જ્યાં સૌથી વધુ વરસાદ પડે ત્યાં જ પાણીનો પોકાર, કપરાડામાં ભર શિયાળે પાણી માટે લોકોના વલખા

સામાન્ય રીતે પાણીની સમસ્યા ઉનાળામાં વધુ જોવા મળતી હોય છે. પરંતુ જો શિયાળાની સીઝનમાં પાણીની સમસ્યા સામે આવે તો તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠે છે. વલસાડ જિલ્લામાં ભર શિયાળે પાણી માટે લોકો પરેશાન છે.
 

જ્યાં સૌથી વધુ વરસાદ પડે ત્યાં જ પાણીનો પોકાર, કપરાડામાં ભર શિયાળે પાણી માટે લોકોના વલખા

વલસાડઃ  ભર શિયાળામાં આમ તો હાડ થીજવતી ઠંડીથી લોકો પરેશાન હોય છે. પરંતુ વલસાડમાં કેટલાક ગામ એવા છે જ્યાં ભર શિયાળે પાણી માટે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે ત્યાં જ ભર શિયાળામાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. તો આવો જોઈએ આ ખાસ અહેવાલમાં કે કપરાડામાં કેમ શિયાળામાં જ ઉઠવા લાગે છે પાણીનો પોકાર....

ગાઢ જંગલો, ઊંચા ઊંચા પહાડો અને કુદરતી સૌંદર્યનો અદભૂત ખજાનો એટલે વલસાડ જીલ્લો. તો વલસાડનો કપરાડા એટલે દક્ષિણ ગુજરાતનું ચેરાપૂંજી. જ્યાં સૌથી વધુ મેઘરાજાની મહેર જોવા મળે છે. પરંતુ તંત્રના પાપે હવે દક્ષિણ ગુજરાતના ચેરાપૂંજી કપરાડામાં જ ભર શિયાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. બુરવડ ગામના લોકોને સવાર પડતા જ કડકડતી ઠંડીમાં પાણીના બે બેડા માટે રઝળપાટ કરવાનો વારો આવે છે.

ઘરે ઘરે 100 ટકા નળથી જળ આપવાના સરકારના દાવા કપરાડામાં પોકાળ સાબિત થઈ રહ્યા છે. કપરાડા અને ધરમપુરના અંતરિયાળ ગામડાના લોકોની પાણી સમસ્યાનો અંત લાવવા 586 કરોડની એસ્ટોલ યોજના અમલમાં મૂકવામાં આવી છે. પંરતુ તંત્રના પાપે યોજનાના અમલના થોડા દિવસ બાદ જ કપરાડામાં ઘરે ઘરે નળથી જળ આવવાનું બંધ થઈ ગયું હતું અને તંત્રની આળસું નીતિના લીધે જ લોકોને હજુ પણ પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવી રહ્યો છે.

બુરવડ ગામના લોકોને સવાર પડતાની સાથે કડકડતી ઠંડી વચ્ચે એકથી બે કિલોમીટર પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવે છે. બોર અને કૂવા છે પરંતુ પાણી પાતાળે પહોંચ્યું છે. જેથી કૂવામાંથી એક બેડું પાણી ભરવામાં પણ એકથી બે કલાકનો સમય જાય છે. કપરાડામાં રહેતા આદિવાસીઓ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે પાણી માટે કલાકો સુધી રઝળપાટ કરવો તેમને પોસાય તેમ નથી. જેથી વહેલી તકે પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની લોકો માગ કરી રહ્યા છે.

ઘરે ઘરે નળથી જળ આપવાના તંત્રના દાવા કપરાડામાં તો પોકળ સાબિત થઈ રહ્યા છે. ભર શિયાળે જ લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવે છે...તો પછી ઉનાળો તો વધુ આકરો બનશે તેમાં કોઈ બેમત નથી. જેથી બુરવડ ગામના લોકો ઉનાળા પહેલાં જ તાત્કાલિક યોગ્ય કામગીરી કરી ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાની માગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news