નિતિનભાઇને ઢોરે ઢાળી લીધા બાદ પણ સરકારની ઉંઘ ન ઉડી, આખરે યુવક રખડતા ઢોરની હડફેટે 'બલિ' ચઢયો

આ કોઇ પ્રથમ ઘટના નથી આ અગાઉ વડોદરાના વિવિધ વિસ્તારોમાં માત્ર 4 મહિનામાં અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં થોડા સમય પહેલાં વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં એક વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અને વિદ્યાર્થીની આંખ ફૂટી ગઇ હતી.

નિતિનભાઇને ઢોરે ઢાળી લીધા બાદ પણ સરકારની ઉંઘ ન ઉડી, આખરે યુવક રખડતા ઢોરની હડફેટે 'બલિ' ચઢયો

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના સુભાનપુરા રાજેશ ટાવર રોડ પાસે નંદાલય હવેલી જવાના રોડ પર ગઈકાલે રાત્રે બાઈક પર જતા જીગ્નેશ રાજપૂત ગાયના અડફેટમાં આવવાના કારણે જમીન પર પડી ગયા અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જે રોડ પર ગાય સાથે જીગ્નેશભાઈનો અકસ્માત થયો ત્યાં કોર્પોરેશનની સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી. જેથી ઘોર અંધારું હોવાથી જીગ્નેશભાઈને ગાય ન દેખાઈ અને તેવોનું અકસ્માત થતાં મોત નીપજ્યું. મૃતક જીગ્નેશ રાજપૂતના પરિવારજનોએ સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

જેના પગલે ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. પોલીસ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, સાથે જ સ્થાનિક લોકોના નિવેદન પણ લીધા પણ પોલીસને કોઈ પુરાવો હાથ લાગ્યો નથી. મૃતકના પરિજનો ઘટના માટે પાલિકાને જવાબદાર ગણી વળતરની માંગ કરી રહ્યું છે સાથે જ ઢોર માલિકને શોધી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યું છે. તો મૃતક પરિવારમાં એકમાત્ર કમાવનાર હતા. જેથી હવે તેમનું ઘર ચલાવનાર કોઈ નથી. મૃતકની 18 વર્ષની પુત્રીએ કહ્યું કે હવે અમારું ઘર કેવી રીતે ચાલશે? શહેરમાંથી રખડતાં ઢોરનો ત્રાસ ઓછો થવો જોઈએ.

શહેરમાં રખડતાં ઢોર પાલિકાના પાપે યમરાજ બનીને રોડ પર ફરી રહ્યા છે. અવાર નવાર રખડતાં ઢોરોના કારણે અકસ્માતની ઘટના બની રહી છે, ત્યારે કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીબેન રાવત મૃતકના પરિજનને મળવા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં મૃતકના પરિજનને મળી સાંત્વના આપી હતી. સાથે જ જીગ્નેશ રાજપૂતના મોત મામલે મેયર અને મ્યુનિસિપલ કમિશનર સામે માનવવધનો ગુનો નોંધવાની માંગ કરી હતી. તેમજ પરિવારને વળતર અને કોર્પોરેશનમાં નોકરી મળે તેવી પણ માંગ કરી છે. બીજી તરફ પોલીસના અધિકારીના જીગ્નેશ રાજપૂતના મોત મામલે મૂંઝવણમાં છે, જેમાં આધેડનું મોત ગાયના કારણે થયું કે કોઈ વાહન સાથે અથડાયા બાદ રોડ પર પટકાવવાથી થયું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે જ્યારે એક સામાન્ય નાગરિક રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભોગ બને છે ત્યારે તંત્રનું પેટનુંય પાણી હલતું નથી પરંતુ જ્યારે કોઇ મોટા નેતા આ પ્રકારની ઘટનાનો ભોગ બને છે તો તંત્ર દોડતું થઇ જાય છે. તપાસ દૌર શરૂ થઇ જાય છે. તાજેતરમાં જ મહેસાણા ખાતે આઝાદી કા મહોત્સવ કાર્યક્રમ અંતગર્ત યોજાયેલી રેલીમાં ભાગ લેવા પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની રેલીમાં ગાયે તેમને હડફેડે લેતાં તેમના પગે ઇજા પહોંચી હતી. 

ત્યારબાદ આ તંત્રને આ ઘટનાની ગંભીરતા સમજાઇ કે ખરેખર રખડતા ઢોરોનો ત્રાસ કેટલી મોટી સમસ્યા છે. પરંતુ દુખની વાત એ છે કે જ્યારે નેતા કોઇ મોટી પ્રતિષ્ઠિત વ્યક્તિ ભોગ બને છે ત્યારે તંત્રને સમજાય છે. બાકી સામાન્ય જનતાનું દર્દ દેખાતું નથી. આ ઘટના બાદ એક પત્ર પણ વાયરલ થયો હતો જેમાં તપાસના આદેશ આપાવામાં આવ્યા હતા. 

અત્રે ટાંકવું જરૂરી છે કે આ કોઇ પ્રથમ ઘટના નથી આ અગાઉ વડોદરાના વિવિધ વિસ્તારોમાં માત્ર 4 મહિનામાં અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં થોડા સમય પહેલાં વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં એક વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અને વિદ્યાર્થીની આંખ ફૂટી ગઇ હતી. તો બીજી એક ઘટનામાં નિઝામપુરા વિસ્તારમાં ગાયે સિક્યોરિટી ગાર્ડને ભેટી મારતાં હાથમાં ફેક્ચર થયું હતું. આવા અનેક કિસ્સાઓ છે જેને આંગળી વેઢે ગણી ન શકાય. 

સતત 'કોર્પોરેશનની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. કોર્પોરેશન પશુ પકડવાની બાબતમાં નિષ્ફળ નિવડ્યું છે. મેયરે મોટી-મોટી વાતો કરી પણ તેના પર કોઇ નક્કર કાર્યવાહી કે પગલાં ભરવામાં આવ્યા નથી. તો બીજી તરફ નગરજનો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે ગાયો પકડીને પૈસા લઈને ગાયો છોડી દે છે. માલધારીઓને નાગરિકોની ચિંતા નથી એટલે ગાયો રખડાવી લોકોના જીવ જોખમમાં મૂકે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news