અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને ગર્જ્યા ઉદ્ધવ, કહ્યું- 'ભાજપ કેમ હજુ સુધી રામ મંદિર બનાવી શક્યું નથી'

આશીર્વાદ ઉત્સવ માટે શનિવારે અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સવારે ભગવાન રામના જન્મસ્થળે રામલલ્લાના દર્શન કર્યાં.

અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને ગર્જ્યા ઉદ્ધવ, કહ્યું- 'ભાજપ કેમ હજુ સુધી રામ મંદિર બનાવી શક્યું નથી'

નવી દિલ્હી/અયોધ્યા: આશીર્વાદ ઉત્સવ માટે શનિવારે અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સવારે ભગવાન રામના જન્મસ્થળે રામલલ્લાના દર્શન કર્યાં. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે હોટલ પહોંચ્યા અને પ્રેસ કોન્ફન્સ કરી.  તેમની સાથે પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યાં. ઉદ્ધવ ઠાકરે આજે જ મુંબઈ માટે રવાના થઈ જશે. શનિવારે ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં સંતો સાથે મુલાકાત કરી હતી. તેમણે શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને રામ મંદિર માટે ચાંદીની ઈંટ ભેટ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર હતું અને રહેશે. પરંતુ દેખાતું નથી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જેમ બને તેમ જલદી થવું જોઈએ. રામ મંદિરના નિર્માણ માટે  કેન્દ્ર સરકારે વટહુકમ લાવવો જોઈએ. તેમણે ભાજપ પર નિશાન સાધતા  કહ્યું કે ભાજપ હજુ સુધી રામ મંદિર કેમ બનાવી શક્યુ નથી. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે બધા લોકો રામ-રામ કરે છે. ચૂંટણી બાદ આરામ કરે છે. 

હિંદુત્વ માર ખાશે નહીં, ચૂપ બેસશે નહીં-ઉદ્ધવ ઠાકરે

તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ હજુ સુધી રામ મંદિર બનાવી શક્યું નથી. જો મામલો કોર્ટમાં જ જવાનો હતો તો ચૂંટણી પ્રચાર દરમિયાન તેનો ઉપયોગ ન કરો અને જણાવી દો કે ભાઈઓ અને બહેનો અમને માફ કરો, આ પણ અમારો એક ચૂંટણી જુમલો હતો. હિંદુઓ અને તેમની ભાવનાઓ સાથે રમત ન રમો. હું આ જ કહેવા માટે અયોધ્યા આવ્યો છું. 

શિવસેના પ્રમુખે કહ્યું કે મેં સાંભળ્યું હતું કે મુખ્યમંત્રી યોગીજીએ કહ્યું કે મંદિર હતું અને રહેશે. આ તો આપણી ધારણા છે, આપણી ભાવના છે. દુ:ખની વાત એ છે કે તે જોવા મળી રહ્યું નથી. આ મંદિર ક્યારે જોવા મળશે. જેમ બને તેમ જલદી તેનું નિર્માણ થવું જોઈએ. 

અયોધ્યા LIVE: ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે રામલલ્લાના દર્શન કર્યા, 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે

તેમણે કહ્યું કે વારંવાર કહેવાય છે કે મંદિર ત્યાં બનાવીશું. પરંતુ ક્યારે બનાવશે. હિંદુત્વ માર ખાશે નહીં, ચૂપ બેસશે નહી. તેમણે કહ્યું કે હિંદુઓની ભાવનાઓ સાથે રમત રમવા દેવાશે નહીં. મને દુ:ખ થયું કે મેં રામલલ્લાના દર્શન કર્યા કે જેલના. તેમણે કહ્યું કે ગઈ કાલે સાધુ સંતોએ મને આશીર્વાદ આપ્યાં. મેં તેમને કહ્યું કે અમે જે કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ, તે તમારા બધા વગર પૂરું થઈ શકશે નહીં. અયોધ્યા આવવા પાછળનો મારો કોઈ છૂપો એજન્ડા નથી. હું અહીં દેશ દુનિયાના હિંદુઓની ભાવનાઓને રજુ કરવા આવ્યો. બધા રામ મંદિરની રાહ જોઈ રહ્યાં છે.  અત્રે જણાવવાનું કે ઉદ્ધવ ઠાકરેએ શનિવારે અયોધ્યામાં સંતોની મુલાકાત કરી હતી. તેમણે શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને રામ મંદિર માટે ચાંદીની ઈંટ ભેટ કરી હતી. 

ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે શનિવારે અયોધ્યા પહોંચ્યા હતાં. તેમણે સાંજે સરયૂ નદીના ઘાટે આરતી પણ કરી. તેમની સાથે પત્ની અને પુત્ર હાજર હતાં. તે અગાઉ  તેમણે એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું હતું કે હું અહીં ફક્ત ભગવાન રામના દર્શન કરવા માટે આવ્યો છું. હવે હું અહીં વારંવાર આવીશ. આ દેશના હિંદુઓ ઈચ્છે છે કે જ્યાં ભગવાન રામનું જન્મસ્થળ છે ત્યાં મંદિર બનવું જ જોઈએ. 

વધુમાં તેમણે કહ્યું હતું કે યાદ તેને કરાય જેને ભૂલી જવાય. રામલલ્લાને તો અમે ક્યારેય ભૂલી શકીએ નહીં. હિંદુત્વ અમારા લોહીમાં છે. અમને આજે મંદિર બનાવવા માટે તારીખ જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું અયોધ્યામાં રાજકારણ રમવા માટે આવ્યો નથી. હવે આ મામલે હિંદુઓ ચૂપ બેસશે નહીં. તેમણે કહ્યું કે જે રીતે સરકારે નોટબંધીનો ફેસલો લીધો તે જ રીતે રામ મંદિર બનાવવા માટે પણ ફેસલો લેવાવો જોઈએ. 

શિવસેના પ્રમુખે કહ્યું કે અમને આજે મંદિર બનાવવા માટે તારીખ જોઈએ. પહેલા મંદિર ક્યારે  બનશે તે જણાવો, બાકીની વાતો તો પછી પણ થતી રહેશે. આજે મને તારીખ જોઈએ છે. 

અત્રે જણાવવાનું કે શનિવારે અયોધ્યામાં આશીર્વાદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વીએચપી આજે ધર્મસભાનું આયોજન કરી રહી છે. આ માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચ્યા છે. અયોધ્યા એરપોર્ટ પર શિવસૈનિકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આખા રનવેને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. તેઓ પરિવાસ સાથે લક્ષ્મણ કિલ્લા પહોંચ્યા અને ત્યાં સાધુ સંતો સાથે મુલાકાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news