વડોદરામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ: સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ છતાં ચુકવતા રૂપિયા

વડોદરા કોર્પોરેશન જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ વિપક્ષ બાદ ખુદ શાસક પક્ષના જ કોર્પોરેટરો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. ગાંજરાવાડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હોવા છતાં કોન્ટ્રાકટરને રૂપિયા ચુકવતા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

વડોદરામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ: સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ છતાં ચુકવતા રૂપિયા

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા કોર્પોરેશન જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ વિપક્ષ બાદ ખુદ શાસક પક્ષના જ કોર્પોરેટરો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. ગાંજરાવાડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હોવા છતાં કોન્ટ્રાકટરને રૂપિયા ચુકવતા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વડોદરાના ગાંજરાવાડીમાં આવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ટ્રીટમેન્ટ કર્યા બાદ વિશ્વામિત્રી નદીમાં છોડાતુ હોવાના દાવો પાલિકા કરે છે. પરંતુ પાલિકાના દાવાની પોલ ખુદ ભાજપના કોર્પોરેટરે ખોલી છે. ભાજપના કોર્પોરેટર વિજય પવારે ગાંજરાવાડી એસટીપી પ્લાન્ટની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન પ્લાન્ટ બંધ હોવાનુ સામે આવ્યુ. સાથે જ સ્લગમાંથી ખાતર બનાવવાની કામગીરી પણ છેલ્લા 4 વર્ષથી બંધ હોવાનુ સામે આવ્યુ. કેમ કે સ્લજમાંથી ખાતર બનાવવાની મશીનરી બંધ હાલતમાં છે.

કોર્પોરેટરે પાલિકાના અધિકારીઓ પર કોન્ટ્રાકટર પાસેથી હપ્તા લઈ લાલયાવાડી ચલાવી લેવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગ કરી છે. તો ભાજપ કોર્પોરેટરના આરોપમાં કોગ્રેસના મહિલા કોર્પોરેટરે પણ સુરમાં સુર પુરાવ્યો છે. કોગ્રેસના કોર્પોરેટરે પણ ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ કરી છે. પાલિકાએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મેઈન્ટેન્સનો કોન્ટ્રાકટ સુરતના ઈકો ગ્રુપને આપ્યો છે. ત્યારે એસટીપીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતાં દિલીપ રાજપુત સાથે ઝી 24 કલાકના રિપોર્ટરે કોર્પોરેટરના આક્ષેપમાં કેટલુ તથ્ય છે તે જાણવા માટે વાત કરી.

ત્યારે પ્લાન્ટ ઓપરેટરે પણ એસટીપી બંધ હાલતમાં હોવાનો સ્વીકાર કર્યો. સાથે જ પ્લાન્ટમાંથી માત્ર 50 ટકા પાણી જ ટ્રીટ થાય છે. બાકીનું બધુ પાણી એમને એમ જ વિશ્વામિત્રી નદીમાં છોડી દેતા હોવાનો ખુલાસો કર્યો. તો પ્લાન્ટની મુલાકાત લેવા કોઈ અધિકારી કે હોદ્દેદાર ન આવતા હોવાની પણ કબુલાત કરી. તો પ્લાનટમાં ફરજ બજાવતા કર્મચારી જયંતી રાઠોડે કોન્ટ્રાકટર પર કર્મચારીઓનુ શોષણ કરતા હોવાનો આક્ષેપ કરી પ્લાન્ટમાં ભારે લાલીયાવાડી ચાલતી હોવાનો કેમેરા સામે ખુલાસો કર્યો.

ગાંજરાવાડી એસટીપી બંધ હોવા મામલે જયારે પાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને પુછયુ તો તેમને ચોમાસાને લીધે સ્લજમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા બંધ હોવાનો સ્વીકાર કર્યો પરંતુ પ્લાન્ટ ચાલુ હોવાનો દાવો કર્યો. પણ તેઓ કયારેય એસટીપીની મુલાકાત લેવા ન ગયાં હોવાની કબુલાત પણ કરી. ત્યારે સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પ્લાન્ટ ચાલુ હોવાનો દાવો કેવી રીતે કરી શકે તે સવાલ ઉઠી રહ્યો છે.

મહત્વની વાત છે ગાંજરાવાડી એસટીપીનુ ઉદઘાટન પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં કર્યુ હતુ. પરંતુ પાલિકા તેની જાળવણી ન કરી શકી. જેથી એસટીપી જર્જરીત બન્યુ છે. પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ ન થતુ હોવાથી સોસાયટીની ડ્રેનેજ ઉભરાઈ રહી છે તો પીવાના પાણીમાં ગટરનુ પાણી મિશ્ર થતા દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યુ છે. ત્યારે શું ભાજપ કોર્પોરેટરના આક્ષેપ મામલે પાલિકાના કમિશનર તટસ્થ તપાસ કરાવશે તે સવાલ ઉઠી રહ્યો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news