બજેટ 2019: ઝી 24 કલાક સાથેની ચર્ચામાં જાણો વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાય

ઝી 24 કલાક સાથે બજેટ-2019 અંગે ચર્ચા કરવા આવેલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ કેન્દ્રના બજેટમાં મધ્યમવર્ગ માટે કરવામાં આવેલી જાહેરાતોને ખુલ્લા દિલે આવકારી લીધી હતી, MSME ક્ષેત્ર માટે જોઈએ એવી જાહરાતો થઈ નથી એવો પણ એક સૂર નિકળીને આવ્યો હતો, આ ઉપરાંત પણ અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી

બજેટ 2019: ઝી 24 કલાક સાથેની ચર્ચામાં જાણો વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાય

અમદાવાદઃ કેન્દ્રની મોદી સરકાર દ્વારા તેનું અંતિમ અને વચગાળાનું બજેટ શુક્રવારે રજૂ કરાયું હતું. આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા મધ્યમ વર્ગના કરદાતાઓને રૂ.5 લાખ સુધીની આવક પર કર ભરવામાંથી મુક્તીની મહત્ત્વની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ ખેડૂતો માટે પણ કેન્દ્ર સરકારે જાણે કે સોગાતો પાથરી હોય એમ અસંખ્ય જાહેરાતો કરી હતી. સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં પણ ભારેખમ વધારો કરાયો હતો. કેન્દ્રીય બજેટની મહત્વની જોગવાઈઓ પર ચર્ચા કરવા માટે ઝી 24 કલાક દ્વારા શહેરમાં જે-તે ક્ષેત્રના નિષ્ણાતોને ચેનલમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે પોતાના એક્સપર્ટ ઓપિનિયન કેન્દ્રીય બજેટ 2019 પર આપ્યા હતા. આવો આવા જ કેટલાક નિષ્ણાતોના અભિપ્રાય પર એક નજર દોડાવીએ....

દેવલ સોપારકર, રિયલ એસ્ટેટ અગ્રણી
આ બજેટમાં રિયલ એસ્ટેટ માટે કેટલીક સારી જાહેરાતો કરાઈ છે. જીએસટીને કારણે રિયલ એસ્ટેટ બિઝનેસમાં ઘણી મંદી આવી હતી. આ બજેટમાં જીએસટીમાં રાહત માટે થોડી ભલામણો કરાઈ છે, જે પોઝિટીવ બાબત છે. બીજો અગત્યનો મુદ્દો 'અનસોલ્ડ ઈન્વેન્ટરી' હતો. તેના માટે અમારે બીયુ પરમીશન પછી એક વર્ષની મર્યાદા હતી, તેને બે વર્ષ કરી છે. જેનાથી ફાયદો થશે. બીજું ઘર ખરીદનારાએ ટેક્સ નહીં ભરવો પડે એ જાહેરાત પણ રિયલ એસ્ટેટ માટે ખુબ જ સારી છે. ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટર અંગે દેવલબેને જણાવ્યું કે, ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર 60,000 કરોડનું છે. રેરા, જીએસટી અને નોટબંધીને આ સેક્ટરને કમ્મરતોડ માર પડ્યો હતો. વર્તમાન બજેટમાં મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જે જાહેરાતો કરાઈ છે તેનાથી રિયલ એસ્ટેટને સીધો ફાયદો મળશે. આગામી 5-6 મહિનામાં રિયલ એસ્ટેટ સેક્ટર ધમધમતું થઈ જશે એવું આ બેજટને જોતાં લાગી રહ્યું છે. મહિલા સશક્તીકરણ અંગે કેન્દ્ર સરકારે જે પગલાં લીધાં છે તે પણ ઘણું જ સારું છે. 

બીરેન વકીલ, કૃષિ નિષ્ણાત 
આજના વૈશ્વિક માહોલમાં બજેટ ક્યારેય 'ગેમ ચેન્જર' હોતું નથી. બજેટ વર્તમાન પડકારોનો સામનો કરવા માટે સરકારના આયોજનને રજૂ કરતું એક દસ્તાવેજીકરણ હોય છે. આર્થિક રીતે આ બજેટ એક્સપાન્સનરી બજેટ છે. કેટલાક ક્ષેત્રોમાં સરકારે વધુ રકમ ફાળવી છે. પરંતુ નાણાકિય ખાધને 3.4 ટકા જાળવી રાખવા માટે પૈસા ક્યાંથી આવશે તેની કોઈ સ્પષ્ટતા બજેટમાં કરાઈ નથી. જોકે, આ બજેટ ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપનારું છે. 

