વાર્ષિક આવક કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ફ્રેશર કરતાં પણ ઓછી!

દેશના અબજપતિઓથી લઈ ગરીબ-મધ્યમ વર્ગ સુધી, બધાનું પેટ ભરનારા ખેડૂત પોતે પોતાનું પેટ મુશ્કેલીથી ભરતા હોય છે. ખેડૂતોની પાસે બચતના નામે ઠન-ઠન ગોપાલ છે. આથી અવારનવાર તેમને સારવાર કે બિયારણ-અનાજ જેવા ઈનપુટ માટે દેવું કરવું પડે છે.

દેશના અન્નદાતાની વાર્ષિક આવક કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ફ્રેશર કરતાં પણ ઓછી!
  • સરકાર ખેડૂતોની આવક 2022માં બમણી કરવા માગે છે
  • ભારતીય ખેડૂતોની સરેરાશ વાર્ષિક આવક 6427 રૂપિયા છે
  • 2019માં 43,000 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી

જયેશ જોશી, અમદાવાદ: દેશમાં જ્યારે ખેડૂતોનું આંદોલન તેની ચરમસીમા પર છે. અનેક પ્રકારની માગણીઓને લઈને કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો રસ્તા ઉપર બેઠેલા છે. સરકારે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.  ત્યારે એ જાણી લેવું રસપ્રદ છે કે ખેડૂતોની કમાણી હકીકતમાં કેટલી હોય છે. દેશના અબજપતિઓથી લઈ ગરીબ-મધ્યમ વર્ગ સુધી બધાની ભૂખ મટાડનારા ખેડૂતોનું પોતાનું પેટ મુશ્કેલીથી ભરાય છે. એક સર્વે પ્રમાણે ભારતીય ખેડૂતોની સરેરાશ વાર્ષિક કમાણી 77 હજાર 124 રૂપિયા છે. એટલે એક મહિને માત્ર 6427 રૂપિયા છે. એટલે ખેડૂતની પાસે બચતના નામે માત્ર ઠન-ઠન ગોપાલ છે. આથી અવારનવા તેમને સારવાર, બિયારણ-અનાજ જેવા ઈનપુટ માટે લોન કે દેવું કરવું પડે છે. અને દેશમાં મોટી સંખ્યામાં દર વર્ષે અનેક ખેડૂતો દેવું ન ભરી શકતાં આત્મહત્યા કરી લે છે.

2019માં કેટલાં ખેડૂતોએ આત્મહત્યા કરી:
NCRBના આંકડા પ્રમાણે 2019માં લગભગ 43,000 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી. આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન 32,563 દહાડી મજૂરો (રોજ પર કામ કરતા મજૂરો) એ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું. કુલ કેસમાં આ આંકડાની ટકાવારી લગભગ 23.4 ટકા રહી. જ્યારે 2018માં આ આંકડો 30,132 હતો. NCRBએ જણાવ્યું કે 2019માં ખેતી સાથે જોડાયેલા 10,281 લોકોમાં 5957 ખેડૂત અને 4324 ખેતીમજૂરોએ આત્મહત્યા કરી. આ આંકડા એટલા માટે સમજવા જરૂરી છે. કેમ કે દર વર્ષે ભારતમાં હજારો ખેડૂતો વ્યાજ ન ભરી શકતા, પઠાણી ઉઘરાણી કરતાં માનસિક ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર બને છે.

કોર્પોરેટમાં કામ કરનારા ફ્રેશર કરતાં પણ ઓછી આવક:
ખેડૂતોની કમાણીની સરેરાશ જોઈએ તો આ મામલામાં પંજાબ સૌથી વધારે આગળ અને બિહાર સૌથી પાછળ છે. સૌથી વધારે સરેરાશ કમાણી પંજાબના ખેડૂતોની વાર્ષિક 2,16,708 રૂપિયા છે. પરંતુ સૌથી વધારે કમાણી કરનારા પંજાબના ખેડૂતોની સરેરાશ જોઈએ તો કોઈ સારી કોર્પોરેટ કંપનીમાં કામ કરનારા કોઈ ફ્રેશર યુવાની આવક કરતાં પણ ઓછી છે. પંજાબ પછી સૌથી વધારે સરેરાશ હરિયાણાના ખેડૂતોની વાર્ષિક આવક 1,73,208 રૂપિયા છે.

