અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ કર્યા દર્શન, હવે પાછા ફરી રહ્યાં છે શ્રદ્ધાળુઓ

આતંકી હુમલાના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને અટકાવાઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને તેમ જલદી કાશ્મીર ઘાટી છોડવાના નિર્દેશ અપાયા છે.

અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ કર્યા દર્શન, હવે પાછા ફરી રહ્યાં છે શ્રદ્ધાળુઓ

નવી દિલ્હી: આતંકી હુમલાના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને અટકાવાઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને તેમ જલદી કાશ્મીર ઘાટી છોડવાના નિર્દેશ અપાયા છે. આમ તો અમરનાથ યાત્રા 15 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના રોજ પૂરી  થવાની હતી પરંતુ તેને 14 દિવસ પહેલા જ અટોપી લેવાઈ છે. એક જુલાઈથી શરૂ થયેલી આ અમરનાથ યાત્રા દરમિયાન 2 ઓગસ્ટ સુધીમાં કુલ 3.43 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. શુક્રવારના રોજ  પ્રશાસન તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી સાથે જ 704 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતાં. હવે અમરનાથ યાત્રીઓ પ્રશાસનની એડવાઈઝરી બાદ કાશ્મીર ખીણથી પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યાં છે. 

અત્રે જણાવવાનું કે ભારતીય સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના માર્ગ પાસેથી પાકિસ્તાનમાં બનેલી બારૂદી સુરંગ અને અમેરિકી સ્નાઈપર રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત દૂરબીન અને આઈઈડીની સાથે જ વિસ્ફોટકોનો એક ગુપ્ત ભંડાર મળ્યો છે. સેનાના ટોચના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે અમરનાથ યાત્રા માર્ગ પર ચલાવવામાં આવેલા વ્યાપક સર્ચ ઓપરેશનમાં ગોળા બારૂદ મળી આવ્યાં છે. 

ચિનાર કોર્પ્સ કમાન્ડર, લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોએ શુક્રવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંમેલનમાં કહ્યું કે વ્યાપક સર્ચ બાદ પાકિસ્તાનની ફેક્ટરીમાં બનેલી બારૂદી સુરંગ, ટેલિસ્કોપ સાથે જ એક સ્નાઈપર રાઈફલ, ઈમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી), આઈઈડી કન્ટેઈનર, આઈઈડીની સાથે એક રિમોટ કંટ્રોલ મળી આવ્યાં છે. 

જુઓ LIVE TV

અધિકારીએ કહ્યું કે આ પ્રકારની બારૂદી સુરંગ ભીડભાડવાળા વિસ્તારમાં ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કે પછી એક કાફલામાં આગળ વધતા હો તેને ટારગેટ કરવા માટે આ એક આદર્શ હથિયાર છે. લેફ્ટેનન્ટ જનરલ ઢિલ્લોને કહ્યું કે આ વિસ્તારમાં હજુ  પણ સર્ચ ચાલુ છે. 

રાજ્યના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે આઈઈડી હુમલા વધી ગયા છે. આ વર્ષે કાશ્મીર ખીણમાં હુમલાના 10થી વધુ ગંભીર પ્રયત્નો કરાયા હતાં. આ પ્રયત્નો મોટા ભાગે પુલવામા અને શોપિયા જિલ્લામાં થયા હતાં. પરંતુ હવે તે દક્ષિણ કાશ્મીરમાં અલગ અલગ જગ્યાઓ પર ફેલાઈ રહ્યાં છે. વિશેષજ્ઞોએ આવા પાંચ સક્રિય વિસ્ફોટકો પકડી પાડ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news