મુકેશ પટેલ, ટેક્સ એક્સપર્ટ
રૂ.5 લાખની આવક પર જે છૂટની જાહેરાત કરાઈ છે તેને સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. આવકવેરાની મુક્તિ મર્યાદા અને આવકવેરાના વર્તમાન દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી. પીયુષ ગોયલે એક સીઝન્ડ ખેલાડી તરીકે એક મોટી જાહેરાત કરીને વિશાળ વર્ગને સમાવી લીધો છે. સરકારે જે જાહેરાત કરી છે તે મુજબ જેની આવક રૂ.5 લાખ કરતાં ઓછી હોય તેણે શૂન્ય ટકા ટેક્સ ભરવાનો છે, જે અગાઉ રૂ.3.50 લાખની હતી. જો આ જાહેરાતમાં અન્ય કરરાહતોનો ઉમેરો કરવામાં આવે તો તમે રૂ.10 લાખ સુધીની આવકમાં શૂન્ય ટકા ટેક્સ રાહતનો લાભ લઈ શકો છો, પરંતુ તેના માટે યોગ્ય આયોજન કરવું પડશે. નાણા મંત્રીએ મધ્યમ વર્ગ માટે સારી જાહેરાત કરી છે. નાની બચતના વ્યાજ પર રૂ.40,000 સુધીનો ટીડીએસ નહીં કપાય એ અત્યંત મહત્વની જાહેરાત છે. સાથે જ ભાડાની વાર્ષિક રૂ.2,40,000 સુધીની આવક પર ટેક્સ ભરવાનો નહીં રહે તે પણ મધ્યમ વર્ગ માટે ફાયદારૂપ છે.  

જૈમિન વસા, પ્રેસિડન્ટ, GCCI
સરકારે જે ચૂંટણીને કારણે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે, તેમાં ઉદ્યોગો માટે કોઈ ખાસ જાહેરાત કરાઈ નથી. વેપારીઓ જે રાહત માગતા હતા તે અપાઈ નથી. જોકે, મધ્યમ વર્ગ, મજૂર વર્ગ, ખેડૂત વર્ગ માટે મોટી જાહેરાતો કરાઈ છે. ખાસ કરીને MSME માટે સરકારે કોઈ ખાસ જાહેરાત કરી નથી. આ ઉદ્યોગ દેશમાં બીજા નંબરનો સૌથી મોટો રોજગારદાતા છે, તેમ છતાં તેના પર ધ્યાન કેન્દ્રીત કરાયું નથી. જીએસટીમાં અગાઉ તકલીફો હતી, પરંતુ જીએસટીના દરમાં જે પ્રકારે સુધારા થયા અને રિફંડમાં સમસ્યા હતી તે દૂર થઈ છે. બેન્કોની જે NPA વધી છે, તેના કારણે MSMEને લોન લેવામાં મુશ્કેલી પડી રહી છે. સરકારે MSMEની અનેક પ્રકારની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું નથી. 25 ટકા કોર્પોરેટ ટેક્સ MSME માટે ફાયદાકારક છે. 

કૈલાશ ગઢવી, કોંગ્રેસ 
કેન્દ્ર સરકારે આવકવેરામાં રૂ.5 લાખની જાહેરાત કરી તે આવકાર્ય છે. સરકારે નવી રોજગારી કેવી રીતે પેદા કરશે તેના અંગે કોઈ જાહેરાત કરી નથી. ખેડૂતો તેમના દેવામાંથી બહાર આવ્યા નથી અને હવે તેમને માસિક રૂ.500 આપવાની જાહેરાત કરી છે તે ક્યાં સુધી યોગ્ય છે તે સમજાતું નથી. 

રાકેશ રાઓટી, આર્થિક બાબતોના નિષ્ણાત
કેન્દ્ર સરકારે ક્રિકેટની ભાષામાં કહીએ તો આ તેમની છેલ્લી ઓવર હતી અને તેમણે સિક્સર ફટકારી છે. સરકારે રૂ.5 લાખની આવકને કરમુક્ત કરી છે તે આવકાર્ય છે. સાથે જ નાની બચતના રોકાણ પર જે વ્યાજ મળતું હતું તેના પર જે ટીડીએસ કપાતો હતો તેને પણ રદ્દ કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોને રૂ.6000 આપવાની જાહેરાત છે તે સારી છે. મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરાઈ છે. 

ગૌરાંગ ભગત, મસ્કતી મહાજન 
આ બજેટ તમામ પ્રજાને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલું છે. આ બજેટને કારણે બજારમાં નાણા પ્રવાહ વધશે. શ્રમિકો માટે જે યોજનાઓ સરકારે બનાવી છે તેનાથી પણ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે. 

નૈષધ દેસાઈ, કોંગ્રેસ પાર્ટી
ખેડૂત માટે રૂ.6,000 એ ચૂંટણી પ્રચારની જાહેરાત છે. ખેડૂત માટે પાણી અને વિજળીની જે જરૂરી છે, તેને જે સંસાધનોની જરૂર છે તેના અંગે બજેટમાં કોઈ જોગવાઈ કે જાહેરાત કરાઈ નથી. સરકારે અત્યારે તો બજેટમાં માત્ર મોટા-મોટા વચનો આપ્યા છે. આ યોજનાઓ માટે નાણા ક્યાંથી આવશે તેની કોઈ જોગવાઈ કરી નથી. હાલ તો આ જાહેરાતોનું કોઈ અમલીકરણ થવાનું જ નથી, પછી આવી જાહેરાતો કરવાનો અર્થ શો? આ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાતો છે.

