ગુજરાતના આ શહેર લોકો પીવાના પાણીની જાતે વ્યવસ્થા કરી લેજો, નળમાંથી નહિ આવે પાણી
Water Cut In Vadodara : વડોદરામાં ફાજલપુર ફ્રેન્ચવેલની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ.... 10 દિવસ છતાં નથી કરાઈ લીકેજ રિપેરિંગની કામગીરી.... પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી વચ્ચે લાખો લીટર પાણીના વેડફાટ માટે કોણ જવાબદાર?
Trending Photos
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : જો તમે વડોદરા શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં રહો છો, તો આજે જ પીવાના પાણીની વ્યવસ્થા કરી લેજો નહિ તો છેલ્લી ઘડીએ પીવાના શુદ્ધ પાણી માટે તમારે હવાતિયાં મારવા પડશે. ફતેગંજ વિસ્તારમાં ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે, જેના સમારકામની કામગીરી આવતીકાલથી હાથ ધરવામાં આવશે, જેને લઈ લાખો લોકોને પાણી વગર ટળવળવું પડશે.
આ વિસ્તારના લોકોને નહિ મળે પાણી
વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી પસાર થતી ફાજલપુર ફિડરની મુખ્ય પાણીની લાઈન ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં વસતા લાખો નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડે છે. ત્યારે આ મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 10 દિવસથી અહી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગે હોળી પહેલા ભંગાણનું સમારકામ પણ કર્યું પણ તેમા સફળતા મળી નહીં, જેના કારણે હવે આવતીકાલથી ફાજલપુર અને રાયકા દોડકા મુખ્ય ફિડર લાઇન બંધ કરી ભંગાણ પડેલ પાણીની લાઇનનું સમારકામ હાથ ધરશે. જેના કારણે આશરે 5 લાખ લોકો પીવાના શુદ્ધ પાણીથી બે થી ત્રણ દિવસ સુધી વંચિત રહેવું પડશે.
પાણીના બે મુખ્ય સ્ત્રોત બંધ કરવાથી કેટલા લોકોને અને કઈ ટાંકીના વિસ્તારના લોકોને અસર થશે તેની વાત કરીએ તો…
1. ઉત્તર અને દક્ષિણ ઝોનના 5 લાખ લોકોને બે થી ત્રણ દિવસ નહીં મળે પાણી
2. છાણી ગામ, TP 13, છાણી જકાતનાકા, સમા ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, પરશુરામ બૂસ્ટર, બકરાવાડી બૂસ્ટર વિસ્તારમાં રહેતા લોકોને નહીં મળે પાણી
3. તારીખ 2 એપ્રિલથી સવારે 10 વાગે કામગીરી શરુ થશે, જે રાત્ર 10 વાગ્યા સુધી ચાલશે.
ભાજપની અણઆવડત છે - કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુમાં જ્યારે નાગરિકોમાં પાણીનો બેવડો વપરાશ થતો હોય ત્યારે જો પાણી કાપ સર્જાય તો લોકો મુશ્કેલીમાં મુકાશે. આવામાં પાલિકા દ્વારા કરવામાં આવતી ગોકળ ગતિની કામગીરી સામે નાગરિકોમાં તો રોષ છે જ. તેમજ તેની સાથે વિપક્ષે પણ પાલિકાનો ઉધડો લીધો છે. સમગ્ર મામલે વડોદરા પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષના ભાજપના શાસન દરમિયાન પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી નથી કરી એ સૌથી મોટી અણઆવડત છે. જેના કારણે લાખો લોકો હેરાન થઈ રહ્યા છે. પૂર્વ વિસ્તારના લોકો બાદ હવે ઉત્તર અને દક્ષિણ ઝોનના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
મહત્વની વાત છે કે બે દિવસ પહેલા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પૂર્વ વિસ્તારના લાખો લોકોને પીવાના પાણી વગર હેરાન થવું પડ્યું હતું, હવે ઉત્તર અને દક્ષિણ વિસ્તારના નાગરિકોને હેરાન થવું પડશે, ત્યારે પાલિકાએ લોકો માટે ટેન્કર તેમજ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી લોકોને ભર તડકે પાણી માટે તડફડિયા મારવાનો વારો ન આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે