અમદાવાદમાં યુવતીની છેડતીને મુદ્દે થયેલી મારામારીમાં એકની હત્યા
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગર ચાર રસ્તા પાસે યુવતીની છેડતી અને મારામારીની ઘટના
Trending Photos
અમદાવાદ. અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગર ચાર રસ્તા પાસે બુધવારે રાત્રે યુવતીની છેડતી અને મારામારીની ઘટનામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. યુવતીની છેડતી બાબતે યુવકે અન્ય યુવકને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. સેટેલાઇટ પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સેટેલાઈટના રામદેવનગર ચાર રસ્તા પાસે આવેલા વાલ્મીકિ વાસમાં મિલન ઉર્ફે સંજય બાબુભાઇ વાઘેલા તેના પરિવાર સાથે રહે છે. તેમના જ વાસમાં અમિત ચંદ્રકાંતભાઇ રિજાકર પણ તેના પરિવાર સાથે રહે છે. ગઇ કાલે રાત્રે ૧૦.૧પની આસપાસ જાહેર રોડ પર સંજય પસાર થતો હતો. આ દરમ્યાન તેણે પોતાના ઘરની બહાર ઊભેલી હિના રિજાકરની છેડતી કરી હતી.
યુવતીએ આ અંગે ઘરમાં જઈને પોતાના માતા-પિતાને જાણ કરતાં તેઓએ બહાર આવીને સંજયને આ બાબતે ઠપકો આપ્યો હતો. બોલાચાલી ઉગ્ર થઈ જતાં સંજયનો ફોઇનો દીકરો અને અન્ય સંબંધીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. બીજી તરફ હિનાનો ભાઈ અમિત રિજાકર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને સંજય તથા તેના સંબંધીઓ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
વાત એટલી આગળ વધી ગઈ કે બંને પક્ષો મારામારી પર આવી ગયા હતા. ઘટના અંગે વધુ વિગતો આપતા સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી. ખાંભલાએ જણાવ્યું કે, મારામારી દરમિયાન યુવતી હીનાના ભાઈ અમિતે તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે સંજયના ફોઇના 22 વર્ષીય દીકરા યશ પુરબિયા પર હુમલો કરી દીધો હતો. તેણે યશના શરીર પર તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત યશને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપી અમિત ફરાર થઇ ગયો હતો.
છેડતી અને મારામારી બાબતે હિનાએ સંજય સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સંજયે તેના ફોઇના દીકરાની હત્યા મામલે આરોપી અમિત સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ચાર આરોપીઓમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે