DCGIએ Covaxin અને Covishield ને આપી મંજૂરી, જાણો બંને રસીમાંથી કઈ વધુ અસરકારક અને કિંમત સહિત ખાસ વાતો
DCGIના આ નિર્ણયની સાથે જ ભારત દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે એક સાથે બે કોરોના રસીને મંજૂરી આપી છે.
Trending Photos
નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આજે ભારતમાં કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. DCGI ના ડાઈરેક્ટર વી જી સોમાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin)ને મંજૂરી આપ્યાની અધિકૃત જાહેરાત કરી.
એક સાથે 2 રસીને મંજૂરી આપનારો ભારત પહેલો દેશ
DCGIના આ નિર્ણયની સાથે જ ભારત દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે એક સાથે બે કોરોના રસીને મંજૂરી આપી છે. બંને રસીને 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે સ્ટોર કરવાની રહેશે. પ્રેસ કોન્ફરન્સ બાદ DCGI ડાઈરેક્ટર વી જી સોમાણીએ કહ્યું કે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરાયેલી આ બંને રસી 110 ટકા સુરક્ષિત છે.
એક વર્ષની લડત બાદ મળી રસી
લગભગ એક વર્ષ સુધી કોરોના વાયરસ સામે લડત લડ્યા બાદ ભારતને ઈમરજન્સી ઉપયોગ માટે 2 રસી મળી ગઈ છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની આ રસી લોકો સુધી કેવી રીતે પહોંચશે, તેની રૂપરેખા તૈયાર કરી લેવાઈ છે. સૌથી પહેલા આ રસી મેળવનારાઓમાં ડોક્ટરો, નર્સ, હેલ્થ વર્કર્સ કે ફ્રન્ટલાઈન વર્કર્સ સામેલ હશે.
Corona Vaccine ને મંજૂરી મળતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું-ટ્રાયલ પૂરી થતા પહેલા ઉપયોગ કરવો ખતરનાક
કોવેક્સીન છે સંપૂર્ણ દેશી રસી
અત્રે જણાવવાનું કે કોવેક્સીન સંપૂર્ણ રીતે સ્વદેશી રસી છે અને તેને ભારત બાયોટેકે(Bharat Biotech) બનાવેલી છે. આ રસી હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ છે. જ્યારે કોવિશીલ્ડને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં તેના નિર્માણ કાર્ય અને ટ્રાયલ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ(Serum Institute) ભાગીદાર છે.
કઈ રસી કેટલી અસરકારક
DCGIએ જણાવ્યું કે કોવેક્સીન રસી અસરકારક અને સુરક્ષિત છે. પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલમાં 800 લોકોને રસી અપાઈ હતી. આ ઉપરાંત અનેક જાનવરો ઉપર પણ પરીક્ષણ કરાયું હતું. જ્યારે ત્રીજી ટ્રાયલ ચાલુ છે અને રસી 22500 લોકોને અપાઈ છે. DCGI એ જણાવ્યું કે કોવિશીલ્ડ અંગે સીરમ ઈન્સ્ટિટ્યૂટે 23745થી વધુ વિદેશી વોલેન્ટિયર્સના ડેટાનું પરીક્ષણ કર્યું અને તે 70.42 ટકા સુધી પ્રભાવી છે. ભારતમાં આયોજિત બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણમાં 1600 લોકોને રસી અપાઈ હતી જેના પરિણામ પણ પહેલા તબક્કાના પરીક્ષણ બરાબર હતા.
કેટલી હશે રસીની કિંમત
ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટે રસીની કિંમતો અંગે અધિકૃત રીતે કોઈ જાણકારી આપી નથી. સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પહેલા કહ્યું હતું કે કોવિશીલ્ડની કિંમત લગભગ 400 રૂપિયા હોવાની શક્યતા છે. જ્યારે કોવેક્સીનની કિંમત 100 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને પહેલેથી સ્પષ્ટ કરી દીધુ છે કે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને આ રસી મફત મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે