ભૂમાફિયાઓ સામે લાલ આંખ, લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત રાજકોટ જિલ્લામાં નોંધાઇ પ્રથમ ફરિયાદ
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 ના નવા કાયદા અંતર્ગત રાજકોટ જિલ્લમાં કુલ 9 અરજદારોએ અરજી કરી હતી.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ નગરપાલિકાના કોન્ટ્રાકટ કર્મચારી સહિત ચાર ભુમાફિયાઓ સામે ફરિયાદ નોંધી રાજકોટ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રુલર પોલીસે રમેશ રાજુભાઇ સિંધવ અને ધીરુ બચુભાઇ ગમારાની ધરપકડ કરી છે. આ બંને શખ્સો મૂળ ગોંડલના રહેવાસી છે. અને તેમના પર ગેરકાયદેસર રીતે બીજાની જમીન પચાવી પાડવાનો આરોપ છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 ના નવા કાયદા અંતર્ગત રાજકોટ જિલ્લમાં કુલ 9 અરજદારોએ અરજી કરી હતી.
જે આધારે ગત સપ્તાહ દરમિયાન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને બેઠક બાદ સંબંધિત અધિકારીઓને અરજી અંગે તપાસ સોપવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ રુલર પોલીસને 2 અરજી સંદર્ભે તપાસ સોંપવામાં આવી હતી. જેમાં એક અરજીમાં તપાસ દરમિયાન ભુમાફિયાઓની સંડોવણી સામે આવતા વીરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગોંડલ નગરપાલિકાના હંગામી કર્મચારી સહિત 4 ભુમાફિયાઓની સંડોવણી ખુલતા ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ અંગે ગજેન્દ્ર સાંગાણી નામના અરજદારે અરજી આપી હતી. જે અરજીમાં તેમને પોતાની માલિકી ની 40 અને 45 વિધાની બે અલગ અલગ જમીન પૈકી 40 વિઘા જમીન વર્ષ 2001માં વહેંચવા માટે અન્ય વ્યક્તિને આપી હતી.
જો કે તેમને રૂપિયા ન આપતા બાદમાં વર્ષ 2014 દરમિયાન ગોંડલ ના રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ અને ધીરુ ગમારાએ જમીન વહેંચી દેવાનું કહી તેમને રૂપિયા ન આપી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી જમીન પચાવી પાડી હતી. જે હકીકતના આધારે આજે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત રમેશ સિંધવ અને ધીરુ ગમારા ની ધરપકડ કરી બાકીના 2 આરોપી કે જે અન્ય ગુનામાં જેલવાસ ભોગવી રહ્યા છે તેનો કબજો મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
રાજ્ય ભરમાં ભુમાફિયાઓને ડામવા રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 ની રચના કરવામાં આવી છે જેમાં ગેરકાયદેસર રીતે જમીન પર થતા કબ્જા , દબાણ અને બોગસ દસ્તાવેજ બનાવવા જેવી ગેરકાનુની પ્રવૃત્તિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ 9 અરજી પૈકી એક અરજીમાં પ્રથમ ફરિયાદ 4 ભુમાફિયા સામે નોંધાઇ છે જેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે 4 પૈકી 1 આરોપી નરેશ સિંધવ વિરુધ્ધ તાજેતરમાં ગત સપ્તાહ દરમિયાન ગુજસીટોક હેઠળ પણ ધરપકડ કરવામાં આવી છે જે ગુનામાં તે જેલવાસ ભોગવી રહ્યો છે ત્યારે પોલીસ તપાસ માં વધુ કોઇ ની સંડોવણી સામે આવે છે કે કેમ ઉપરાંત આરોપીઓ દ્વારા અન્ય કોઇ જમીન પર દબાણ કે કબજો કરાયો છે કે કેમ તે જોવું મહત્વ નું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે