સુરતમાં આપનો વિરોધ, અનુસૂચિત જાતિના લોકોએ ગોપાલ ઈટાલીયાના પૂતળાનું દહન કર્યું

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનની જાહેરાત કરી હતી. પરંતુ દલિત સમાજ દ્વારા સુરતમાં આપની માનસિકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

સુરતમાં આપનો વિરોધ, અનુસૂચિત જાતિના લોકોએ ગોપાલ ઈટાલીયાના પૂતળાનું દહન કર્યું

સુરતઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ થોડા દિવસ પહેલા પોતાના સંગઠનની જાહેરાત કરી હતી. પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના કાર્યકર્તાઓ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ જય ભીમ મોરચા, બિરસા મુંડા મોરચાની રચના કરી છે. ત્યારે આપ દ્વારા દલિત સમાજનો ઉપયોગ કરવામાં આવી રહ્યાંનો આરોપ લગાવી સુરતમાં વિરોધ કરવામાં આવ્યો છે. 

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠન અને વિવિધ મોરચાની જાહેરાત કરી હતી. આપ દ્વારા બિરસા મુંડા મોરચો અને જય ભીમ મોરચાની પણ રચના કરવામાં આવી છે. ત્યારે દલિત સમાજ સાથે સંકળાયેલા સમતા સૈનિક દળે આપના પ્રદેશ પ્રમુખ ઈટાલીયાના પૂતળાનું દહન કરી પાર્ટીની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે માત્ર રાજકીય લાભ મેળવવા માટે ભીમ મોરચા અને બિરસા મુંડાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આવનારી ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિના મત મેળવવા આપ દ્વારા આ પ્રયાસો કરવામાં આવ્યા છે. 

સમતા સૈનિક દળના પ્રમુખે કહ્યુ કે, આપના પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા કમિટી બનાવવામાં આવી છે. જેમાં બિરસા મુંડા અને જય ભીમ કમિટીનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ સંગઠનમાં અન્ય કોઈ મહાપુરૂષના નામે કમિટીની રચના કરવામાં આવી નથી. આ આપની માત્ર અનુસૂચિત જાતિનો ઉપયોગ કરવાની માનસિકતા છતી કરે છે. એટલે અમે આ વિરોધ નોંધાવ્યો છે. જેની આમ આદમી પાર્ટીએ નોંધ લેવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news