રણમાં ભારતનું 'સુરક્ષા કવચ', તનોટમાતા મંદિર...જેનાથી પાકિસ્તાન પણ છે ભયભીત, જાણો કારણ
પીએમ મોદી તનોટ માતાના મંદિરે પણ જઈ શકે છે. આ એજ મંદિર છે જેનું સત તો પાકિસ્તાન પણ માને છે. પ્રધાનમંત્રી માતાના ચમત્કારી મંદિરે દર્શન માટે જઈ શકે છે. શું છે આ મંદિરનો ઈતિહાસ....જાણો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળીની ઉજવણી જવાનો સાથે કરવા માટે જેસલમેર પહોંચ્યા છે. તેઓ જવાનોનો જુસ્સો વધારવા માટે દર વર્ષે તેમની વચ્ચે જ દિવાળી ઉજવે છે. જે લોકો પોતાના ઘરોથી દૂર છે, તેમની વચ્ચે પહોંચે છે ત્યારે જવાનોનો જુસ્સો પણ સાતમા આસમાને પહોંચી જાય છે. આ વખતે પીએમ જવાનોની સાથે દિવાળી ઉજવીને પડોશી દેશને કડક સંદેશ પણ આપશે કે જેવું તેણે 1065માં કર્યું હતું તે ભૂલ ફરીથી કરી જોવા જેવી થશે.
પીએમ મોદી તનોટ માતાના મંદિરે પણ જઈ શકે છે. આ એજ મંદિર છે જેનું સત તો પાકિસ્તાન પણ માને છે. પ્રધાનમંત્રી માતાના ચમત્કારી મંદિરે દર્શન માટે જઈ શકે છે. શું છે આ મંદિરનો ઈતિહાસ....જાણો.
રણમાં હિન્દનું 'સુરક્ષા કવચ'
જેસલમેરથી લગભગ 120 કિમી દૂર પાકિસ્તાન બોર્ડર પાસે જ્યાં દૂર દૂર સુધી કોઈ વસ્તી નથી ત્યાં બોર્ડર પર છે આ ચમત્કારો માટે વિખ્યાત દેવી માતાનું મંદિર. બોર્ડરની આ બાજુ હિન્દુસ્તાનીઓ માટે આ ચમત્કારી તનોટમાતાનું મંદિર છે પરંતુ બોર્ડરની પેલે પાર પાકિસ્તાન માટે આ માત્ર એક મંદિર નથી પરંતુ પાકિસ્તાની સેના માટે દહેશતનું કારણ છે. 5 દાયકા પહેલા તનોટ માતાના મંદિરમાં જે ચમત્કાર જોવા મળ્યો તેના સાક્ષી માત્ર ભારતીયો જ નહીં પરંતુ પાકિસ્તાન પણ હતું.
જેસલમેરનું તનોટ ગામ ભારતીય સરહદનું છેલ્લું ગામ છે. આ ગામના નામ પર આ મંદિરનું નામ પડ્યું છે. આ વખતે પીએમ મોદી જેસલમેરમાં દિવાળી ઉજવવાના છે. આ સાથે જ તનોટ માતાના મંદિર પર પહોંચીને દર્શન પણ કરી શકે છે.
કહેવાય છે કે તનોટમાતાનું મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. પરંતુ આ મંદિર ભારતીય જવાનોની આસ્થાનું કેન્દ્ર છે. આજથી 55 વર્ષ પહેલાની આ કહાની જાણવી જરૂરી છે.
વર્ષ 1965 અને 1971ની જંગ
3 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર 1971 વચ્ચે ચાલેલા પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન 4 દિવસ સુધી જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર હિન્દુસ્તાનના મુઠ્ઠીભર જવાનોએ પાકિસ્તાનની હજારોની સેના સામે બાથ ભીડી હતી અને હિન્દુસ્તાનની જમીન પરથી ખદેડી મૂક્યા હતા. તે યુદ્ધની યાદો માટે સરહદ પર બનેલી લોંગેવાલા પોસ્ટ પર પીએમ મોદી દિવાળી ઉજવવાના છે. લોંગેવાલા પોસ્ટ ખુબ મહત્વની છે.