ત્રીજા નંબર પર આ રાજ્ય છે
તેના પછી ખેડૂતોની કમાણીના મામલામાં ત્રીજું સ્થાન જમ્મુ કાશ્મીરનું છે. જ્યાં ખેડૂતોની વાર્ષિક સરેરાશ આવક 1,52,196 રૂપિયા છે. કાશ્મીરના ખેડૂતોની આવક ગુજરાત, મહારાષ્ટ્ર જેવા સંપન્ન રાજ્યો કરતાં પણ ઘણી વધારે છે.

દેશના અન્ય રાજ્યના ખેડૂતોની શું છે સ્થિતિ:
કેરળમાં ખેડૂતોની વાર્ષિક આવક 1,42,668 રૂપિયા છે. કેરળ પછી કર્ણાટકનો નંબર આવે છે. જ્યાંના ખેડૂતોની વાર્ષિક આવક 1,05,984 રૂપિયા છે. સંપન્ન કહેવાતા રાજ્ય એવા ગુજરાતના ખેડૂતોની વાર્ષિક કમાણી 95,112 રૂપિયા છે. તો મહારાષ્ટ્રના ખેડૂતોની આવક 88,620 રૂપિયા છે. મધ્ય ભારતની વાત કરીએ તો રાજસ્થાનના ખેડૂતોની આવક 88,188 રૂપિયા, મધ્ય પ્રદેશના ખેડૂતોની આવક 74,508 રૂપિયા છે. છત્તીસગઢના ખેડૂતોની વાર્ષિક કમાણી 61,124 રૂપિયા છે. ઓડિશાના ખેડૂતો વર્ષે 59,712 રૂપિયાની કમાણી કરે છે. પશ્વિમ બંગાળના ખેડૂતોની આવક 47,760 રૂપિયા અને ઝારખંડના ખેડૂતોની આવક 56,652 રૂપિયા છે.

યૂપી-બિહારની હાલત સૌથી ખરાબ:
ઉત્તર પ્રદેશ અને બિહાર યાદીમાં સૌથી નીચે રહેનારા તે રાજ્યોમાં સામેલ છે. જ્યાં ખેડૂતોની સરેરાશ આવક સૌથી ઓછી છે. ઉત્તક પ્રદેશના ખેડૂતોની આવક માત્ર 58,944 રૂપિયા છે. તો બિહારના ખેડૂતોની વાર્ષિક આવક માત્ર 42,684 રૂપિયા છે. બિહાર આ યાદીમાં સૌથી નીચેના સ્થાને છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે આ રાજ્યોમાં ઉપજાઉ કહેવાતા ગંગા-યમુનાના મેદાની વિસ્તારો છે. હાલ કેન્દ્ર સરકાર 2022 સુધીમાં કઈ રીતે આ ખેડૂતોની આવક બેગણી કરશે તે સૌથી મોટો સવાલ છે. કેમ કે અમુક રાજ્યોમાં તો કોઈપણ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતાં સામાન્ય પટાવાળા કરતાં પણ તેની વાર્ષિક ઓછી છે. ત્યારે શું કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કોઈ બ્રહ્માસ્ત્ર શોધશે કે પછી કોઈ નવો આવિષ્કાર કરશે.

(બિઝનેસટુડે ડોટ ઈન અને સિચ્યૂએશન અસેસમેન્ટ સર્વે ઓફ એગ્રીકલ્ચર હાઉસહોલ્ડના ઈનપુટ પર આધારિત)

 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news