યુક્રેનમાં યુદ્ધના ભણકારા વચ્ચે 3 હજાર ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, ભારતના 18 હજાર વિદ્યાર્થીઓ આ દેશોમાં કેમ જાય છે?
યુક્રેન જેવા દેશોમાંથી મેડિકલ અભ્યાસ કરી પરત ફરવા માટે ભારતમાં તાત્કાલિક પ્રેક્ટિસ કરવી મુશ્કેલ હોય છે. વિદેશથી મેડિકલથી અભ્યાસ પૂરો કર્યા બાદ ભારત પરત ફરતા મેડિકલ વિદ્યાર્થીઓને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશનની પરીક્ષા આપવાની હોય છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે ત્યારે આ તણાવ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરતા ભરતના 18 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની દહેશત વચ્ચે તે સ્ટુડન્ટસના પરિવારોના જીવ તાળવે ચોટી ગયા છે. ભારતીય વિદ્યાર્થીઓમાં મેડિકલ અને એન્જીનીયરિંગનો અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય છાત્રો યુક્રેન જતા હોય છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પડી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બની રહી છે, હાલ ત્યાં તણાવનો માહોલ છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થી ફસાયેલા છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની તૈયારી ચાલી રહી હોવાથી ગુજરાતી વિદ્યાર્તીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. સંભવિત યુદ્ધના કારણે ફ્લાઈટના ભાડામાં અધધધ વધારો કરાયો છે. સરકાર સંતાનોને પરત લાવવા મદદ કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે. ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓના પરિવારજનોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. તમને જણાવી જઈએ કે જે ફ્લાઈટનું ભાડું સામાન્ય રીતે 20 હજાર હોય છે તેનું હાલ એક લાખ રૂપિયા થયું છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરા સહિત ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનની કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. યુક્રોનની ચેરનીવેસ્ટીમાં આવેલ બુકોવેનીયન સ્ટેટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં હેતલ મહેતાના પુત્રી વિશ્વ મહેતા અભ્યાસ કરી રહી છે. વાલીઓ પોતાના બાળકોને ભારત પરત લાવવા માંગણી કરી રહ્યા છે. વડોદરાના વાલીઓ રાજ્ય સરકારને રજૂઆત કરશે. એર લાઇન્સ કંપનીઓએ ટિકિટના ભાડામાં વધારો કરતા મુશ્કેલી પડી રહી છે.
ગુજરાતી વિદ્યાર્થીઓના વાલીઓ સાથેની વાતચીત, જાણો દર્દભરી કહાનીઓ...
વાલીઓની મુખ્યમંત્રીને રજૂઆત
મહત્ત્વનું છે કે, સમગ્ર ભારત ના 18૦૦૦ વિદ્યાર્થીઓ યુક્રેન દેશમાં ભણી રહ્યા છે અને તેમાં આપણા ગુજરાતના 3૦૦૦ થી 5૦૦૦ જેટલા વિદ્યાર્થી ગુજરાત રાજ્યના છે. તે બધા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે અત્યારે હાલમાં રશિયા સાથે યુક્રેનનાં યુદ્ધની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને અનુલક્ષી યુક્રેનમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ખુબ જ ચિંતામાં છે. જીવ બચાવવા અને ગુજરાત આવવા ઉતાવળ કરી રહ્યા છે. તેથી વાલીઓ ખુબ જ ટેન્શનમાં આવી ગયા છે.
બીજી બાજુ એરલાઇન્સ કંપનીઓ દ્વારા ૨૦ હજારની જગ્યાએ ખુબ જ ઊંચા ભાડા એક લાખ સુધી વસૂલી રહ્યા છે. તેથી આપને રજૂઆત કે ભારત સરકાર - ગુજરાત સરકાર અમોને સહયોગ આપી મદદ કરી અમારા દીકરા દીકરીઓને પરત લાવવા વિદેશ મંત્રાલયનાં સહયોગથી તેમજ ઉડ્ડયન મંત્રાલયનાં સહયોગથી એર ઇન્ડિયાની ફ્લાઇટ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં મદદરૂપ થાય તેવા નિર્ણય લેવા વિનંતી...
સામાન્ય રીતે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે ભણવા ત્યાં જાય છે. ભારતમાં ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસનો ખર્ચ એક કરોડથી વધારે છે, જ્યારે અમેરિકામાં સાતથી આઠ કરોડ રૂપિયા તથા ઓસ્ટ્રેલિયામાં ચાર કરોડનો ખર્ચ થાય છે. જ્યારે રશિયા, નેપાળ, ચીન, ફિલિપિન્સ અથવા બાંગ્લાદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ ચોથા ભાગનો થાય છે.
શું યુક્રેનની ડિગ્રી ભારતમાં માન્ય છે?
યુક્રેન જેવા દેશોમાંથી મેડિકલ અભ્યાસ કરી પરત ફરવા માટે ભારતમાં તાત્કાલિક પ્રેક્ટિસ કરવી મુશ્કેલ હોય છે. વિદેશથી મેડિકલથી અભ્યાસ પૂરો કર્યા બાદ ભારત પરત ફરતા મેડિકલ વિદ્યાર્થીઓને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશનની પરીક્ષા આપવાની હોય છે. એ ઘણી મુશ્કેલ પરીક્ષા હોય છે અને એને પાસ કરવી એટલી સરળ હોતી નથી.
આજે પણ ભારત જેવા દેશમાં એમબીબીએસની ડિગ્રી સારી રોજગારીની ગેરંટી છે. ભારતમાં લગભગ 88 હજાર એમબીબીએસ સીટો છે, પરંતુ 2021માં 8 લાખથી વધુ ઉમેદવારોએ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ, NEETમાં હાજરી આપી હતી. એટલે કે દર વર્ષે 7 લાખથી વધુ ઉમેદવારોનું ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહી જાય છે. આ જ કારણ છે કે દર વર્ષે હજારો ભારતીય યુવાનો ડોકટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા યુક્રેન અને અન્ય દેશોમાં જાય છે.
યુક્રેનની જાણીતી યુનિવર્સિટીઓ
યુક્રેનમાં બોગોમોલેટસ નેશનલ મેડિકલ યુનિવર્સિટી, કીવ મેડિકલ યુનિવર્સિટી અને ટર્નોપીલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી અનેક મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ ભારતીય છાત્રોમાં હોટ ફેવરિટ છે.
રશિયા અને યુક્રેનમાં તણાવનું કારણ
રશિયાએ યુક્રેનની સરહદે એક લાખથી વધારે સૈનિકોનો જમાવડો કરી રાખ્યો છે, જેથી આ ક્ષેત્રમાં યુદ્ધની આશંકા ઝડપી બની ગયા છે. રશિયાએ સતત આ વાતથી ઈન્કાર કર્યા છે કે તેની યુક્રેન પર હુમલો કરવાની યોજના છે, જોકે અમેરિકા અને તેમના NATO સહયોગી માને છે કે રશિયા આ તરફથી વધી રહ્યું છે અને આ માટે તૈયાર કરી રહ્યો છે. જ્યારે રશિયાની મુખ્ય માગમાં NATOમાં યુક્રેનનો સમાવેશ થતો નથી અને ક્ષેત્રથી એવાં હથિયારોને હટાવવાનો સમાવેશ થાય છે, જેનાથી રશિયાને જોખમ હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે