માયાવતીએ પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી, કહ્યું- 'ખુબ નિંદનીય, મહિલાઓની માફી માંગો'

લોકસભામાં સ્પીકરની ચેર પર બિરાજમાન મહિલા સાંસદ રમા દેવી પર આપત્તિજનક ટિપ્પણી કરીને સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન મુશ્કેલીમાં જોવા મળી રહ્યાં છે.

માયાવતીએ પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી, કહ્યું- 'ખુબ નિંદનીય, મહિલાઓની માફી માંગો'

નવી દિલ્હી: લોકસભામાં સ્પીકરની ચેર પર બિરાજમાન મહિલા સાંસદ રમા દેવી પર આપત્તિજનક ટિપ્પણી કરીને સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન મુશ્કેલીમાં જોવા મળી રહ્યાં છે. આ મુદ્દે તમામ પક્ષોના મહિલા નેતાઓ એક સૂરમાં આઝમ ખાનને વખોડી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપના નેતા જયા પ્રદા, સહિત અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા આઝમ ખાનના નિવેદનની ટીકા કરાઈ. ટીએમસી સાંસદ મીમી ચક્રવર્તીએ  પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી. હવે બસપા સુપ્રીમો માયાવતીએ પણ આઝમ ખાનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. 

બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ આઝમ ખાનની ટિપ્પણીને અશોભનીય ગણાવતા તમામ મહિલાઓની માફી માંગવાનું કહ્યું છે. બસપા ચીફ માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે યુપીથી સપા સાંસદ આઝમ ખાન દ્વારા ગઈ કાલે લોકસભામાં અધ્યક્ષની ચેર પર બિરાજમાન મહિલા વિરુદ્ધ જે પ્રકારે અશોભનીય ભાષાનો ઉપયોગ કરાયો તે ગરિમા અને સન્માનને ઠેસ પહોંચાડનારા તથા અતિ નિંદનીય છે. આ માટે તેમણે સંસદમાં જ નહીં પરંતુ તમામ મહિલાઓની માફી માંગવી જોઈએ. 

નિર્મલા સીતારમણે ઉઠાવ્યાં સવાલ
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લગભગ આખા સદને નિવેદનની નિંદા કરી છે. જે શબ્દો તેમણે કહ્યાં તે અમે દોહરાવવા પણ નહીં માંગીએ. જે કઈ થયું તે આખા દેશે જોયું. હું એ દરેક સદસ્યની આભારી છું જે તેના વિરોધમાં ઊભા રહ્યાં. આ ફક્ત મહિલાનું અપમાન નથી પરંતુ તે મહિલાનું પણ અપમાન છે જે સ્પીકરની ભૂમિકામાં છે. જ્યારે બધાએ તેના વિરોધમાં ઊભા થવાની જરૂર હતી ત્યારે  મહિલાઓ સંલગ્ન એક મુદ્દાનું પણ રાજનીતિકરણ કરવાની કોશિશ કરાઈ. તેના વિરોધ કરવામાં અસમંજસ જેવી સ્થિતિ કેમ?

— Mayawati (@Mayawati) July 26, 2019

રમા દેવીએ આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી
આ બાજુ સાંસદ રમાદેવીએ આઝમ ખાનને સદનમાંથી બહાર કરવાની પણ માગણી કરી. તેમણે કહ્યું કે હું સ્પીકરને આગ્રહ કરીશ કે આઝમ ખાનને સદનની બહારનો રસ્તો દેખાડવામાં આવે. આઝમ ખાને માફી માંગવી જોઈએ.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું-'આવી ટિપ્પણી સંસદ બહાર કરી હોત તો પોલીસ કાર્યવાહી કરત'
કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગઈ કાલે સદનમાં મહિલાઓનું અપમાન થયું જેને આખા દેશે જોયું. તેમણે કહ્યું કે સપા સાંસદ આઝમ ખાને ભાજપના મહિલા સાંસદની માફી માગવી જોઈએ અને જો તેઓ એમ ન કરે તો તેમને સદનમાંથી બર્ખાસ્ત કરવા જોઈએ. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે કોઈ પણ સાંસદે જો આવી ટિપ્પણી સદનની બહાર કરી હોત તો પોલીસ અત્યાર સુધી કાર્યવાહી  કરી ચૂકી હોત. 

સ્મૃતિ ઈરાનીની સાથે સાથે રવિશંકર પ્રસાદ, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, નિર્મલા સીતારમણ, કોંગ્રેસ નેતા અધીર રંજન, ટીએમસી સાંસદ નુસરત  જહા વગેરે સાંસદોએ પણ આઝમ ખાનના નિવેદનની ટીકા કરી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આઝમ ખાન કાં તો સદનમાં માફી માંગે અથવા તો લોકસભા અધ્યક્ષ તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરે. 

જુઓ LIVE TV

શું કહ્યું હતું આઝમ ખાને?
વાત જાણે એમ હતી કે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના રામપુરથી સાંસદ આઝમ ખાનની એક ટિપ્પણી પર ગુરુવારે હોબાળો મચી ગયો. આઝમ ખાન સદનમાં બોલી રહ્યાં હતાં ત્યારે તેમણે એક શેર સંભળાવ્યો. તુ ઈધર ઉધર કી બાત ન કર, યે બતા કે કાફલા ક્યો લૂંટા? જેના પર સ્પીકરની ચેર પર બિરાજમાન રમા દેવીએ કહ્યું કે તમે પણ આમ જોઈને વાત કરો. જેના પર આઝમ ખાને કહ્યું કે "તમે મને એટલા સારા લાગો છો કે મારું મને કરે છે કે તમારી આંખોમાં આંખો પરોવીને જોતો રહું." 

ભાજપે આ નિવેદન પર વિરોધ વ્યક્ત કરતા આઝમ ખાનને માફી માંગવાનું કહ્યું. કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આઝમ ખાને માફી માંગવી જોઈએ.  સ્પીકર રમા દેવીએ આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે હું તમારી નાની બહેન જેવી છું. આ બોલવાની યોગ્ય રીત નથી. આઝમ ખાને કહ્યું કે તમે ખુબ પ્યારા છો. મારી પ્યારી બહેન છો તમે. 

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આઝમ ખાને મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ. આ વાત કરવાની યોગ્ય રીત નથી. રમા દેવીએ પણ આઝમ ખાનના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી. જેના પર આઝમ ખાને કહ્યું કે મારું લાંબુ જાહેર જીવન રહ્યું છે. જો મારી ભાષા ગેરબંધારણીય હોય તો હું મારી લોકસભા સદસ્યતાથી રાજીનામું આપવા તૈયાર છું. સપા નેતા અખિલેશ યાદવે જો કે તેમનો બચાવ કરતા કહ્યું કે આઝમ ખાનની ભાવનાઓ ખરાબ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news