જામનગરના યુવા પોલીસ કર્મચારીએ પત્ની સાથે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારીએ શહેરના શરૂસેક્સન રોડ પર આવેલ પોલીસ હેડકવાર્ટરમાં પોતાના રહેણાંક મકાનમાં ગત રાત્રીના સમયે પોતાની પત્ની સાથે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે

જામનગરના યુવા પોલીસ કર્મચારીએ પત્ની સાથે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

મુસ્તાક દલ, જામનગર: જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારીએ શહેરના શરૂસેક્સન રોડ પર આવેલ પોલીસ હેડકવાર્ટરમાં પોતાના રહેણાંક મકાનમાં ગત રાત્રીના સમયે પોતાની પત્ની સાથે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાથી પોલીસ બેડામાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચાવી દેનારા આ અતિ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરુ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટરના બ્લોક નંબર બી- 35 રૂમ નંબર 439માં રહેતા અને પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સેબલ ભરતભાઈ માવજીભાઈ જાદવ (ઉ.વ 28) એ ગઈકાલે પોતાની પત્ની જાગૃતીબેન (ઉંમર વર્ષ 23) સાથે ગળાફાસા દ્વારા આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે.

આ બનાવ અંગે મૃતક જાગૃતીબેનના પિતા રમેશભાઈ પ્રેમજીભાઈ સિંધવ કે જેઓ જામનગરમાં એરફોર્સ રોડ ખેતીવાડી ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહે છે, તેઓએ પોલીસને જાણ કરી હોવાથી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બન્ને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો અને જામનગરની જી.જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયા હતા. ત્યાર પછી ભરતભાઈ જાદવનું વતન ધ્રોલ તાલુકાના જાલીયાવાણી ગામનું હોવાથી પોલીસ હેડકવાર્ટરમાં સલામી આપ્યા પછી મૃતદેહોને અંતિમવિધિ માટે વતનમાં લઈ જવાયા હતા.

સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે કોઇ અગમ્ય કારણોસર બંન્ને એ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. પરંતુ બંને વચ્ચે ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરતભાઈ જાદવ જામનગરના પોલીસબેડામાં ચાર વર્ષ પહેલા જોડાયા હતા અને તેમના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા થયા હતા. જે લગ્ન થકી 6 માસનું બાળક ધ્રુવ કે જે હાલ નોંધારું બની ગયું છે.

નાનું બાળક કે જે હજી પોતાના માતા પિતાને જોયા પણ નથી અને ઓળખતું પણ નથી થયું, તે પહેલાં જ માતા- પિતા બંનેનું છત્ર ગુમાવી દીધું હોવાથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા છે. પોલીસ કર્મચારી ભરતભાઈ ગઈકાલે બપોરે અઢી વાગ્યા સુધી પોતાની ફરજ પર હતા ત્યાર પછી ઘેર પહોંચ્યા હતા. જ્યાં શું બન્યું તે જાણી શકાયું નથી પરંતુ પ્રથમ જાગૃતીબેને ગળેફાંસો ખાઇ લીધો હતો જે અંદરના રૂમમાં હોવાનું અનુમાન લગાવાયું છે, ત્યાર પછી ભરતભાઈ એ દરવાજાનો નકૂચો તોડી અંદર ગયા હતા અને આ ઘટનાને જોઈને હેબતાઈ ગયા હશે ત્યાર પછી તેણે પણ ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

આપઘાત કરનાર પોલીસ કર્મી ભરતભાઈ અને તેમના પત્ની બંનેના મોબાઈલ ફોન સતત નો રીપ્લાય થતા હતા , મૃતક જાગૃતીબેન તેમના પિતા સાથે દરરોજ મોબાઇલ ફોન પર વાતચીત કરતી હતી, પરંતુ ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી એક પણ ફોન રિસિવ થયા ન હતા. તે જ રીતે ભરતભાઈને પણ પોલીસ મથકે બોલાવવા માટે ના ફોન કર્યા હતા પરંતુ નો રીપ્લાય થતા હતા. જેથી જાગૃતીબેનના પિતા રમેશભાઈ ઘર સુધી પહોંચ્યા હતા જ્યાં નિરીક્ષણ કરતા દરવાજો અંદર થી બંધ હતો.

આખરે દરવાજો તોડવાની ફરજ પડી હતી અને આસપાસના પોલીસ હેડ કવાટર્સના અન્ય રહેવાસીઓ ને બોલાવી અંદર જઈને નિરીક્ષણ કરતા બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી રમેશભાઈ ભાંગી પડ્યા હતા. બંને મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત જામનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અને સીટી બી ડિવિઝન નો સ્ટાફ પણ પોલીસ હેડકવાર્ટરમાં દોડી આવ્યો હતો. જામનગરના ડીવાયએસપી એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાવની ઉડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news