લોંગેવાલા પોસ્ટ પર બોર્ડર ફિલ્મ બનેલી છે. અહીં 1971માં પાકિસ્તાન સાથે ભયંકર યુદ્ધ થયું હતું. પોસ્ટની સુરક્ષામાં પંજાબ રેજિમેન્ટના 120 જવાનો તૈનાત હતા. તેમણે પાકિસ્તાનની 3000 જવાનોની એટેક ફોર્સને મારી ભગાડી હતી. પાકિસ્તાને જે હરકત કરી હતી તેની કિંમત તેણે ચૂકવવી પડી અને તે વર્ષો સુધી તે યાદ રાખવાનું હતું.
17થી 19 નવેમ્બર 1965 દરમિયાન પાકિસ્તાને તનોટ તરફ ત્રણ અલગ અલગ દિશાઓથી તોપખાનાના મોઢા ખોલી નાખ્યા હતા. દુશ્મનોના ટેન્કરો બોમ્બવર્ષા કરી રહ્યા હતા. તનોટની રક્ષા માટે મેજર જયસિંહની કમાન્ડમાં 13 ગ્રેનેડિયરની એક કંપની અને સીમા સુરક્ષા દળની બે કંપનીઓ દુશ્મનની આખી બ્રિગેડનો સામનો કરી રહી હતી. ભારતમાં 1965નો તે સમય હતો. જ્યારે દેશની આર્થિક સ્થિતિ પણ સારી નહતી. લાલબહાદુર શાસ્ત્રી ત્યારે દેશના પ્રધાનમંત્રી હતા. દેશ અન્ન સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો. આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાને ભારતની ઓછી કિંમત આંકીને જે ભૂલ કરી તેનો અત્યારે પણ પસ્તાવો છે.
યુદ્ધમાં અનુભવાયો ચમત્કાર
કહે છે કે જ્યારે પાકિસ્તાની ગોળા આ વિસ્તારમાં વરસી રહ્યા હતા ત્યારે કઈંક એવો ચમત્કાર થયો કે જેણે માત્ર હિન્દુસ્તાનીઓને જ નહીં પરંતુ પાકિસ્તાની સેનાના ઓફિસરોને પણ ચોંકાવી દીધા. 1965 અને 1971ની જંગમાં પાકિસ્તાનની સેનાએ બોર્ડર પર રહેલા તનોટ દેવીના મંદિર પર લગભગ ત્રણ હજારથી વધુ બોમ્બ વરસાવ્યા પરંતુ માતાનો ચમત્કાર તો જુઓ... મંદિરની દીવાલો પર પાકિસ્તાની ગોળાથી જરાય નુકસાન થયું નહીં.
1965ની જંગમાં તનોટ માતાના મંદિરના પરિસરમાં એક બે નહીં પરંતુ સાડા ચાર સોથી વધુ બોમ્બ પડ્યા પરંતુ એક પણ બોમ્બ ફૂટ્યો જ નહી. મંદિર પરિસરમાં પડતા જ બોમ્બ ફૂસ્સ થઈ જતો. તે ઘટના બાદથી આ મંદિર બોમ્બવાળી માતાના મંદિરના નામથી જાણીતું થઈ ગયું. 55 વર્ષ પહેલા પાકિસ્તાને જે ગોળા મંદિર પર છોડ્યા હતા તે ગોળા આજે પણ તેમના જેમ મંદિરના સંગ્રહાલયમાં તમને જોવા મળશે.
