સુરતમાંથી કરોડોનું ટિકિટ કૌભાંડ પકડાયું, IRCTCની સિક્યુરિટી તોડીને ટિકિટ કન્ફર્મ કરાતી

Surat Ticket Scam : સુરતમાં એકતા ટ્રાવેલ્સમાં પાડ્યા દરોડા, 4.50 કરોડના ટિકિટ કૌભાંડ ઝડપાયું, IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ IDથી કન્ફર્મ ટ્રેન ટિકિટ થતી હતી બુક, વિજિલન્સ અને સ્થાનિક પોલીસે દરોડા પાડી કરી કાર્યવાહી

સુરતમાંથી કરોડોનું ટિકિટ કૌભાંડ પકડાયું, IRCTCની સિક્યુરિટી તોડીને ટિકિટ કન્ફર્મ કરાતી

Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં વિજિલન્સે દરોડા પાડ્યા હતા. જ્યાં સોફ્ટવેરની મદદથી IRCTCની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડ્યો હતો. વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી પાડેલા દરોડા વેળા રાજેશ મિત્તલના ઘરેથી ૯૭૩ બોગસ આઈડી, પાંચ લેપટોપ અને ૫ હાઈસ્પીડ રાઉટર મળી આવ્યા છે. આ સાથે જ નેક્સસ અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા. આ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ૪.૫૦ કરોડ રૂપિયાની કિંમતની ઈ-ટિકિટ બુક કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

  • સુરતમાં રૂ 4.50 કરોડનું ટીકીટ કૌભાંડ
  • IRCTC ની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ આઈડી દ્વારા કન્ફર્મ ટ્રેન ટીકીટ બુક થતી હતી
  • IRCTC ની ફાયરવેલ પ્રોટેક્શન સિસ્ટમમાં છીંડા દેખાયા
  • ગડર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ-ટિકિટ બુક થઈ
  • રાજેશ મિત્તલ અને કૃપા પટેલની ધરપકડ કરવામાં આવી

મુંબઈ વિજિલન્સ વિભાગમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિટીલાઈન સ્થિત મેઘસમરન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ગિરધારી મિત્તલ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિલિજન્સની એક ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ૨૫મી જૂનને મંગળવારે સિટીલાઈટ સ્થિત મેઘસમરન એપાર્ટમેન્ટમાં રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડયા હતા. આ સમયે તેઓ બેડમાં એકસાથે પાંચ લેપટોપ ઓપરેટ કરી ટ્રેનની ઈ-ટિકિટ બુકિંગ કરી રહ્યા હતા. 

પ્રાથમિક તપાસમાં ગડર અને નેક્સશ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો કરતા હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં તેમના સોફ્ટવેરમાંથી ૪.૫૦ કરોડ રૂપિયાના મૂલ્યની ઈ-ટિકિટ બુક થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ફોજદારી ગુનો નોંધાવાતા પોલીસે રાજેશ ગિરધારી મિત્તલ અને કૃપા દિનેશભાઈ પટેલ ની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે એકતા ટ્રાવેલ્સને ત્યાંથી ઝડપાયેલા ટિકિટ બુકિંગના વેપલા બાદ IRCTCની ફાયરવેલ પ્રોટેક્શન સિસ્ટમમાં છીંડા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે IRCTCની વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ કરતી વેળા મુસાફરોના નામ એન્ટર કર્યા બાદ ઓટીપી, કેપેચા સહિતનો ડેટા ફીડ કરવો પડે છે. પરંતુ ખાસ પ્રકારના સોફટવેર અને ફાયરવેલ સિસ્ટમ હેક કરીને એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલે આખી સિસ્ટમ બાયપાસ કરી દીધી હતી. માત્ર મુસાફરોના નામ એન્ટર કરતાં જ પેમેન્ટનો ઓપ્શન આવી જાય છે. તેમજ અગાઉ જ બેંક ડિટેઈલ અપલોડ હોવાથી ઓટીપી વગર સીધેસીધું પેમેન્ટ પણ થઈ જાય છે. 

વિજિલન્સે ટેક્નિકલ સ્ટાફની મદદથી લેપટોપમાંથી મળેલા ગડર નામના સોફટવેરની ઊલટતપાસ કરાવી હતી. આ તપાસમાં ગડર સોફટવેરથી ૩૬૦૦ ઈ-ટિકિટ બુક થઈ હોવાનું ખૂલ્યું હતું. જેને કિંમત ૨.૮૮ કરોડ રૂપિયા થાય છે. આ સાથે જ ૧૨ ચોપડા પણ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં રાજેશ મિત્તલના ઘરમાંથી 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. આ બેંક એકાઉન્ટ રાજેશ મિત્તલ, યશ મિત્તલ, સુધા મિત્તલ અને અંચલ મિત્તલના નામે છે. આ બેંકખાતા અલગ અલગ બેંકમાં ખોલાવ્યા હતા. તેમજ આ તમામ બેંકખાતામાંથી વ્યવહાર થયા હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news