CBI vs CBI : રાત્રે 1 વાગ્યે 3 સીનિયરને નજરઅંદાજ કરીને જુનિયરને બનાવાયા CBIના બોસ... વાંચો સસ્પેન્સ સ્ટોરી

એમ. નાગેશ્વર રાવની નિમણૂકની સાથે જ લગભગ એક ડઝન અન્ય વરિષ્ઠ અધિકારીઓને ટ્રાન્સફર કરી દેવાયા છે 

CBI vs CBI : રાત્રે 1 વાગ્યે 3 સીનિયરને નજરઅંદાજ કરીને જુનિયરને બનાવાયા CBIના બોસ... વાંચો સસ્પેન્સ સ્ટોરી

નવી દિલ્હીઃ સીબીઆઈના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે નંબર-1 અને નંબર-2નું સ્થાન ધરાવતા અધિકારીઓ વચ્ચે ચાલેલા યુદ્ધ વચ્ચે સરકારે તેમને રજા પર મોકલી દીધા છે. સુત્રો અનુસાર રાત્રે એક વાગ્યે જાહેર થયેલા સરકારી આદેશ બાદ CBIના નવા વચગાળાના નિર્દેશક તરીકે એમ.નાગેશ્વર રાવની નિમણૂક કરવાની સાથે જ લગભગ એક ડઝન અન્ય વરિષ્ઠ અધિકારીઓની પણ ટ્રાન્સફર કરી દેવાઈ છે. 

1. એ સરકારી આદેશમાં જણાવાયું છે કે, વડા પ્રધાનની આગેવાની હેઠળની નિયુક્તિ સમિતિએ મંગળવારે રાત્રે સંયુક્ત નિર્દેશક એમ. નાગેશ્વર રાવને તાત્કાલિક અસરથી CBIના નિર્દેશક પદની જવાબદારી સોંપી દીધી છે. આ આદેશનો અર્થ છે કે સરકારે સીબીઆઈના પદાનુક્રમમાં સંયુક્ત નિર્દેશકના સ્તરે એટલે કે અધિક ડિરેક્ટર રેન્કના ત્રણ અધિકારીઓને દરકિનાર કરીને નાગેશ્વર રાવને એજન્સીના નિર્દેશકની જવાબદારી સોંપાઈ છે. 

2. જે ત્રણ અધિક ડિરેક્ટરને દરકિનાર કરાયા છે, તેમાં એ.કે. શર્માનો પણ સમાવેશ તાય છે. રાકેશ અસ્થાના તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં શર્માનું નામ બહાર આવ્યું હતું. ત્યાર બાદ સીબીઆઈ હેડક્વાર્ટરને સીલ મારી દેવાયું છે. 

3. કેન્દ્ર સરકારે વિવાદોમાં ફસાયેલા સીબીઆઈ નિર્દેશક આલોક વર્મા અને અધિક નિર્દેશક રાકેશ અસ્થાનાના તમામ અધિકાર પાછા ખેંચી લીધા છે. 

4. સીબીઆઈના નિર્દેશક આલોક વર્માને રજા પર મોકલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તેમની અરજી પર કોર્ટ 26 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવા તૈયાર થઈ છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ. જોસેફની બેન્ચે વર્માની એ દલીલ પર વિચાર કર્યો કે કેન્દ્ર તરફથી તેમને રજા પર મોકલવાના નિર્ણય સામે દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. સીબીઆઈ નિર્દેશક વર્માએ સંયુક્ત નિર્દેશક એમ. નાગેશ્વર રાવને તપાસ એજન્સીના વચગાળાના પ્રમુખ તરીકે નિમણુક કરવાના નિર્ણયને પણ પડકાર્યો છે. 

5. તેની સાથે જ સીબીઆઈએ પોતાના અધિક નિર્દેશક રાકેશ અસ્થાના સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહેલી ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ તપાસ ટીમમાં એકદમ નવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે. તપાસ અધિકારીથી માંડીને નજર રાખનારા અધિકારી બદલી દેવાયા છે. 

6. સીબીઆઈના પ્રમુખ પદનો ભાર સંભાળનારા 1986 બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી એમ. નાગેશ્વર રાવે પોલીસ અધિક્ષક તરીકે સતીશ ડાગરને અસ્થાના વિરુદ્ધ દાખલ થયેલા કેસની તપાસની જવાબદારી સોંપી છે. ડાગર આ અગાઉ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ સામેના આરોપોની તપાસ કરી ચૂક્યા છે. 

7. પોલીસ અધિક્ષક ડાગર તરફથી થનારી તપાસ પહેલા દેખરેખ અધિકારી ડીઆઈજી તરૂણ ગાબા હશે, જેમણે વ્યાપમ્ કૌભાંડની તપાસ કરી હતી. સંયુક્ત નિર્દેશના સ્તરે વી. મુરુગેશનને લાવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે કોલસા કૌભાંડની તપાસમાં મુરુગેશન પર વિશ્વાસ મુક્યો હતો. 

