સરકારનું સુત્ર 'ભણે ગુજરાત' ને રફેદફે કરે છે ભાવનગર યુનિવર્સિટી, એનરોલમેન્ટ ફીમાં કર્યો 10 ગણો વધારો!

એનરોલમેન્ટ ફી માં જંગી વધારો કરતા એબીવિપી દ્વારા વાઇસ ચાન્સેલર ને રજૂઆત કરવામાં આવી છે તેમજ ફી વધારો પાછો નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 

 સરકારનું સુત્ર 'ભણે ગુજરાત' ને રફેદફે કરે છે ભાવનગર યુનિવર્સિટી, એનરોલમેન્ટ ફીમાં કર્યો 10 ગણો વધારો!

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર યુનિવર્સિટી દ્વારા એનરોલમેન્ટ ફીમાં દસ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે, અગાઉ એનરોલમેન્ટ ફી પેટે માત્ર 100 લેવામાં આવતા હતા, જે ફી હવે 1000 કરી દેવામાં આવી છે, જેના કારણે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આશરે 15 હજાર વિદ્યાર્થીઓને વર્ષે 1.35 કરોડ જેવી રકમ વધારે ચૂકવવી પડશે. એનરોલમેન્ટ ફી માં જંગી વધારો કરતા એબીવિપી દ્વારા વાઇસ ચાન્સેલર ને રજૂઆત કરવામાં આવી છે તેમજ ફી વધારો પાછો નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 

એકબાજુ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, ત્યારે હવે નવા શરૂ થઈ રહેલા શૈક્ષણિક વર્ષથી કોલેજમાં દાખલ થઈ રહેલા વિદ્યાર્થીઓ ને પોતાના નામની નોંધણી માટે અગાઉથી ચુકવવી પડતી 100 રૂ. એનરોલમેન્ટ ફી ના બદલે 1000 રૂ. ફી ચૂકવવી પડશે, જે મધ્યમવર્ગીય પરિવાર માથી આવતા હજારો વિદ્યાર્થીઓ માટે આર્થિક ફટકા સમાન બની રહેશે. યુનિવર્સિટી દ્વારા અચાનક કરાયેલા જંગી ફી વધારાથી કેળવણીકારોમાં પણ કચવાટની લાગણી ફેલાઈ છે. 

ભાવનગર યુનિવર્સિટીમાં ચાલી રહેલા લાલિયાવાડી જેવા વહિવટને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માંથી અભ્યાસ માટે આવતા ગરીબ અને મધ્યમવર્ગના હજજારો વિદ્યાર્થીઓ ને હવે તગડી એનરોલમેન્ટ ફી ચૂકવી પ્રવેશ મેળવવો પડશે, યુનિવર્સિટી દ્વારા વસૂલવામાં આવતી એનરોલમેન્ટ ફી માં દસ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. 

અગાઉ યુનિવર્સિટી દ્વારા એનરોલમેન્ટ ફી પેટે 100 રૂપિયા વસૂલવામાં આવતા હતા જે વધારીને હવે 1000 રૂપિયા કરી દેવામાં આવી છે, એટલે કે એનરોલમેન્ટ ફી માં હવે 10 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ ને વર્ષે 1.35 કરોડ જેવી જંગી રકમ વધારે ચુકવવી પડશે. આ પ્રશ્ને વિદ્યાર્થી સંગઠન એબીવિપિ દ્વારા ફી વધારો પાછો ખેંચવા વાઇસ ચાન્સેલર ને રજૂઆત કરવામાં આવી છે. 

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી કોલેજો ને આડકતરી રીતે લાભ કરાવવા પ્રયત્નો થઈ રહ્યા છે, સામાન્ય રીતે કોઈ પણ ઠરાવ કરતા પહેલા તે માટે પ્રસ્તાવ મૂકવામાં આવતો હોય છે અને એ તમામ સ્તરે મંજૂર થયા બાદ નિર્ણય લેવામાં આવે છે, પરંતુ ભાવનગર યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર અને ઇસી મેમ્બરો દ્વારા બંધ બારણે બેઠક કરી વધારો નક્કી કરી દેવામાં આવ્યો છે.

આ અંગે યુનિવર્સિટી રજીસ્ટાર કૌસિક ભટ્ટ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં તા. 13 એપ્રિલના રોજ યુનિ.ની ઇ.સી. બેઠક મળી હતી જેમાં અધ્યક્ષ સ્થાનેથી એનરોલમેન્ટ ફી વધારા માટે રજૂઆત આવેલી અને રૂ. 100 બદલે 1000 રૂપિયા કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જોકે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે જે બાબતે અમે કુલપતિ અને ઇસી સમક્ષ રજૂઆત મુકીશું, જે આગળનો નિર્ણય નક્કી કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news