કેરળ પૂર પીડિતોની વ્હારે કોંગ્રેસ, સાંસદો અને ધારાસભ્યો આપશે એક મહિનાનો પગાર
કેરળમાં ભીષણ પૂરના કારણે થયેલા જાનમાલના ભારે નુકસાનને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિર્ણય લીધો છે કે પાર્ટીના તમામ સાંસદ, ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો, પોતાનો એક માસનો પગાર કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે આપશે
Trending Photos
નવી દિલ્હી: કેરળમાં ભીષણ પૂરના કારણે થયેલા જાનમાલના ભારે નુકસાનને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિર્ણય લીધો છે કે પાર્ટીના તમામ સાંસદ, ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો, પોતાનો એક માસનો પગાર કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે આપશે. પાર્ટીના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓ સાથે થયેલી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે પાર્ટીના નેતા તથા કાર્યકર્તા કેરળ અને બીજા અન્ય રાજ્યોમાં આવેલા પૂરથી પ્રભાવિત લોકોની દરેક શક્ય મદદ કરે.
રાહુલે કેરળની કુદરતી આફતને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માગ કરી
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગણી કરી છે કે કેરળની પૂરની વિકટ સ્થિતિને રાષ્ટ્રીય આફત જાહેર કરો. બેઠક બાદ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પત્રકારોને જણાવ્યું કે આજની બેઠકમાં સમગ્ર દેશમાં પૂરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. રાહુલ ગાંધી અને કોંગ્રેસે માગણી રજુ કરી કે કેરળના પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવે.
પૂરથી હજારો કરોડનું નુકસાન
તેમણે કહ્યું કે રાજ્યને 3000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને ભારત સરકારે અત્યાર સુધી 100 કરોડ રૂપિયા આપ્યા છે. જે પૂરતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે પૂર રાહતમાં રાજકારણ થઈ શકે નહીં. તેમાં ભેદભાવ ન થઈ શકે. બધાને મદદની આવશ્યકતા છે અને સરકારે તેના માટે પૂરતા પ્રયત્નો કરવા પડશે. સૂરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસની સરકારોએ મદદ માટે પગલું ભર્યુ છે. પંજાબ સરકારે 10 કરોડ રૂપિયા આપ્યાં છે. કર્ણાટક સરકારે 10 કરોડ રૂપિયા મોકલ્યા છે. પુડ્ડુચેરી સરકારે એક કરોડ રૂપિયાની રકમ મોકલી છે.
રાહત સામગ્રી મોકલવા માટે સમિતિનું ગઠન
તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીએ ફેસલો લીધો છે કે લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો, તમામ રાજ્યોના પાર્ટી ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્ય એક મહિનાનો પગાર કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે આપશે. સૂરજેવાલાએ કહ્યું કે કેરળની આજુબાજુના પ્રાંતોની કોંગ્રેસ શાખાઓએ પૂર રાહત સમિતિનું ગઠન કર્યુ છે. આ સમિતિઓ રાહત સામગ્રી કેરળમાં પહોંચાડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે