સર સયાજીરાવનું વડોદરા વર્લ્ડ લેવલે ઝળહળશે, ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 80 ટકા બનીને તૈયાર

International Cricket Stadium : ગુજરાતમાં ક્રિકેટના હબ કહેવાતા વડોદરામાં બની રહ્યું છે ઈન્ટરનેશનલ કક્ષાનું સ્ટેડિયમ... આખરે આગામી વર્ષે આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે
 

સર સયાજીરાવનું વડોદરા વર્લ્ડ લેવલે ઝળહળશે, ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 80 ટકા બનીને તૈયાર

International Cricket Stadium રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાનું વર્લ્ડ ક્લાસ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું કામ હવે પૂર્ણ થવાના આરે છે, 215 કરોડના ખર્ચે બનેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની શું છે વિશેષતા અને ક્યારથી વડોદરાવાસીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ફરી વખત જોવાનો લહાવો મળશે જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં.

BCCI 100 કરોડ રૂપિયા આપશે
વડોદરા શહેર નજીક બરોડા ક્રિકેટ એસોશિયેશન (BCA) દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના નવા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં જારી છે. આ સ્ટેડિયમ વડોદરા-હાલોલ હાઇવે પર કોટંબી ગામ પાસે બની રહ્યું છે અને તેનું કામ 80 ટકા પૂર્ણ થઇ ગયું છે. તેમજ આગામી માર્ચ 2023 સુધી સંપૂર્ણ કામ પૂરું થવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર જૂન 2023 બાદ BCCI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પણ આયોજીત કરવામાં આવી શકે છે. જેને લઈ બરોડા ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશોએ BCCIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે માંગણી પણ કરી છે. વર્લ્ડ ક્લાસ મેદાન માટે BCCI 100 કરોડ રૂપિયા આપશે.

બરોડા ક્રિકેટ એસોશિયેશનનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ માટે જમીન ઘણા સમય પહેલા લેવાઇ ગઇ હતી, પણ કામ શરૂ થયું ન હતું. માર્ચ 2021માં કોટંબી ખાતે સ્ટેડિયમ બનાવવાનું કામ શરૂ કર્યું છે. જે માર્ચ 2023માં કામ પૂર્ણ થવાની શક્યતા છે. કોટંબી સ્ટેડિયમનું જે 80 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. તેમાં ખેલાડીઓને રમવા માટેની પીચ સહિતનું મેદાન સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલ સ્થાનિક મેચો યોજાય છે. હવે માત્ર સ્ટેડિયમાં બેઠક વ્યવસ્થા અને ફર્નિચરનું કામ જારી છે. જે પણ આગામી માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે. વડોદરામાં છેલ્લે વર્ષ 2010માં 4 ડિસેમ્બરના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રિલાયન્સ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ વન ડે રમાઇ હતી. હવે વર્ષો બાદ કોટંબીના સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય પહેલી મેચ રમાશે. એટલે કે આ મેદાનનો કોઇ જૂનો રેકોર્ડ નથી. જે રેકોર્ડ સ્થપાશે તે આ મેદાન માટે નવા જ હશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના વિશેષતાઓની વાત કરીએ તો..
42 એકર જમીન પર બની રહ્યું છે સ્ટેડિયમ
215 કરોડના ખર્ચે બનશે સ્ટેડિયમ
32 હજાર લોકો બેસી શકે તેટલી ક્ષમતા
100 CCTV
13 લિફ્ટ
વરસાદ પડે તો 20 મિનિટમાં મેદાન કોરું થઇ જશે
2 BCCI અને BCA પ્રેસિડેન્ટ પ્રમિયમ બોક્સ
DMX કંટ્રોલ અને RDM સોફ્ટવેરથી સંચાલિત ફ્લડ લાઇટ્સ
500 VVIP બેસી શકે તેવી વ્યવસ્થા
લોન્જ, ફૂડ સ્ટોલ
દરેક ફ્લોર પર બાલ્કની અને રેસ્ટ રૂમ્સ
દિવ્યાંગ પ્રેક્ષકો માટે એલિવેટર્સ અને રેમ્પસ
સિક્યોરિટી કંટ્રોલ સેન્ટર

ખેલાડીઓ માટે સુવિધા
ઇન્ડોર સ્વિમિંગ પુલ
ઇન્ડોર પ્રેક્ટિસ માટે 5 વિકેટ
જીમ
ફિઝિયો-મેડિકલ રૂમ
વોર્મ અપ એરિયા
આઇસ-હોટ વોટર બાથ
ટીવી, પ્રોજેક્ટર અને લોકર રૂમ
કિચન અને ડાઇનિંગ એરિયા

સ્ટેડિયમના વિવિધ સ્ટેન્ડની ખાસિયતો
ઉત્તર- માત્ર મીડિયા અને કોમેન્ટેટર્સની બેઠક
દક્ષિણ-VVIP, કોર્પોરેટ, BCA એક્ઝિક્યુટિવ બોક્સ, 5685 VIP બેઠકો
પૂર્વ- લેવલ 1થી 4માં 12809 બેઠકો
પશ્ચિમ- લેવલ 1થી 4માં 12809 બેઠકો

ત્રણ માળનું સ્ટેડિયમ
ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્ડોર પ્રેક્ટિસ માટે 5 વિકેટ
પહેલા માળે 100 બેઠકો સાથેનો પ્રેસ કોન્ફરન્સ હોલ
બીજા માળે 170 મીડિયાકર્મીઓ બેસી શકે તેની વ્યવસ્થા
ત્રીજા માળે 6 કોમેન્ટેટર બોક્સ અને સ્ટુડિયો રૂમ

સ્ટેડિયમની અન્ય ખાસિયતો
સોલાર પેનલ
બે કૃત્રિમ પોન્ડ
વ્હિલચેર સ્ટેડિયમાં ટોપ લેવલ સુધી જઇ શકશે
1.2 મીટરના એલિવેટર
વોટર કન્ઝર્વેશન સિસ્ટમ
ટેનિસ અને વોલિબોલ ગ્રાઉન્ડ
સેટેલાઇટ અપલિંક યાર્ડ
2 વિશાળ LED સ્ક્રિન
ભવ્ય એન્ટ્રન્સ
પીચ અને મેદાનની ખાસિયત
BCCI અને ICCના નિયમો પ્રમાણે સેન્ડ બેઝ ગ્રાઉન્ડ
ત્રણ લેયરની વિકેટ, 90 યાર્ડ લાંબી બાઉન્ડ્રી
મેદાન બનાવવામાં ગણદેવીની માટીનો ઉપયોગ
મેદાન પર બર્મુડા ઘાસ
પ્રેક્ટિસ માટે મુખ્ય સહિત અન્ય બે 2 નાના મેદાન
લાલ અને કાળી માટીમાંથી બનેલ કુલ 11 પ્રેક્ટિસ વિકેટ

ઉલ્લેખનીય છે કે વડોદરાએ ભારતીય ક્રિકેટ ટીમને અનેક સારા ખેલાડીઓ આપ્યા પણ અત્યારસુધી વડોદરાનું પોતાનું આંતરાષ્ટ્રીય કક્ષાનું એકપણ ક્રિકેટ સ્ટેડિયમ ન હતું. પરંતુ હવે વડોદરાવાસીઓનું પોતાનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર છે અને હવે આગામી સમયમાં વડોદરાવાસીઓને ડે નાઈટ ક્રિકેટ મેચ જોવા માટે અમદાવાદ, રાજકોટ કે પછી અન્ય કોઈ શહેરમાં જવું નહીં પડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news