વડોદરા-હાલોલ રોડ પર ટોલ પ્લાઝાની ઓફિસમાં ગળે ફાંસો ખાઇને યુવાનો આપઘાત

35 વર્ષનો આ યુવક પરિવાર સાથે હતો અને આર્થિક કારણોસર તેણે આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે, જોકે, તેણે લખેલી સ્યુસાઈડ નોટમાં આપઘાત માટે કોઈને દોષી ઠેરવ્યા નથી 
 

વડોદરા-હાલોલ રોડ પર ટોલ પ્લાઝાની ઓફિસમાં ગળે ફાંસો ખાઇને યુવાનો આપઘાત

રવી અગ્રવાલ/વડોદરાઃ વડોદરા-હાલોલ રોડ પર આવેલા ટોલ પ્લાઝાની ઓફિસમાં આજે એક 35 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં યુવકે આપઘાત માટે કોઈને પણ દોષી ઠેરવ્યા નથી અને પરિવારને પત્ની તથા બાળકને સાચવવાનું પણ કહ્યું છે.  

વડોદરા શહેરના વાઘોડિયા-આજવા રોડ પર આવેલા સી-403 રૂદ્રાક્ષ બ્લીઝમાં પત્ની ચાંદની અને દોઢ વર્ષના પુત્ર જશ સાથે રહેતો કૃણાલ વિનોદભાઇ ડોડિયા (35) હાલોલ-વડોદરા રોડ ઉપર વડોદરા ટોલ પ્લાઝા પર ઇલેકટ્રીકલ સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. આ સાથે તે પ્રાઇવેટ ઇલેક્ટ્રીશિયનનું પણ કામ કરતો હતો. કૃણાલના પરિવારજનોએ જણાવ્યું કે, કૃણાલ બુધવારે બપોરે 1 વાગે ઘરે જમવા માટે આવ્યો હતો. પત્નીને રાત્રે આવતા મોડું થશે, તેમ જણાવી પરત ઓફિસ ગયો હતો. 

મોડી રાત સુધી કૃણાલ પરત ન ફરતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી. જેમાં કૃણાલે ટોલ પ્લાઝાના આઇ.ટી. રૂમના પાછળના ભાગે વાયરથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હોવાની માહિતી મળી હતી. જોકે, પરિવારજનોએ કૃણાલે આપઘાત કર્યો નથી. પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ મૂક્યો છે. 

આત્મહત્યા કરનાર યુવાન કૃણાલ ડોડિયાએ અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, "હું કૃણાલ વિનોદરાય ડોડિયા જણાવવાનું કે, હું કોઇને કંઇ કહેવા નથી માંગતો, આ દુનિયા બહુ જ ખરાબ છે. મારો ભગવાન જાણે છે. મને જે ખોટી રીતે હેરાન કરે છે એના હું નામ આપવા નથી માંગતો. પણ મારી ચાંદની સીધી-સાદી છે. એને કોઇ હેરાન ન કરતા. હું આ જન્મમાં તો કાંઇ ના કરી શક્યો પણ આવતા જન્મમાં હું મારૂં નામ રોશન કરીશ. હું મારી ફેમિલીને બહુ જ પ્રેમ કરૂ છું. બધા ખુશ રહેજો. જિંદગી બીજી વખત મળી તો હું એક કાબિલ પતિ અને પિતા સાબિત કરી બતાવીશ. મારા એકાઉન્ટમાં જે પૈસા છે એ અમારા છે કે નહીં ખબર નથી. મને ફસાવવામાં આવ્યો છે. મારી ચાંદનીને તથા મમ્મી-પપ્પાને કોઇ તકલીફ ન આપતા. મારી સાથે બહુ મોટી રમત રમાઇ છે." 

ચાંદની તું પાર્લર ખોલીને જશને ખુબ આગળ વધારજે
યુવકે પત્નીને સંબોધીને વધુમાં લખ્યું છે કે, "મારૂ જે પણ છે. વસીયત બધી ચાંદનીને આપવા સરકારશ્રીને વિનંતી. ચાંદની તું જશનું ધ્યાન રાખજે. હિમંત રાખજે. મારી ફેમિલીને કોઇ હેરાન ન કરતા. બસ એજ આશા રાખુ છું. મારા પેટમાં પાપ નથી. બસ એજ જણાવુ છું. ચાંદની તું પાર્લર ખોલીને જશને ખુબ આગળ વધારજે. મારી ફેમીલી નિર્દોષ છે. એને કોઇ હેરાન ન કરતા. ચાંદની પર્સમાં મે એક ચેક રાખ્યો છે સાઇન કરેલો. જેના હોય એના લેઇ લેવા વિનંતી. હું સાચો છું, પણ હું ખોટો સાબિત થાઉં એવુ કર્યું છે. મારી ફેમીલીનો કોઇ વાંક નથી. સાચો માણસ હંમેશા આ દુનિયામાંથી વહેલો જાય છે. મારી ફેમીલીને હું બહુ જ યાદ કરીશ." 

મૂળ રાજકોટના રહેવાસી કૃણાલ ડોડિયાએ લખેલી અંતિમ ચિઠ્ઠી પ્રમાણે તેને રૂપિયા માટે કોઇ હેરાન કરતુ હતું. બીજી બાજુ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. હરણી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  

ટોલપ્લાઝા અસામાજિક તત્વોનો અડ્ડો
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હાલોલ-વડોદરા ટોલ પ્લાઝા બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ટોલનાકા પર કેટલાક લોકો દ્વારા ગુજરાત બહારની આવતી-જતી ગાડીઓ પાસે ટોલ ટેક્ષ ઉઘરાવી રહ્યા છે. આ ટોલ પ્લાઝા હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. આ ટોલ પ્લાઝા પર ગેરકાયદે ટોલ ટેક્ષ ઉઘરાવતા તત્વો અંગેની માહિતી તંત્ર પાસે પણ છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે ગુજરાત બહારની ગાડીઓ ટોલ પ્લાઝા પર અસામાજિક તત્વોનો ભોગ બની રહી છે.

પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન
હરણી પોલીસ સ્ટેશનના એએસઆઇ ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું, યુવાન પાસેથી મળેલી આવેલી સુસાઇડ નોટ અને પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે યુવાને આત્મહત્યા કરી હોવાનું જણાય છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news