છેલ્લા તપાસ અધિકારી ડીએસપી એ.કે. બસ્સીને 'જાહેર હિત'માં 'તાત્કાલિક અસર'થી પોર્ટ બ્લેર મોકલી દેવાયા છે. અસ્થાનાએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, સીબીઆઈના નિર્દેશ આલોક વર્માના આદેશ પર બસ્સી તેમની સામે 'ગેરમાર્ગે દોરનારી તપાસ' કરી રહ્યા છે. 

8. એક અન્ય આદેશમાં સીબીઆઈએ સંયુક્ત નિર્દેશક (નીતિ) અરૂણ કુમાર શર્માની બદલી કરીને તેમને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડની તપાસ કરી રહેલી મલ્ટી-ડિસિપ્લિનરી મોનિટરિંગ એજન્સી (એમડીએમએ)ના સંયુક્ત નિર્દેશક પદ પર તૈનાત કરાયા છે. વરિષ્ઠ અધિકારી એ.સાઈ મનોહરની બદલી કરીને તેમને ચંડીગઢ ઝોનના સંયુક્ત નિર્દેશ બનાવાયા છે. જ્યારે ડીઆઈજી આર્થિક ગુનાખોરી-3ના પદ પર કાર્યરત અમિત કુમારને સંયુક્ત નિર્દેશક (નીતિ)ની વધારાની જવાબદારી સોંપાઈ છે. 

9. સરકારનો પક્ષ રજૂ કરતા નાણા મંત્રી અરૂણ જેટલીએ બુધવારે જણાવ્યું કે, સીબીઆઈ નિર્દેશક આલોક વર્મા અને અધિક નિર્દેશક રાકેશ અસ્થાનાને ખસેડવાનો નિર્ણય સરકારે સીવીસીની ભલામણોને આધારે લીધો છે. તેમણે ભાર મુકીને જણાવ્યું કે, એજન્સીની સંસ્થાગત ઈમાનદારી અને વિશ્વસનિયતાને જાલવી રાખવા માટે આ નિર્ણય લેવા અનિવાર્ય હતા. કેન્દ્રીય વિજિલન્સ કમિશને મંગળવારે સાંજે આ ભલામણ કરી હતી. 

જેટલીએ જણાવ્યું કે, દેશની ટોચની તપાસ એજન્સીના બે ટોચના અધિકારીઓના આરોપ-પ્રત્યારોપને કારણે અત્યંત વિચિત્ર તથા દુર્ભાગ્યપુર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે. 

તેમણે જણાવ્યું કે, આરોપોની તપાસ વિસેષ તપાસ ટૂકડી કરશે અને વચગાળાના ઉપાય તરીકે બંને અધિકારીઓને રજા પર ઉતારી દેવાયા છે. મંત્રીએ જણાવ્યું કે, આ સ્થિતિ સામાન્ય નથી અને આરોપીઓને તેમના જ સામે ચાલી રહેલી તપાસના અધિકારી બનાવી શકાય નહીં. 

તેમણે કોંગ્રેસ સહિત વિરોધપક્ષોના એ આરોપોનું પણ ખંડન કર્યું જેમાં જણાવાયું હતું કે વર્માને એટલા માટે દૂર કરાયા કેમકે તેઓ રાફેલ યુદ્ધ વિમાન સોદાની તપાસ કરવા માગતા હતા. જેટલીએ જણાવ્યું કે, આ આરોપોને જોતાં લાગે છે કે વિરોધ પક્ષો એ પણ જાણતા હતા કે સંબંધિત અધિકારીના મનમાં શું ચાલી રહ્યું છે? તેનાથી એ વ્યક્તિની ઈમાનદારી પર સવાલ પેદા થાય છે, જેનું તેઓ સમર્થન કરી રહ્યા છે. 

10. આ અગાઉ અભૂતપૂર્વ પગલું ભરતા સીબીઆઈએ 15 ઓક્ટોબરના રોજ રાકેશ અસ્થાના સામે એફઆઈઆર દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવાયો હતો કે એક કેસના આરોપીને ક્લીન ચીટ આપવાના બદલામાં તેમણે કથિત રીતે લાંચ લીધી હતી. કથિત લાંચ લેનારા સતીશ સનાના નિવેદન પર આ કેસ દાખલ કરાયો હતો. સના ભ્રષ્ટાચારના એક અન્ય કેસમાં તપાસનો સામનો કરી રહ્યા છે, જેમાં મટનના વેપારી મોઈન કુરેશીની કથિત સંડોવણી છે. 

આ અગાઉ બે મહિના પહેલા રાકેશ અસ્થાનાએ સીબીઆઈ નિર્દેશ વર્મા સામે કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, સનાએ રાહત મેળવવા માટે વર્માને લાંચ તરીકે બે કરોડ આપ્યા હતા. સીબીઆઈએ અસ્થાનાની ટીમમાં ડીએસપી રહેલા દેવેન્દ્ર કુમારની પણ ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ મંગળવારે દિલ્હીની એક કોર્ટને જણાવ્યું હતું કે, હાઈ-પ્રોફાઈલ કેસની તપાસમાં સીબીઆઈમાં એક "વસુલી રેકેટ" ચાલી રહ્યું હતું. 

આલોક વર્મા Vs રાકેશ અસ્થાના 
1. સીબીઆઈના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે, તેના બે સૌથી ઉચ્ચ અધિકારી વચ્ચે ઝઘડો પડ્યો છે. બંને ઉચ્ચ અધિકારીઓના ઝઘડો એ સમયે બહાર આવ્યો જ્યારે આલોક વર્માએ કેન્દ્રીય વિજિલન્સ કમિશન સામે તત્કાલિન અધિક નિર્દેશક રાકેશ અસ્થાનાની વિશેષ નિર્દેશકના પદ પર પ્રમોશનનો વિરોધ કર્યો હતો. 

2. આલોક વર્માનો વિરોધ તો નોંધવામાં આવ્યો હતો, પરંતુ સીવીસીએ એકમતથી વિશેષ નિર્દેશક પદ માટે અસ્થાનાના નામને મંજુરી આપી હતી, જેના કારણે તેઓ સીબીઆઈમાં બીજા સૌથી ઊંચા વરિષ્ઠ અધિકારી બની ગયા હતા. એનજીઓ કોમન કોઝે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરીને અસ્થાનાને વિશેષ નિર્દેશ બનાવવાને પડકાર ફેંક્યો હતો. 

3. વિજય માલ્યા, અગસ્તા વેસ્ટલેન્ડ અને હરિયાણામાં જમીન અધિગ્રહણ સાથે જોડાયેલા અનેક સંવેદનશીલ કેસોની તપાસ કરી રહેલા SITના પ્રભારી રહેલા રાકેશ અસ્થાનાએ 24 ઓગસ્ટના રોજ વર્મા સામે એક સનસનાટીપૂર્ણ ફરિયાદ કરીને આરોપ લગાવ્યો હતો કે તેમણે એક કેસમાં આરોપી પાસેથી બે કરોડ રૂપિયાની કથિત લાંચ લીધી છે. અસ્થાનાએ વર્મા સામે 10 અન્ય કેસમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આરોપ લગાવ્યા હતા. 

તેમણે આરોપ લગાવ્યો હતો કે, વર્માએ રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના ઘરે દરોડા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે આ કેસ સીવીસીને સોંપ્યો હતો, જેણે અસ્થાનાની ફરિયાદના આધારે કેસ સંબંધિત ફાઈલો મગાવી હતી. 

4. પોતાના જવાબમાં વર્માણે સીવીસીને જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 6 કેસમાં અસ્થાનાની ભૂમિકા તપાસના દાયરામાં છે. જેમાં એક કેસ ગુજરાત ખાતેની સ્ટર્લિંગ બાયોટેક તરફતી દેવું ન ચૂકવવા સંબંધિત છે. તેમણે સીવીસીને એવું પણ જણાવ્યું છે કે, તેમની ગેરહાજરીમાં અન્ય સૌથી વરિષ્ઠ અધિકારી અસ્થાના સતર્કતા આયોગની બેઠકોમાં તેમનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. 

5. અસ્થાનાએ સરકારને આ બાબતે હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્મા સામે લગાવવામાં આવેલા આરોપોની સ્વતંત્ર તપાસ કરવામાં આવે. વર્મા અને અસ્થાના સાથે જોડાયેલા કેસની માહિતીનું જ્યારે આધિકારીક સ્તરે આદાન પ્રદાન થઈ રહ્યું હતું, એ જ સમયે એ માહિતીને મીડિયામાં પણ લીક કરવામાં આવી રહી હતી, જેથી બંને અધિકારીઓ વચ્ચેનો ઝઘડો બહાર આવી ગયો છે.

સીબીઆઈના પૂર્વ અધિકારીઓએ નામ ન લખવાની શરતે જણાવ્યું કે, આ સ્થિતિ 'દુર્ભાગ્યપુર્ણ' છે અને તેનાથી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ સાથે જોડાયેલા કેસ પર અસર પડી શકે છે. તેમણે જણાવ્યું કે, તપાસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને હવે આરોપી દલીલ કરી શકે છે કે તેમની સામે લાગેલા આરોપો પ્રેરિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news