GFL કંપની બ્લાસ્ટ મુદ્દે આખરે તંત્રએ પોતાનું મૌન ખોલ્યું, આ હતું બ્લાસ્ટનું કારણ આટલા મોત થયા
Trending Photos
પંચમહાલ : જિલ્લાના ઘોઘંબાની જીએફએલ કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે લગાવાઈ રહેલ અટકળોનો આખરે અંત આવ્યો છે. સર્ચ ઓપરેશન બાદ સામે આવેલ આંકડા મુજબ કુલ 7 લોકોના મોત થયા છે. જ્યારે 23 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટની ભયાનક ઘટનામાં સતત બીજે દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. ઘટના મામલે કંપની દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી.
જીએફએલ કંપનીમાં ઘટનાના દિવસે મળી આવેલ પાંચ મૃતદેહો બાદ જે મિસિંગ હતા તે બે મૃતકો માટે એસડીઆરએફ અને કંપનીની રેસ્ક્યુ ટીમે બીજા દિવસે કલાકો સુધી સર્ચ કરી બે મૃતદેહ પ્લાન્ટમાંથી શોધી કાઢ્યા હતા. પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન માટે મહાકાય ક્રેઇન અને ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી. ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના મલ્ટી પ્રોસેસ પ્લાન્ટ ભાગ -૨ માં અચાનક જ ગુરૂવારે રીએક્ટરમાં બ્લાસ્ટ થતાં ભારે નુકશાન થવા સાથે કામદારો ફસાઈ જતાં ૨૩ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે સાત કામદારોના કરુણ મોત નિપજ્યા હતા. બ્લાસ્ટની ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યારે બે અતિ ગંભીર ઇજાગ્રસ્તને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. ઘટનામાં મળી આવેલ આ મૃતદેહોને તેઓના સ્વજનો પાસે ઓળખ કરાવવાની પ્રકિયા બાદ પીએમ કરાવી તમામની અંતિમ વિધિ માટે મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.
બ્લાસ્ટની ઘટના અંગે સમીક્ષા કર્યા બાદ મલ્ટી પ્રોસેસ પ્લાન્ટ ભાગ ૨ ના રીએક્ટરમાં થયેલા બ્લાસ્ટનું પ્રાથમિક કારણ જાણવા માટે કંપની દ્વારા નિષ્ણાત ટીમની માધ્યમથી સર્ચ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જેની સાથે તંત્ર દ્વારા ખાસ બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં ટેક્નિકલ ટીમે બ્લાસ્ટ થવાનું પ્રાથમિક તારણ ડીસ્લેશન પ્રોસેસમાં ઇમ્પ્યુરિટીના કારણે રીકેટરમાં બ્લાસ્ટ થયો હોવાનું બહાર આવ્યું છે. વધુ સર્ચ કામગીરી ચાલી રહી છે, એમ હાલોલ પ્રાંત અધિકારી એ.કે.ગૌતમે વાતચીતમાં જણાવ્યું હતું.
બ્લાસ્ટની ઘટનામાં કંપનીએ મૃતક અને ગંભીર ઇજાગ્રસ્તને અલાયદું વળતર આપવાની જાહેરાત કરી છે. કંપનીના એચ આર મેનેજર જીગ્નેશ શાહે મીડિયાને આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, ઘટનાથી કંપનીના તમામ કર્મચારીઓ અને સંચાલકો દુઃખની લાગણી અનુભવે છે. કંપનીના મેનેજમેન્ટ દ્વારા અલાયદી સહાય આપવાનું નક્કી કરાયું છે. જેમાં મૃતકને વીસ લાખ અને અને કાયમી અપગતાં ધરાવનાર કામદારને સાત લાખ વળતર આપવામાં આવશે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત થયેલા તમામનો સંપૂર્ણ સારવાર ખર્ચ કંપની ઉપાડશે તેમજ સારવાર દરમ્યાન પૂરેપૂરો પગાર પણ આપવામાં આવશે.
બ્લાસ્ટની ઘટનામાં કંપનીના પ્લાન્ટ આસીસ્ટન્ટ મેનેજર સુહાસ રોહિતનો પણ બે દિવસ સુધી કોઈ પત્તો ના લાગતા વડોદરાથી તેમના પિતા સહિત પરિવાર કંપની ખાતે દોડી આવ્યું હતું. એક બાળકીના પિતા સુહાસનું પણ મોત થયું હોવાનું જાણી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સર્ચ ઓપરેશનમાં છેલ્લે મળેલ ક્ષત વિક્ષત થયેલ લાશ સુહાસની જ હોવાની સાથી કર્મીએ અનુમાન લગાવ્યું હતું. પરંતુ પરિવાર હઝુ પણ તે પોતાના દીકરાની લાશ છે કે નહીં તે અંગે અવઢવમાં હોવાનું જણાવ્યું હતું.
મિસિંગ કામદારોની સર્ચ ઓપરેશન કામગીરી પૂર્ણ થતાં પોલીસે પણ ઘટના અંગે પોતાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા એફએસએલની મદદથી સર્ચ કરવામાં આવશે. જ્યારે કંપની દ્વારા પણ બ્લાસ્ટ અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે નિષ્ણાતની મદદથી સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવશે. દરમિયાન બ્લાસ્ટ અંગેની સંપૂર્ણ સર્ચ કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત યથાવત રાખવા ઉપરાંત કંપની સ્થિત તમામ પ્લાન્ટ પણ શટ ડાઉન રાખવામાં આવશે. હાલ જે 7 મૃતદેહો મળી આવ્યા છે, તેમાંથી 5 ની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે 2 ની ઓળખ હઝુ પણ બાકી છે. નિષ્ણાતોની ટિમના અહેવાલ બાદ જો ઘટનામાં કોઈ બેદરકારી જણાશે તો તે અંગે પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે