બિહારઃ શક્તિસિંહનું રાજીનામું બન્યું ચર્ચાનો વિષય, ટ્વીટર પર હજુ પણ બિહાર કોંગ્રેસના પ્રભારી

કોંગ્રેસમાં રાજીનામાને લઈને હાહાકાર મચેલો છે, તેમાં હવે એક નવું નામ ગુજરાતના શક્તિસિંહ ગોહિલનું પણ ઉમેરાયું છે, તેમણે લોકસભા ચૂંટણીમાં બિહારમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈને રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા છે, પરંતુ હજુ હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારાયું ન હોય એવું ચર્ચાઈ રહ્યું છે 

બિહારઃ શક્તિસિંહનું રાજીનામું બન્યું ચર્ચાનો વિષય, ટ્વીટર પર હજુ પણ બિહાર કોંગ્રેસના પ્રભારી

પટનાઃ ગુજરાતના કદાવર નેતા અને વર્તમાનમાં બિહારના કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહીલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જોકે, તેમનું આ રાજીનામું માત્ર આઈવોશ છે, કેમ કે તેમના ટ્વીટર એકાઉન્ટ પર તો હાલ તેઓ ખુદને બિહાર કોંગ્રેસના પ્રભારી જ જણાવી રહ્યા છે. જોકે, રાજકીય ગલિયારામાં કોંગ્રેસના અંદર જે રીતે રાજીનામાનો દોર ચાલ્યો છે તેના અંગે ખુબ જ જોરદાર ચર્ચા ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠકમાં રાજીનામું આપી દીધું હતું. પાર્ટી દ્વારા રાહુલનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું ન હતું. હવે, રાહુલની જેમ જ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યના પ્રભારી પદેથી રાજીનામું હાઈકમાન્ડને સોંપી દીધું છે, પરંતુ હાઈકમાન્ડ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ આધિકારિક જાહેરાત કરાઈ નથી. 

गोहिल

જોકે, રાજ્યમાં હાલ કોંગ્રેસના વર્તુળોમાં અંદરો-અંદર એવી ચર્ચા જરૂર ચાલી રહી છે કે શક્તિસિંહ હવે બિહાર પાછા નહીં આવે. જેની સામે શક્તિસિંહનું ટ્વીટર એકાઉન્ટ કંઈક જુદી જ વાત જણાવી રહ્યું છે. ટ્વીટર પર ગોહિલ હજુ પણ બિહાર કોંગ્રેસના પ્રભારી છે. 

બિહાર કોંગ્રેસના નેતા ચંદ્રપ્રકાશનું માનવું છે કે, કોઈ એક કે બે નેતાના રાજીનામાથી પાર્ટીના પરાજયનો ઉકેલ આવવાનો નથી. પાર્ટીએ રાહુલ ગાંધીને રાજીનામું પાછું ખેંચવા અપીલ કરી છે અને શક્તિસિંહ ગોહિલનું રાજીનામું નહીં સ્વીકારવાનો પણ હાઈકમાન્ડને અનુરોધ કરાયો છે. આવી સ્થિતિમાં ટ્વીટર પર શું લખ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. 

જેડીયુએ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજીનામાના દોર અંગે કટાક્ષ જરૂર કર્યા છે. પાર્ટીના પ્રવક્તા રાજીવ રંજને જણાવ્યું કે, "કોંગ્રેસમાં આ પ્રકારની પરંપરા જુની છે. રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું, તેનું પરિણામ સામે છે. શક્તિસિંહ ગોહિલ પણ એ રાહ જોઈ રહ્યા છે કે રાહુલ ગાંધીની જેમ તેમનું રાજીનામું પણ સ્વીકારાશે નહીં. આ કારણે જ તેમણે ટ્વીટર એકાઉન્ટ પર પોતાનું સ્ટેટસ બદલ્યું નથી."

જોકે, બિહાર માટે શક્તિસિંહનો માર્ગ હવે પહેલા જેવો સરળ નથી. કેમ કે રાજ્યના તમામ મોટા નેતાઓ એક સુરમાં ગોહિલને પાર્ટીના પરાજય માટે જવાબદાર માની રહ્યા છે અને અંદરખાને તેમનો વિરોધ કરી રહ્યા છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news