વિધાનસભા ચૂંટણીઃ રાજસ્થાનમાં ટિકિટ વહેંચણી મુદ્દે હોબાળો, રાહુલ તાત્કાલિક દિલ્હી દોડ્યા
રાજસ્થાન માટે હજુ પણ 48 બેઠક માટે મામલો ગુંચવાયેલો છે, આ એવી બેઠકો છે જેના અંગે કોંગ્રેસ પક્ષ હજુ નિર્ણય કરી શક્યો નથી. તેમાંથી એક ડઝન એવી બેઠકો પણ છે જેના અંગે અશોક ગેહલો, રાજેશ પાઈલટ અને રમેશ્વર ડુડી વચ્ચે જામેલી છે
Trending Photos
નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં 48 બેઠકોની વહેંચણીમાં કોયડો ગુંચવાઈ ગયા બાદ તેનો ઉકેલ લાવવા માટે રાહુલ ગાંધીને તેમનો મધ્યપ્રદેશ પ્રવાસ અધવચ્ચેથી છોડીને દિલ્હી પાછા આવવું પડ્યું છે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ માં સાંજે શહડોલનો પ્રોગ્રામ રદ કર્યો છે.
કોંગ્રેસ દિલ્હી પહોંચીને રાત્રે 8.00 કલાકે પક્ષના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષની સાથે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત, પ્રદેશ અધ્યક્ષ સચિન પાઈલટ, રામેશ્વર ડૂડી અને સ્ક્રિનિંગ કમિટીના ચેરપરસ્ન કુમારી શૈલજા સહિત સોનિયા ગાંધીના પૂર્વ રાજકીય સલાહકાર અહેમદ પટેલ તથા કોંગ્રેસના ચારેય સચિવની સાથે રાજસ્થાન માટે બનેલી કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીના 4 સભ્યો પણ સામેલ થશે.
જોકે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉપર આરોપ લાગ્યો છે કે, તેમણે પોતાનું વચન પાળ્યું નથી. રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં જણાવ્યું હતું કે, પક્ષના સાચા કાર્યકર્તાને જ ટિકિટ આપવામાં અવાશે. પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ અપાશે નહીં. મહિલાઓ અને યુવાનોની સંખ્યા વધારવામાં આવશે, પરંતુ કોંગ્રેસ દ્વારા જે લીસ્ટ બહાર પડાયું છે તે કંઈક જુદું જ ચિત્ર બતાવે છે.
કોંગ્રેસે હજુ બે દિવસ પહેલા જ પક્ષમાં જોડાયેલા દૌસાના સાંસદ હરીશ મીણા અે નાગોરના ધારાસભ્ય હબીબુર્રહેમાનને વિધાનસભાની ટિકિટ આપી છે. પક્ષના આ નિર્ણયથી કાર્યકર્તાઓમાં રોષ છે.
થોડા દિવસ પહેલા પક્ષમાં જોડાયેલા માનવેન્દ્ર સિંહના સમર્થકોને પણ ટેકિટ આપવામાં આવી છે, જેના અંગે પણ કાર્યકર્તાઓમાં પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
રાજસ્થાનમાં અનેક બેઠકો પર પક્ષ દ્વારા બહારના લોકોને ટિકિટ આપવાનો આરોપ લાગ્યો છે, સાથે જ મોટા નેતાઓને પોતાનાં બાળકોને ટિકિટ અપાવાનો આરોપ લાગ્યો છે. હકીકતમાં કોંગ્રેસની પ્રથમ યાદીમાંચ ભાઈ-ભત્રીજાવાદ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે.
જે નેતાઓના બાળકોને ટિકિટ આપવામાં આવી છે તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રફીક મંડેલિયાને ચૂરૂથી ટિકિટ અપાઈ છે, જે અહીંથી છેલ્લી ચૂંટણી હારી ચૂક્યા છે. કોંગ્રેસના નેતા મહિપાલ મદેરણાની પુત્રી દિવ્યાને પક્ષ દ્વારા વિધાનસભાની ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત, હીરાલાલ ઈન્દોરાના પુત્ર કુલદીપને પણ ચૂંટણી લડવાની તક અપાઈ છે. સહદેવ શર્માના પુત્ર પ્રશાંતને પણ તક મળી છે.
દ્વારિકા પ્રસાદ બૈરવાના પુત્ર પ્રશાંત, ગુલાબ સિંહના પુત્રગજેન્દ્ર સિંહ અને રામનારાયણ ચૌથરીની પુત્રી રિટા ચૌધરીને પણ ટિકિટ અપાઈ છે. આ તમામ બેઠકો એવલી છે, જેના પર કોંગ્રેસના કાર્યકર્તાઓ ટિકિટ માગી રહ્યા હતા.
આ ઉપરાંત મલખાન વિશ્નોઈના પુત્ર મહેન્દ્ર અને જુઝાર સિંહના પુત્ર ભરત સિંહને પણ પક્ષ દ્વારા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ લાગી રહ્યું છે કે જે રીતે પ્રથમ યાદી જાહેર કરાયા બાદ કાર્યકર્તાઓમાં હોબાળો મચ્યો છે, તેનાથી રાજસ્થાનમાં કોંગ્રેસની છબીને નુકસાન પહોંચી શકે છે. આથી તેઓ બાકીની 48 બેઠકો માટે કાર્યકર્તાઓને ન્યાય આપવા માગે છે. તેઓ તાત્કાલિક દિલ્હી આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે