રાજકોટ-સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, જાણો ક્યાં ક્યાં પડ્યો મેઘો? ખેડૂતોમાં ચિંતા

 

Gujarat Weather Update: રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અચાનક જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને કમોસમી વરસાદ ખાબકી પડ્યો હતો.

રાજકોટ-સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, જાણો ક્યાં ક્યાં પડ્યો મેઘો? ખેડૂતોમાં ચિંતા

Gujarat Weather 2023: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કાળઝાળ ગરમી વરચ્ચે અમરેલીના બગસરા, રાજકોટના ધોરાજી અને જેતપુરમાં અને કચ્છના ગાંધીધામમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. માવઠાના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે. 

મોડી સાંજે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગાંધીધામ વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જેને લઈને સ્થાનિકોને બફારામાંથી રાહત મળી હતી. કચ્છના ગાંધીધામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી રાજકોટના જેતપુર અને ધોરાજીમાં યાર્ડમાં પડેલી જણસી પલળી ગઈ છે. યાર્ડમાં પડેલા વેપારીના ઘઉં, ધાણા મરચા સહિતના પાક પલળ્યા છે.

રાજકોટના ઉપલેટામાં વરસાદ
રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય ખાખી જાળીયા, સેવંત્રા, મોજીરા, ગઢાળા, નવાપરા, કેરાળા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. ઉપલેટા શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદના અહેવાલ છ. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને મગ, તલ, મગફળી, જુવાર, મકાઈ સહિતના પાકોને નુકસાન થયું છે. રાજકોટના જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું થયું છે. સમી સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં જેતલસર, સાંકળી સહિતના ગામોમાં વરસાદ પડ્યાના અહેવાલ મળી રહ્યા છે.

અમરેલી બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદ
અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. બગસરાના ખારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. ખારી, ખીજડીયા, હડાળા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા પડી રહ્યા છે. પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા શરૂ થતાં જગતનો તાત ચિંતામાં પેઠો છે. બીજી બાજુ કમોસમી વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. 

નોંધનીય છે કે, બપોર બાદ રાજકોટ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના અનેક તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી, તલ, જુવાર સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news