પાકિસ્તાનની સેનાના ઓફિસરો પણ ચોંક્યા
યુદ્ધ દરમિયાન પોતાના બોમ્બની આ દશા જોઈને પાકિસ્તાની સેનાના ઓફિસરો પણ ચોંકી ગયા હતા. સમજાતું નહતું કે આખરે આ એક વિસ્તારમાં એવું તે શું થઈ રહ્યું છે કે તેમના ગોળા બેઅસર થઈ જતા હતા. કહે છે કે યુદ્ધ બાદ જ્યારે બોમ્બની ગણતરી થઈ તો લગભગ 3000થી વધુ બોમ્બ નીકળ્યા. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે એક પણ બોમ્બ ન તો ફૂટ્યો કે ન તો તેનો દારૂગોળો બહાર નીકળ્યો.
યુદ્ધ વખતે પાકિસ્તાની સૈનિકો માતાના આ ચમત્કારના સાક્ષી બન્યા. જંગ વખતે જ્યારે પાકિસ્તાની સૈનિકો ઘૂસણખોરી કરીને મંદિરમાં દાખલ થયા તો એવી સ્થિતિ થઈ કે દુશ્મનોમાં ખળભળાટ મચી ગયો. મંદિરમાં ઘૂસતા જ પાકિસ્તાની સૈનિકોને માતાના પ્રભાવે એવી રીતે ગૂંચવાઈ દીધા કે રાતના અંધારામાં તેઓ પોતાના સાથીઓને જ ભારતીય સૈનિકો સમજી બેઠા અને પોતાના જ જવાનો પર ગોળીઓ વરસાવવા લાગ્યા હતા. એટલે કે માતાના ચમત્કારથી દુશ્મન સેના પોતાની જ સેનાને સાફ કરવા લાગી.
મોદી આ મંદિર પર જઈને એકવાર ફરીથી પાકિસ્તાનના ઘા તાજા કરશે. કારણ કે જેસલમેરની આ એ જગ્યા છે જ્યાં પાકિસ્તાનીઓની કબર ખોદાઈ હતી અને અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળી ઉજવવા આવ્યા છે.
પાકિસ્તાની બ્રિગેડિયરે ચઢાવ્યું છત્ર
બોર્ડર પર જે જગ્યા તનોટ માતાનું મંદિર બન્યું છે તે જગ્યા 1965ના યુદ્ધ અગાઉ ગૂમનામ હતી. પરંતુ મંદિરમાં આ ચમત્કાર થયા બાદ આ જગ્યા અને મંદિર બંને દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા. કહેવાય છે કે તનોટમાતાના મંદિરનો ચમત્કાર જોઈને પાકિસ્તાનના બ્રિગેડિયર રહી ચૂકેલા શાહનવાઝ ખાન પોતે આ મંદિરમાં દર્શન કરવા આવવા માંગતા હતાં અને તેમણે આ માટે ભારત સરકાર પાસે મંજૂરી પણ માંગી હતી. જ્યારે મંજૂરી મળી તો મંદિર પહોંચીને પાકિસ્તાની બ્રિગેડિયરે ભેટ સ્વરૂપે ચાંદીનું છત્ર પણ ચઢાવ્યું હતું.
બીએસએફ સંભાળે છે મંદિર પ્રશાસન
1965ની ઘટનાને આજે 55 વર્ષ થઈ ગયા છે. પંરતુ બોર્ડરની રખેવાળી કરનારા બીએસએફના જવાનો આજે પણ તનોટમાતાના મંદિરને પોતાનું કવચ માને છે. ત્યારબાદ તનોટ મંદિરને બીએસએફએ પોતાના નિયંત્રણમાં લઈ લીધુ. આજે અહીંનું તમામ મેનેજમેન્ટ બીએસએફના હાથમાં છે. મંદિરમાં આયોજિત કરાતો ભંડારોથી લઈને પ્રસાદ વહેંચવાનું કામ પણ બીએસએફના જવાનો જ કરે છે. મંદિરની સુરક્ષાની જવાબદારી બીએસએફ પાસે છે. મંદિરના પુજારી પણ બીએસએફ સાથે જોડાયેલા છે. સવાર સાંજ મંદિરમાં જ્યારે આરતી થાય છે ત્યારે જવાનો પોતાના યુનિફોર્મમાં જ અહીં ભજન કિર્તન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે