આ છે ગુજરાતની શિક્ષક વિનાની શાળા, વાલીઓ જાતે ભણાવવા માટે બન્યા મજબૂર

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ખોલવાડિયા વાસના 60 જેટલા વિધાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે

આ છે ગુજરાતની શિક્ષક વિનાની શાળા, વાલીઓ જાતે ભણાવવા માટે બન્યા મજબૂર

અલ્કેશ રાવ/ પાલનપુર: રાજ્યમાં ભલે સરકાર આધુનિક શિક્ષણના બણગાં ફૂંકતી હોય પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની પરિસ્થિતિ બદતર છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના છગનજી ગોળીયા ગામના વિધાર્થીઓની કે જ્યાં બાળકોને શિક્ષકો નહીં પરંતુ તેમના પરિવારજનો શિક્ષણ આપી રહ્યા છે. વારંવાર અલગ શાળા માટે રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ ન આવતા બાળકો ઘરના આંગણામાં બેસી શિક્ષાના પાઠ ભણી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ખોલવાડિયા વાસના 60 જેટલા વિધાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. ધોરણ 1 થી 5 માં ખોલવાડિયાવાસના 60 જેટલા બાળકોને અભ્યાસ અર્થે પોતાના વિસ્તારથી 3 કિલોમીટર દૂર ચાલીને જવું પડતું હતું. એક બાજુ નાના માસૂમ વિધાર્થીઓ અને સ્કૂલે જવાનો વિરાન 3 કિલોમીટરનું લાબું અંતર જેના કારણે સ્કૂલે એકલા જતા બાળકોના વાલીઓ જ્યાં સુધી બાળકો ઘરે ન આવે તે માટે ચીંતામાં રહેતા હતા. જેથી તેમણે તેમના વિસ્તારમાં સ્કૂલ બનાવવાની અનેકવાર શિક્ષણ વિભાગ પાસે માંગ કરી પણ લાંબા સમયથી માંગ ન સંતોષાતા આખરે છેલ્લા 15 દિવસથી વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મુકવાનું બંધ કર્યું છે. પોતે જ બાળકોને ઘરે એકઠા કરીને શિક્ષણ આપી રહયા છે.

સરકાર એક તરફ ગુણવત્તા સભર શિક્ષણની વાતો કરે છે. જ્યારે બીજી તરફ પરિસ્થિતિ જુદી જ છે. છેલ્લા 15 દિવસથી બાળકો શાળાએ જતાં નથી. શાળાના બાળકો ને ચોમાસામાં ચાર માસ બહુ તકલીફ પડે છે. જેના કારણે બાળકો શાળાએ જતા નથી. વાલીઓએ આખરે કંટાળી બાળકોને જાતે ભણાવવાનું શરૂ કર્યું છે. બાળકોને ખોલવાડિયા પરામાં જ એક ઘરના લીમડા નીચે બાળકોને ભણાવી રહ્યા છે. જે 60 બાળકો ભણવા આવે છે તે તમામ બાળકોના પરિવારજનો પણ તેમના બાળકોને ભણાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ 60 જેટલા બાળકોને કોઈ શિક્ષક નહીં પરંતુ આ બાળકોના પરિવારજનો શિક્ષણ આપી રહ્યા છે.

એક બાજુ ચોમાસાની ઋતુ અને બીજી બાજુ શાળા 3 કિલોમીટર દૂર અને એમાં પણ માસૂમ વયના વિધાર્થીઓ હોવાથી વાલીઓ પોતાના બાળકોને દૂર શાળામાં મુકતા ડરી રહ્યા છે તો બીજું બાજુ બાળકોનું શિક્ષણ કર્યા ન બગડે તે માટે ઓછું ભણેલા વાલીઓ બાળકોને ઘરે જ શિક્ષણ આપવા મજબૂર બન્યા છે.

રાજ્ય સરકાર અનેક પ્રયત્ન કરે છે. પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. લાખણી તાલુકા મથકથી 7 કિમીના અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સ્થાનિક સત્તાધારી અધિકારીઓએ આ મામલે સમગ્ર દોષનો ટોપલો વાલીઓ પર મૂકી રહ્યા છે. સૌથી અગત્યની બાબત એ છે કે છેલ્લા 15 દિવસ થી આ બાળકો શાળાએ જતા નથી. ત્યારે હજુ સુધી આ બાળકો કે વાલીઓની સમસ્યા જાણવા અધિકારીઓ આવ્યા નથી.

એક બાજુ વાલીઓની બાળકોની ચિંતા કરીને તેમના માટે સ્કૂલ બનાવવાની માંગ તો બીજી બાજુ શિક્ષણ વિભાગની વિધાર્થીઓની ચિંતા કર્યા વગર આંખ આડા કાન કરવાની નીતિ વચ્ચે માસૂમ બાળકો અભ્યાસ વગર પીસાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં અનેક એવા ગામડાઓ છે જ્યાં શિક્ષણ મામલે અનેક પ્રશ્નો છે. આ પ્રકારની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ છે જે આજે પણ શાળામાં સુવિધાઓના અભાવે શિક્ષણ છોડી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news