હવે ઘરમાં જ થશે ખેતી! અલગ ખેતર લેવાની જરૂર નથી, મળે છે તાલીમ અને સરકાર આપે છે સબસિડી

સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં મહિલાઓ, યુવાનો અને નિવૃત લોકો જોડાઈને સારી એવી કમાણી કરે છે. જમ્મુ કાશ્મીરનું વહીવટી તંત્ર આ માટે લોકોને મદદ કરે છે.

  • ખેડૂતોને મશરૂમની ખેતી માટે અપાતું પ્રોત્સાહન
  • પાર્ટ ટાઈમની ખેતીમાંથી સારી કમાણી કરતા ખેડૂતો
  • બાગાયતી વિભાગ પ્રેક્ટિકલ તાલીમ, સબ્સિડી આપે છે
  • સ્વાસ્થ્યવર્ધક મશરૂમની ખેતી આખું વર્ષ થાય છે
  • ઘરમાં જ થતી ખેતી માટે અલગ જગ્યાની જરૂર નથી
     

Trending Photos

હવે ઘરમાં જ થશે ખેતી! અલગ ખેતર લેવાની જરૂર નથી, મળે છે તાલીમ અને સરકાર આપે છે સબસિડી

ઝી બ્યુરો/નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં મહિલાઓ, યુવાનો અને નિવૃત લોકો જોડાઈને સારી એવી કમાણી કરે છે. જમ્મુ કાશ્મીરનું વહીવટી તંત્ર આ માટે લોકોને મદદ કરે છે.

પ્લાસ્ટિકની બેગમાં ઉગી નીકળેલી સફેદ રંગની જે ગોળાકાર વસ્તુને તમે જોઈ રહ્યા છો, તે મશરૂમ છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં અત્યારે ઘરે ઘરે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. સવારે અને સાંજે લોકો પોતાના ઘરે છત કે શેડની નીચે ઉગાડેલા મશરૂમને ચૂંટે છે અને સાફ કર્યા બાદ પેકિંગ કરીને વેચી દે છે. તુરંત રૂપિયા મળી જતાં હોવાથી મશરૂમ રોકડિયો પાક છે.

નેશનલ એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બાગાયતી વિભાગ મશરૂમની ખેતીને પ્રોત્સાહન આપવા તાલીમ પૂરી પાડે છે. મશરૂમની ખેતી ઓછા રોકાણમાં વધુ વળતર આપે છે, સૌથી મોટી વાત એ છે કે આ ખેતીને પાર્ટ ટાઈમમાં પણ કરી શકાતી હોવાથી યુવાનો અને મહિલાઓમાં મશરૂમની ખેતીનું પ્રમાણ વધ્યું છે.

મશરૂમને બીજમાંથી તૈયાર થતા સુધી મહત્તમ 20 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે, જેને જોતાં જમ્મુ કાશ્મીરનું હવામાન તેને માફક આવે છે. જે લોકો પાસે 100થી 500 ચોરસમીટર જગ્યા હોય, તેઓ શેડ લગાવીને મશરૂમ ઉગાડી શકે છે. બાગાયતી વિભાગ મોટા શેડ માટે યુવાનોને સબ્સિડી અને લોન પણ આપે છે. 

ખેડૂતો 200થી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મશરૂમ વેચે છે. ફક્ત ઉધમપુરમાં જ ખેડૂતોએ આ વર્ષે ત્રણ લાખ કિલોગ્રામ મશરૂમનો ઉતારો મેળવ્યો છે, જેમાંથી તેમણે 6 કરોડ રૂપિયાની આવક રળી છે. મશરૂમ આરોગ્યવર્ધક ખાદ્યચીજ હોવા ઉપરાંત તેની જુદી જુદી જાતોનો ઉપયોગ કેન્સરની સારવાર અને ઈમ્યુનિટી વધારતી દવાઓમાં પણ કરાય છે. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં જ્યાં મોટા ભાગનાં લોકો પાસે જમીન ઓછી છે, ત્યાં મશરૂમ જેવો પાક તેમના માટે આશીર્વાદ બની રહ્યો છે. આગામી સમયમાં તેના ઉત્પાદનમાં ક્રાંતિ આવે તો નવાઈ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news