ગુજરાતના મુખ્યમંત્રી પહોંચ્યા દિલ્હી, આજે ભવ્ય રોડ શો કરીને વાઈબ્રન્ટ સમિટનો કરાવશે પ્રારંભ
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં વાઈબ્રન્ટ (vibrant gujarat) સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit) અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે દિલ્હીમાં ભવ્ય રોડ-શો યોજાશે. આજે દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) બેઠક યોજશે. આ ઉપરાંત સીએમ પટેલ વિવિધ દેશોના રાજદૂત સાથે પણ બેઠક કરશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે. તેઓ વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ દર્શાવતો રોડ-શો કરશે. તેમજ ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી વન-ટુ-વન બેઠકો કરશે. વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક અને વાયબ્રન્ટ સમિટ 2022 નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે. આ કર્ટેન રેઝર કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે અને સંબોધન કરશે. બપોરે 12 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે અને વિદેશમંત્રી ડૉ એસ જયશંકર સાંજે 7.30થી 8 દરમિયાન જોડાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીમાં સવારે ૯ થી સાંજે ૭ દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો – અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૨૨ સંદર્ભે બેઠકો યોજશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથે કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠક કરશે. તેઓ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાતની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ આજે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે. જેમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર પણ હાજર રહેશે.
આ પણ વાંચો : સુરતીઓમાં લગ્નને યાદગાર બનાવવાની હોડ લાગી, યુવક હેલિકોપ્ટરમાં જાન લાવ્યો, તો દીકરીને કન્યાદાનમાં અપાઈ સોલાર પેનલ
આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણ ના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને અનુસંધાને આ વર્ષની વાયબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 10 થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે
આજે દિલ્હીમાં, તો 2 ડિસેમ્બરે મુંબઈમાં રોડ શો યોજાનાર છે. તથા લખનઉ, ચેન્નાઇ, હૈદરાબાદમાં પણ રોડ-શો થશે. એટલું જ નહીં, તો અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુકે અને જાપાનમાં પણ વાયબ્રન્ટનો પ્રચાર-પ્રસાર થશે. આ ઉપરાંત મંત્રીઓ અને અધિકારીઓના વિવિધ ડેલિગેશન પણ અલગ-અલગ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. નોંધનીય છે કે, આગામી 10 જાન્યુઆરી 2022થી પ્રધાનમંત્રી મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ સમિટ અલગ હશે. કારણ કે કોરોના મહામારી બાદ ગુજરાતની આ પહેલી મોટી ઈવેન્ટ છે અને વાયબ્રન્ટ સમિટ સુધીમાં 10 જેટલી પ્રિવાઈબ્રન્ટ ઈવેન્ટ પણ યોજવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે