ગાંઠીયાનો સ્વાદ, જહાજોનું યાર્ડ, રજવાડી ઠાઠ અને જ્યાં બિરાજે છે મા ખોડિયાર...એવા શહેરની લો મુલાકાત

ગુજરાતનું ભાવનગર શહેર વૈવિધ્યથી સભર છે. અહીં અનેકવિધ ધાર્મિક સ્થળો છે. પ્રસિદ્ધ મંદિરો છે. આ સાથે શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ભાવનગરનું અલંગ દુનિયાભરમાં પ્રખ્યાત છે.

ગાંઠીયાનો સ્વાદ, જહાજોનું યાર્ડ, રજવાડી ઠાઠ અને જ્યાં બિરાજે છે મા ખોડિયાર...એવા શહેરની લો મુલાકાત

હિના ચૌહાણ, અમદાવાદઃ ગુજરાતમાં આમ તો જોવાલાયક અનેક સ્થળો છે. તેમાંથી ભાવનગર જે ગુજરાતનું ખૂબ જ સુંદર અને જોવાલાયક શહેર છે. જો તમે ભાવનગરની મુલાકાત લો છો તો ત્યાં ફરવા લાયક અને આનંદિત કરતાં અનેક સ્થળો છે. આ શહેરને સિહોરના રાજાઓએ વસાવ્યું છે. સિહોર સામ્રાજ્યના ભાવસિંહજી ગોહિલએ આ શહેરને વસાવ્યું હતું. ભાવનગર પ્રારંભિકરૂપે એક બંદરગાહ શહેરના રૂપે ઉદ્દભવ્યું હતું. અહીં લાંબા સમય સુધી ગોહિલ રાજપૂતોનું શાસન રહ્યું હતું. અને એટલા માટે જ અહીં રાજપૂત સંસ્કૃતિનો સારો એવો પ્રભાવ છે. આ શહેર શાનદાર સ્થળો અને પ્રાકૃતિક ખુબસુરતીના કારણે જાણીતુ છે.

પ્રકૃતિ પ્રેમીઓ માટે જન્નત સમાન વિક્ટોરીયા પાર્ક (victoria park)
ભાવનગર (Bhavnagar) માં પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ માણવા માટે તમે વિક્ટોરીયા પાર્કની મુલાકાત લઈ શકો છો. કેમ કે, આ પાર્ક જંગલ વિસ્તારમાં આવેલો છે. 24 મે 1888માં ભાવનગર રજવાડાના તત્કાલિન મહારાજા તખ્તસિંહ જસવંતસિંહે આ પાર્ક બનાવ્યો હતો. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ પાર્ક કોઈ જન્નતથી ઓછું નથી. આ વિસ્તારમાં એક ભોજનશાળા અને બાળકો માટેનું રમતગમતનું ઉદ્યાન પણ આવેલું છે. મોટાભાગે લોકો સવારે અને સાંજના સમયે વિક્ટોરીયા પાર્કની મુલાકાત લે છે. જો તમે ભાવનગર આવો અને પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવવાનું મન થાય તો ચોક્કસથી વિક્ટોરીયા પાર્કની મુલાકાત લો.

ભાવનગરી લચ્છુભાઈના પાંવ ગાંઠિયા તો ખાવા જ પડે (Lacchubhai Ganthiyawala)
ભાવનગર (Bhavnagar) ખાસ તો ગાંઠિયા માટે ખૂબ જ જાણીતું છે. કેમ કે, ભાવનગરી ગાંઠીયા માત્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની બહાર પણ એટલા જ ફેમસ છે. માટે જો તમે ક્યારેય પણ ભાવનગરની મુલાકાત લો છો તો ચોક્કસથી ત્યાંના ગાંઠીયાનો સ્વાદ માણજો. ખાસ કરીને પાવ અને ગાંઠીયા ભાવનગરના ખૂબ ફેમસ છે. તેમાં પણ લચ્છુભાઈના પાવ ગાંઠીયાનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય. ઘોઘા સર્કલ પાસે પ્રખ્યાત લચ્છુભાઈના પાવ ગાંઠીયા મળે છે. આખા ભાવનગરમાં સૌથી પ્રખ્યાત છે આ લચ્છુભાઈના પાવ ગાંઠીયા. દૂર દૂરથી લોકો પાવ ગાંઠીયા ખાવા માટે અહીં આવે છે. તમે જ્યારે ભાવનગરની મુલાકાત લો ત્યારે ચોક્કસથી એકવાર લચ્છુભાઈના પાવ-ગાંઠીયાનો સ્વાદ માણો. ભાવનગરમાં લચ્છુભાઈના પાવ-ગાંઠીયાની કુલ 4 બ્રાન્ચ છે. આ સિવાય સુરતના વરાછામાં પણ તેમની બ્રાન્ચ છે. પાવ-ગાંઠીયા સિવાય ત્યાં સેન્ડવિચ પણ જોરદાર મળે છે. પાવ-ગાંઠીયા માટે લાલ ચટણી અને સેન્ડવિચ માટે લીલી ચટણી ફેમસ છે.