દીલીપસિંહ બારડ, ખેડૂત આગેવાન 
બજેટમાં સૌ પ્રથમ વખત ખેડૂતો પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. ખેડૂતના ખાતામાં સીધા નાણા જમા થાય એવું આ પ્રથમ વખત કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરાયું છે. ગુજરાત જ નહીં પરંતુ ભારત વર્ષના ખેડૂતોએ આ બજેટને આવકાર્યું છે. વાર્ષિક રૂ.6,000 તો પુરતા નથી, પરંતુ અગાઉ જે જાહેરાતો થઈ છે, સાથે જ પાક વીમા સહિતની સરકારે જે જાહેરાત કરી છે અનુકૂલ થઈ રહેશે. સરકાર ખેડૂત માટે વીજળી અને પાણી આપે તો ઘણું થઈ જશે. 

અમલભાઈ ધ્રૂવ, ટેક્સ એક્સપર્ટ 
ખેડૂતને આ પૈસા આપવાની જરૂર પડે એ દર્શાવે છે કે, સરકારે હજુ સુધી આ વર્ગ પર વિશેષ ધ્યાન આપ્યું નથી. સરકારે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જે કરરાહતો આપી છે તે ઘણી જ સારી છે. સાથે જ બિલ્ડરો માટે પણ જે જાહેરાત કરી છે તે સારી છે. સરકારે ડાયરેક્ટ ટેક્સ માટે જે પગલાં લીધા છે તે આવકાર્ય છે. કોર્પોરેટ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી નથી તે સમજાતું નથી. 

મીના કાવ્યા, મહિલા ઉદ્યોગપતિ
સરકારે મધ્યમ વર્ગમા માટે રૂ.5 લાખની આવક અંગેની જાહેરાત કરી છે તે સારી છે. જોકે, મહિલા ઉદ્યોગ સાહસિકોને જે રીતે નજરઅંદાજ કરાયા છે તેના અંગે સરકારે કેટલાક પગલાં લેવાની જરૂર હતી. આ ઉપરાંત, MSME ક્ષેત્ર માટે પણ આ બેજટમાં કોઈ વિશેષ જાહેરાત કરાઈ નથી. જે જરૂરી હતી. મહિલાઓ જે ક્ષેત્રમાં કાર્યરત છે અને તેને એ ક્ષેત્રમાં મદદ મળે તે જરૂરી છે. ટેક્સટાઈલ ક્ષેત્ર અત્યારે જે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે સરકારે જે જાહેરાત કરી છે તેનાથી તેને નુકસાન થશે.

હીતેનભાઈ વસંત, ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ 
સરકારે જો આ બજેટ છેલ્લા પાંચ વર્ષથી 20-20 ટકા આપ્યું હોત તો હાલ આ જાહેરાત કરવાની જરૂર પડતી નહીં. ખેડૂતો માટે પાણી અને વીજળી મહત્વની છે તેનો ઉકેલ લાવવાની જરૂર છે. ખેડૂતોને ખેતીમાં જે સમસ્યા નડે છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. ખેડૂતો માટે સરકારની યોજનાઓ બધી જ સારી છે, પરંતુ તે છેવાડાના ખેડૂત સુધી પહોંચતી નથી, તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે.

અમીત ઠાકર, ભાજપ 
સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં જે કામ કર્યું તેના કારણે સરકારનો ટેક્સબેઝ વધ્યો છે અને આ કારણે જ સરકાર આ બજેટમાં મોટી સોગાદો આપી શકી છે. રૂ.5 લાખની આવક પર ટેક્સ ન ભરવો, બે મકાન હોય તેને કેટલાક ટેક્સમાંથી છૂટ સહિતની અનેક જાહેરાતો કેન્દ્ર સરકારે સમાજના મોટા વર્ગને ધ્યાનમાં રાખીને કરી છે.

શૈલેષ પટવારી, પૂર્વ પ્રમુખ, GCCI
ખેડૂતોને માત્ર વોટ માટે થઈને તેમની જે લોનો માફ કરવામાં આવે છે તે યોગ્ય નથી. ટીડીએસમાં જે મુક્તી આપી છે, તે ઘણી જ સારી છે. વરિષ્ઠ નાગરિકો માટે આ ફાયદાકારક છે. તેનો લાભ બેન્કોને પણ થશે. આ પૈસા બજારમાં ફરતા થશે એટલે છેવટે સીધો અર્થતંત્રને લાભ થશે.

કેતન જોશી, ઝી બિઝનેસ, સ્પેશિયલ રિપોર્ટર
'બજેટ બ્રહ્માસ્ત્ર-2019' પ્રમાણે આ બજેટ 90 ટકા ચૂંટણીલક્ષી છે. પીયુષ ગોયલે મોટી-મોટી યોજનાઓની જાહેરાતો કરી છે, પરંતુ પૈસા ક્યાંથી લાવશે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. જે રીતે તમામ વર્ગને સાંકળી લેતી અલગ-અલગ જાહેરાતો કરવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ એક સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બજેટ છે. આ એક ફુલગુલાબી બજેટ છે અને વિરોધ પક્ષ પણ તેની ટીકા કરી શકે એમ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news