શિપ બ્રેકિંગનો છે મુખ્ય ધંધો (bhavnagar ship breaking)
ભાવનગર (Bhavnagar) માં એશિયાનો સૌથી મોટો જહાજ તોડવાનો ઉદ્યોગ ચાલે છે. જેને અંગ્રેજીમાં શિપ બ્રેક યાર્ડ કહેવાય છે. એશિયાનું સૌથી મોટું જહાજ તોડવાનું સ્થળ ભાવનગર. જ્યાં દરેક નાના-મોટા જહાજો ભાંગીને દરેક ભાગને અલગ કરવામાં આવે છે. જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે. શિપ બ્રેક કામગીરી માટે અલંગ યાર્ડ વિશ્વમાં સૌથી મોટું ગણાઈ છે. ભારતીય યુધ્ધ જહાજ આઈએનએસ વિરાટ અલંગ ખાતે ભંગાવા આવ્યું હતું. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેક યાર્ડ જોવા જેવું છે.

ભાવનગરનું શાંતિપ્રિય સ્થળ ગૌરીશંકર લેક (gaurishankar lake bhavnagar)
ભાવનગર (Bhavnagar) માં શાંતિપ્રિય સ્થળ એટલે ગૌરીશંકર લેક. આ તળાવનું બાંધકામ 1871માં શરૂ કરાયું હતું જે 1872માં પૂર્ણ થયું હતું. આ રમણીય સ્થળ શહેરનું શોભા વધારનારું છે. આ તળાવના કિનારે થાપનાથ મહાદેવનું મંદિર, કૈલાશવાટીકા નામની બાલવાટીકા, બોટ-ક્લબ, સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ આવેલા છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે થાપનાથ મહાદેવના પરીસરમાં લોક-મેળો ભરાય છે. તળાવમાં આવેલા ટાપુઓમાંના એક ટાપુ પર રજવાડાના સમયમાં હવાખાવા માટેનું સ્થળ બનાવાયેલું હતું પણ તે હાલ બંધ છે.

ગોહિલ વંશના રાજવીઓનો નિલમબાગ પ્લેસ (nilambag palace bhavnagar)
ભાવનગર (Bhavnagar) માં જાણીતું સ્થળ છે નિલમબાગ પેલેસ. જો તમે ભાવનગરની મુલાકાત લેવાના છો તો એકવાર નિલમબાગ પેલેસને ચોક્કસથી જોવા જજો. ભાવનગરમાં ગોહિલ વંશના રાજવીએ 1859માં આ મહેલ બાંધ્યો હતો. આ મહેલનું બાંધકામ વિલિયમ એમરસને કર્યું હતું. આ મહેલમાં ભારતીય શૈલી અને આધુનિક શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે. હાલ ત્યાં એક હેરીટેજ હોટેલ પણ ચાલી રહી છે. જો તમારે હેરીટેજની ઝાંખી માણવી હોય તો એકવાર નિલમબાગ પેલેસની મુલાકાત લેવી જોઈએ.

તાજમહેલની પ્રતિકૃતિ સમાન ગંગા દેરી (ganga deri bhavnagar)
ભાવનગર (Bhavnagar) શહેરની મધ્યમાં આવેલી ગંગા દેરીએ આકર્ષણનું કેન્દ્ર છે. ભાવનગરના ગોહિલ વંશના રાજવી પરિવારે બેનમૂન સ્થાપત્યનું નિર્માણકાર્ય કર્યું હતું. આ સ્થળ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, તાજમહેલની પ્રતિકૃતિ સમાન સ્થાપત્ય આજે પણ લોકોના દિલ જીતી લે છે. ગંગાજળીયા તળાવના એક છેડે સ્થપાયેલા સ્થાપત્ય નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ઐતિહાસિક બિલ્ડિંગ ગાંધી સ્મૃતિ (gandhi smruti bhavnagar)
ભાવનગર (Bhavnagar) માં પ્રાકૃતિક સ્થળો સિવાય અન્ય એવા સ્થળો પણ આવેલા છે જે લોકોને જોવા ગમે છે. શહેરના ક્રેસંટ સર્કલ ખાતે ગાંધી સ્મૃતિ પર્યટક સ્થળ આવેલું છે. વર્ષ 1955માં પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના હસ્તે ગાંધી સ્મૃતિનું ઉદ્ઘાટન થયું હતું. ગાંધી સ્મૃતિમાં મુખ્યત્વે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એક મોટી પ્રતિમા, એક ક્લોક ટાવર અને એક ગેલેરી આવેલી છે. અહીંયા સ્થિત ગેલેરીમાં તમે રાષ્ટ્રપિતાથી સંબંધિત વિભિન્ન ચોપડીઓ, ચિત્રો અને અન્ય સંબંધિત વસ્તુઓ જોઈ શકો છો. મહાત્મા ગાંધી વિસે જો તમે વધુ જાણવા માંગો છો તો આ સ્થળની ચોક્કસથી મુલાકાત લો.

મોનસૂનની મજા માણવા માટે ગોપનાથ બીચ (gopnath beach bhavnagar)
ભાવનગર (Bhavnagar) નું મનમોહક સ્થળ એટલે ગોપનાથ બીચ. સફેદ રેતી અને ચમચમાતા પાણી સાથે આ બીચ આરામ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે ગોપનાથ બીચ. જો તમે મોનસૂનની મજા માણવા માગતા હોય તો એકવાર ગોપનાથ સમુદ્રી તટની તો મુલાકાત લેવી જ પડે. કેમ કે, ત્યાંનો નજારો એટલો આહલાદક છે કે, એકવાર ત્યાંની મુલાકાત લીધા બાદ વારંવાર ત્યાં ફરી જવાનું મન થઈ જશે. ભાવનગરમાં પર્યટકો માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય ગોપનાથ બીચ. સમુદ્રી તટની સાથે સાથે તમે નજીક આવેલ તાલજા મંદિરના દર્શન પણ કરી શકો છો. આ બીચ પક્ષી વિહાર માટે ખાસ માનવામાં આવે છે.

બાર્ટન લાઈબ્રેરી અને મ્યુઝિયમ (barton library bhavnagar)
ખાણીપીણી, ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો સિવાય તમે ભાવનગર (Bhavnagar) માં બાર ટોન લાઈબ્રેરી અને મ્યુઝિયમ ફરવા જઈ શકો છો. આ લાઈબ્રેરી 19મી સદીમાં બનાવવામાં આવી હતી. આ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્રના રૂપમાં ઓળખાય છે. અહીં પર્યટકો આવવાનું ખૂબ પસંદ કરે છે. કેમ કે, અહીં ઘણા જૂના પુસ્તકોનો સંગ્રહ છે. ઈતિહાસને સારી રીતે સમજવા માટે તમે બાર ટોન લાઈબ્રેરીની મુલાકાત લઈ શકો છો.

સૌથી પ્રખ્યાત છે ખોડિયાર મંદિર (khodiyar mandir)
ભાવનગર (Bhavnagar) માં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. ભાવનગરમાં સૌથી પ્રખ્યાત ખોડિયાર મંદિર આવેલું છે. ભાવનગરથી 18 કિલોમીટર દૂર પ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે એક પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે ઓળખાય છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. ભાવનગરમાં કુદરતી સૌંદર્યની વચ્ચે સ્થાપિત ખોડિયાર મંદિર છે. ભાવનગર જાવ તો ચોક્કસથી એકવાર આ ખોડિયાર મંદિરની મુલાકાત લેવી જોઈએ. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે. ભાવનગર જાણીતા અને જોવાલાયક પ્રસિદ્ધ સ્થળોથી ભરપૂર છે. ભાવનગરમાં કુદરતી સૌંદર્યની સાથે ઐતિહાસિક વારસાની પણ ઝાંખી જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news